અમદાવાદમાં RTE હેઠળ અલગ-અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના એડમિશન થયા હતા, જેમાંથી કેટલાક શંકાસ્પદ એડમિશન અંગે સ્કૂલોએ DEO ને ફરિયાદ કરી હતી. જે મામલે DEO દ્વારા હિયરીંગ બાદ 140 એડમિશન રદ કરવામાં આવ્યા છે. શહેરની જાણીતી સ્કૂલોમાં RTEના એડમિશન રદ થયા છે. પુરાવા સાથે સ્કૂલોએ DEOને ફરિયાદ કરી
શહેરની ઉદગમ, કેલોરેકસ, ઝેબર, કે.એન પટેલ, ગ્લોબલ ઇન્ડીયન, આર.પી. વસાણી, જન્ટ્સ જીનીસીસ સહિત સ્કૂલમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવ્યા હતા. RTE હેઠળ ફાળવવામાં આવેલા એડમિશનમા કેટલાક એડમિશન શંકાસ્પદ જણાતા સ્કૂલ દ્વારા DEO કચેરીને પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી હતી. વાલીઓની આવક વધુ હોવા છતાં ખોટી આવક દર્શાવી વાલીઓએ એડમિશન મેળવ્યા હતા. આ તમામ પુરાવા સાથે સ્કૂલોએ DEOને ફરિયાદ કરી હતી. 140 એડમિશન રદ કરવામાં આવ્યા
આ અંગે DEO દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ જે વાલીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હતા તેમને હીયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. વાલીઓએ હિયરિંગ દરમિયાન પોતાનો પક્ષ મૂક્યો હતો, જેની સામે DEOએ પુરાવા રજૂ કર્યા હતા. જેથી, વાલીઓએ કબુલાત કરી હતી. આ અંગે DEO દ્વારા 140 એડમિશન રદ કરવામાં આવ્યા છે, જેમાંથી સૌથી વધુ ઉદગમ અને કેલોરેકસ સ્કૂલના એડમિશન રદ થયા છે. આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે હીયરીંગ દરમિયાન વાલીઓએ ખોટી રીતે એડમિશન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે જેથી ખોટી રીતે મેળવેલા એડમિશન રદ કરવામાં આવ્યા છે.