બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં લાભાર્થીઓની પાંખી હાજરીને કારણે ખુરશીઓ ખાલી જોવા મળતા જિલ્લા પંચાયત પ્રમુખે આગામી કેમ્પ સ્થગિત કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 500 લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. છોટા ઉદેપુર જિલ્લા આરોગ્ય અને આયુર્વેદિક શાખા તરફથી તાલુકાકક્ષાએ નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજ રોજ બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાભાર્થીઓની પાંખી હાજરીને કારણે ખુરશીઓ ખાલી જોવા મળતી હતી. જેને કારણે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, આ કાર્યક્રમમાં હાલ જે હાજર છે તે ખૂબ મોટી સંખ્યા ના કહેવાય. આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે વધારેમાં વધારે લોકો લાભ લે. આ અગાઉના બે કાર્યક્રમમાં હું ઉપસ્થિત ન હતી એટલે એનું તો મને ખબર નથી, પણ હવે પછી જો ચોથો કેમ્પ થાય અને જો આ જ પ્રમાણે કરવાનો હોય, તો પછી આપણે એને સ્થગિત રાખીએ તો સારું. કદાચ આજે મારી વાત તમને થોડી માઠી લાગશે. પરંતુ, જેના માટે આ કેમ્પ કરવામાં આવે છે, તાલુકા કક્ષાનો આ કેમ્પ છે તો થોડો પ્રચાર પ્રસાર થાય એ જરૂરૂ બન્યું છે. સ્થાનિક આગેવાનો અને સરપંચનો સંપર્ક કરીને પ્રચાર પ્રસાર કરવામાં આવે. જેથી કરીને જેના માટે આ કેમ્પ કરવાના છે, એવા લોકો લાભ લે. હજુ આ કેમ્પ ચાલુ છે, સમય છે. આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરોને કામે લગાડી વધુમાં વધુ લાભાર્થીઓને લાવો. આવુ કહીને તેમણે આરોગ્ય વિભાગને જાહેરમાં જ મીઠી ભાષામાં ટકોર કરી હતી. આમ, આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક શાખા તરફથી રાખવામાં આવેલા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં ખૂબ પાંખી હાજરીને લઈ જિલ્લા પંચાયત પ્રમુખે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.