સુરત શહેરમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. જેમાં પણ કોઈ પ્રસંગ સમયે બનેલી આવી હાર્ટ એટેકની ઘટનાને લઈને ખુશીના માહોલમાં માતમ છવાઈ જતો હોય છે ત્યારે આવી જ એક ઘટના ડુમ્મસ વિસ્તારમાં બની છે. રાજકોટથી સુરત ભત્રીજીના લગ્નમાં આવેલા સ્પેરપાર્ટ્સના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવામાં આવી રહી છે. ભત્રીજીના લગ્ન નામ માંડવે પહોંચવા માટે હોટલમાંથી લિફ્ટમાં નીચે ઉતરતા સમયે લિફ્ટમાં જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ મોત નિપજ્યું હતું. સ્પેરપાર્ટ્સ બનાવી પરિવારનું ગુજરાન ચલાવતા
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી આર્યાલેન્ડ રેસીડેન્સી 48 વર્ષીય અમિત જયસુખભાઈ કલ્યાણી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને પુત્ર છે. લોખંડના સ્પેરપાર્ટ્સ બનાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુરત રહેતી ભત્રીજીના લગ્ન હોવાથી અમિત પરિવાર સાથે 16 નવેમ્બરે સુરત આવ્યા હતા. જેના પગલે તેમને ડુમસ વિસ્તારમાં આવેલી રાજહંસ બેલીઝા હોટલમાં રોકાણ કર્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા જ બહાર નીકળતા ઢળી પડ્યા
17 નવેમ્બરના રોજ ડુમસ વિસ્તારમાં જ આવેલા ગ્રીન ફિલ્ડ પાર્ટી પ્લોટ ખાતે અમિતભાઇની ભત્રીજીને લગ્ન હતા. જેથી ગત રોજ સાંજે 5 વાગ્યે અમિતભાઈ અને તેના પરિવારજનો પાંચમા માળેથી લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. આ દરમિયાન અમિતભાઈ બેભાન થઈ ગયા હતા. જેથી, પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા જ બહાર નીકળતા ઢળી પડ્યા હતા. જેથી, તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અમિતભાઈને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનો માહોલ
અમિતભાઈનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની સંભાવના સેવામાં આવી છે. મોત અંગે પરિવારજનોને લગ્ન બાદ જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના અમિતભાઈ સંબંધી થાય છે.