કચ્છના લકડિયાથી વડોદરા સુધી 765 કેવીની હેવી વીજ લાઇન નાખવા માટેનું કામ ચાલી રહ્યું છે. જો કે, ખેડૂતોને પૂરું વળતર આવામાં આવી રહ્યું નથી, જેથી કરીને પૂરું વળતર આપવાની માગ સાથે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા છે તો પણ ખેડૂતોને ન્યાય કરવાને બદલે પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોને ડરાવી ધમકાવીને કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કામને તાત્કાલિક ધોરણે અટકાવવાની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સીએમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ સીએમને પત્ર લખીને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, મો૨બી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ગંભી૨ છે. ડ્રગ્સ, દારૂ, કેફી પદાર્થો, ખનીજ ચોરી, વ્યાજખોરી, મર્ડર વિગેરે જેવી ઘટનાઓ રોજીંદી બની ગઈ છે. જિલ્લામાં સામાન્ય જનતાથી લઈને ખેડૂતો સુધીના લોકો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્ર લુખ્ખાતત્વો તથા ઉદ્યોગકારોને છાવરી રહ્યું છે. જેથી કરીને ખેડૂતોને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે. મોરબી જિલ્લામાંથી સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા 5- બી ટ્રાન્સમિશન લી. ને 765 કે.વી. લાકડીયાથી વડોદરા સુધીની ટ્રાન્સમિશન લાઈનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. મો૨બી જિલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી આ લાઇન પસાર થાય છે. જેમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી, જેથી કરીને ખેડૂતો રજૂઆત કરવા માટે જાય તો કોઈ તેમને સાંભળતું નથી અને કામ રોકવા જાય તો પોલીસનો ડર બતાવવામાં આવે છે. જેથી ખેડૂતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામને તાત્કાલિક ધો૨ણે અટકાવવામાં આવે તેવી માગ કરી છે. જો આ કામ તાત્કાલિક ધો૨ણે ત્રણ દિવસમાં અટકાવવામાં નહી આવે તો નાછૂટકે તા 22ના રોજ ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વધમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું છે કે, આ આંદોલનમાં કાર્યકારી અધ્યક્ષ લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય પી૨જાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોજભાઈ પનારા, મો૨બી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણી, માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી માળીયા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ.રાણા તથા માળીયા તાલુકા વિરોધપક્ષના નેતા અશોકભાઈ કૈલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં જુદાજુદા ગામના ખેડૂતો જોડાશે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે આ કામને તુરંત જ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવે તેવી માગ કરી છે.