રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુ્ટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર ગઇકાલે રાત્રિના જામનગર રોડ પર હુમલો થયાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મોડી રાતની ઘટનામાં સન્ની પાજી દા ધાબા ખાતે સામ સામે બોલાચાલી થતા મારામારી થયાની અને ધાબામાં તોડફોડ થયાની ચર્ચા ચાલી રહી છે અને તેને લઇ સન્ની પાજી દ્વારા કંટ્રોલ રૂમમાં માથાકુટ થયાનો ફોન આવતા પોલીસે તપાસ કરી હતી અને રેસ્ટોરન્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો હતો. જોકે, બંને પક્ષે સમાધાન થઇ જતા આ મામલે હજુ સુધી એકપણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી અને ડેપ્યુટી મેયરે પોતાના સોસિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ મૂકી આ માત્ર અફવા હોવાનું જણાવ્યું છે. અમનવીર ઉર્ફે સન્ની પાજીએ પોલીસમાં કરાવેલી નોંધમાં જણાવ્યું હતું કે, તેમને પરા પીપળીયાના પાટિયા પાસે સન્ની પાજી દા ધાબા નામની હોટલ આવી છે. તેઓ હોટલ પર હતાં ત્યારે ત્રણ વ્યાક્તિ જમવા આવ્યા હતાં. તેમનું બીલ હોટેલમાં લીધુ હોઇ ત્યારે વિજયભાઇ ગઢવી નામના વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે, આ ત્રણ વ્યક્તિનું બીલ લેવાનું નથી. જેથી તેને કહ્યું કે, ત્રણેય લોકો બીલ દઇને જતા રહ્યા છે. દરમિયાન નરેન્દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજાનો ફોન આવ્યો અને ફોનમાં કહ્યું કે, હું તારી હોટલે આવું છું, હોટેલ બંધ કરાવી દેવી છે તેવી વાત કરી હતી. બાદમાં થોડીવાર પછી નરેન્દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજા, રવિરાજસિંહ, હરદિપસિંહ ટીન્કુીભા જાડેજા, વિશ્વરાજસિંહ ઉર્ફ કાનો, વિજયભાઇ ગઢવી અને અજાણ્યા માણસો હોટેલે આવ્યા અને સામ સામે ઝપાઝપી થઇ હતી. તેઓ બોલાચાલી કરવા લાગેલા અને ઢીકાપાટુ મારવા લાગ્યા હતા. તેમજ હોટેલમાં તોડફોડ પણ કરી હોઇ અને કોઇએ 100 નંબર ઉપર ફોન કરતાં પોલીસની ગાડી આવી હતી. બાદમાં તે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવ્યો હતો. સામ સામે ઝપાઝપી થતાં તેમને શરીરે મુંઢ ઇજા થઇ છે. હાલ કોઈ સારવાર લીધેલ નથી. વધુમાં જણાવ્યું હતું કે, સામાવાળા તેમના મિત્ર થતાં હોઇ અને સમાધાનની વાત થઇ ગઇ હોઇ જેથી બનાવ બાબતે મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. ગઈકાલે રાતે જામનગર રોડ પર પરા પીપળીયા પાસે આવેલા સન્ની પાજી દા ધાબા નામની હોટલ પર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ પર હુમલો થયાના સમાચારો વેગવંતા બન્યા હતાં. જે મામલે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મૂકી માથાકૂટની આ ઘટનાને અફવા ગણાવી છે. જોકે, આ મામલો આજના દિવસે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.