સુરત શહેરમાં 24 કલાકમાં જ વધુ એક વાહન અકસ્માતની ઘટના ઘટી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ગઈકાલે રાતે બે શ્રમજીવી મિત્રો ચટાઈ પાથરીને સૂઈ ગયા હતા. જોકે, આજે વહેલી સવારે ટ્રકચાલકે ટ્રક રિવર્સ લેતી વખતે ઊંઘમાં જ બંને મિત્રોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે પૈકી એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જયારે અન્ય મિત્રને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રક મૂકીને ડ્રાઇવર ફરાર
આ જીવલેણ અને ગંભીર પ્રકારના અકસ્માતને સજર્યા બાદ ટ્રક મૂકીને ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે જાણ થતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મરનાર યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ટ્રક રિવર્સ લેતી વખતે સૂતેલા લોકો પર ફેરવી દીધો
મળતી માહિતી પ્રમાણે, 26 વર્ષીય ધીરજ લાલચંદ મૌર્ય (રહે. સરસ્વતી નગર, નવાગામ ડીડોલી) અને તેનો મિત્ર 19 વર્ષીય પંકજ કેવટ (રહે આસપાસ નગર લીંબાયત) ગઈકાલે રાત્રે ડીંડોલી ખાતે આવેલા ગુરુદત્ત પોઈન્ટ સામેના ખુલ્લા મેદાનમાં સુઈ ગયા હતા. આજે સવારે 7.30 વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલકે ટ્રક રિવર્સ લેતી વખતે ખુલ્લા મેદાનમાં સુતેલા આ બંને મિત્રો પર ટ્રક ફેરવી દીધી હતી. એક આરોપીનું મોત અન્ય ઈજાગ્રસ્ત
બે પૈકી ધીરજ મૌર્યને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે પંકજ કેવટને પણ માથાના ભાગે ઈજા પહોચી હતી. અકસ્માત બાદ ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ડ્રાઈવર ભાગી ગયો હતો. આ અકસ્માત અંગે જાણ થતા ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પંકજ કેવટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ધીરજ મૌર્યનું મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. બંને કચરો વીણીને મેદાનમાં જ સૂઈ ગયા હતા
ડીંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધીરજ અને પંકજ બંને મિત્રો હતા. તેઓ કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે સાંજે બંને કચરો વીણીને આવ્યા બાદ મેદાનમાં પહોંચ્યા હતા અને ત્યાં ચટાઈ પાથરીને ત્યાં જ સૂઈ ગયા હતા. બંને મિત્રો ચટાઈ પાથરી અને ઉપરથી કંબલ ઓઢીને સૂઈ ગયા હતા. ત્યારે વહેલી સવારે 7.30 વાગ્યાના અરસામાં ટ્રક ડ્રાઇવરે રિવર્સ લેતી વખતે બંને પર ફેરવી દીધી હતી. આરોપીની શોધખોળ હાથ ધરી
આ અકસ્માતમાં ધીરજ મૌર્યનું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્ર પંકજ કેવટને માથામાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.