મોરબીના પંચાસર રોડ પર આવેલી શ્યામ સોસાયટી 1 અને 2માં રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને ત્યાં અડધું કામ પૂરું પણ થઈ ગયું છે. ત્યારે કામ કરનારે કામ બંધ કરી દીધું છે, જેથી કરીને સ્થાનિક મહિલાઓએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. જો કે, આ કામ જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું તેણે કામ કર્યું જ નથી. ધારાસભ્ય તેમજ ચીફ ઓફિસરના કહેવાથી પાલિકાના માજી સભ્ય દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ, આ કામમાં પાલિકાને કમિશન મળતું ન હોવાથી પાલિકાએ તેણે કરેલા કામનું બિલ રોકી પૈસા ચુકવ્યા ન હોવાથી તેણે કામ બંધ કર્યું છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું છે. મોરબીના જુદા-જુદા વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલા કામ સમયસર પૂરું થતાં નથી, તેવામાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી શ્યામ સોસાયટી 1 અને 2માં લોકોની રજૂઆતને ધ્યાને લઈને અગાઉ રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. તે રોડનું કામ અધૂરું મુકવામાં આવ્યું છે, જેથી કરીને શ્યામ સોસાયટીના લોકોએ પાલિકામાં રજૂઆત કરી હતી તો પણ કામ શરૂ કરવામાં આવ્યું નથી. આજની તારીખે પણ સોસાયટીમાં રેતી તેમજ કાંકરીના ઢગલા પડ્યા છે. જેથી રોષે ભરાયેલી મહિલાઓ દ્વારા અધૂરા રોડના કામને વહેલી તકે પૂરું કરવાની માગ સાથે મોરબીનો પંચાસર રોડ ચક્કાજામ કર્યો હતો. આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી રોડનું કામ અધૂરું છે. તેને પૂરું કરવામાં આવતું નથી, જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પંચાસર રોડે શ્યામ સોસાયટીમાં રોડનું કામ કરનાર કોન્ટ્રાકટર દ્વારા કામ બંધ કરવામાં આવ્યું છે. જેથી પાલિકાએ કોન્ટ્રાકટરને નોટિસ આપી છે અને રોડનું કામ શરુ કરવા માટે સૂચના આપી છે. આ કામને વહેલીતકે પૂર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ બાબતે મોરબી પાલિકાના માજી સભ્ય શૈલેષભાઈ માકાસણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સોસાયટીમાં રોડ બનાવવાનું કામ બજરંગ નામની એજન્સીને આપવામાં આવ્યું હતું. જો કે, કામનું ટેન્ડર આપવામાં આવ્યા બાદ તે એજન્સીએ કામ કરવાની ના પડી હતી, જેથી કરીને લોકોએ અધિકારી અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને લઈને તેઓએ લોકોને સાથે મળીને આ કામ કરવાનું કહ્યું હતું, જેથી તેમણે આ કામ કર્યું છે અને 20 લાખનું બિલ પાલિકામાં મુકવામાં આવ્યું છે. જો કે, તે બિલ મંજૂર કરવામાં આવ્યું નથી અને કમિશન મળતું ન હોવાથી પાલિકામાં તેના બિલને રોકી દેવામાં આવ્યું છે. તેવો ગંભીર આક્ષેપ પાલિકાના માજી સભ્ય દ્વારા કરવામાં આવ્યો છે.