ગુજરાત પોલીસમાંથી વધુ એક પોલીસકર્મીનું રોમાં સિલેક્શન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરીનું સિલેક્શન કેન્દ્રીય એજન્સી RAWમાં થતા હવે પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી RAWમાં ફરજ બજાવશે. અત્યાર સુધી ગુજરાતમાંથી ઘણા IPS અધિકારીઓ કેન્દ્રીય એજન્સીઓમાં પહોંચ્યા છે ત્યારે હવે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને RAWમાં સિલેક્શન થતાં નવો ચીલો શરૂ થયો છે. અલગ-અલગ અધિકારીઓ સાથે મહત્વના ઓપરેશન્સમાં હતા
હાલ અમદાવાદ જિલ્લા SOGમાં ફરજ બજાવતા કિરણ ચૌધરી અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં PSIથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીની ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ અલગ-અલગ અધિકારીઓ સાથે મહત્વના ઓપરેશનમાં સાથે હતા અને તેમને કેન્દ્રીય એજન્સીમાં મહત્વના કામ માટે નિયુક્ત કરવામાં આવ્યા હોવાની જાણ થઈ રહી છે. દિલ્હીમાં RAWની કચેરીમાં ફરજ બજાવશે
તેઓ આણંદ જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર પણ રહી ચૂક્યા છે અને તેઓ હાલ અમદાવાદ જિલ્લામાં મહત્વની તપાસો સાથે પણ જોડાયેલા હતા. ગુજરાતના મહત્વના ગણાતા કેસમાં તેઓ સામેલ રહી ચૂક્યા છે અને હવે તેઓ કેન્દ્રીય એજન્સીમાં ફરજ બજાવશે. હાલ તેમનું સિલેક્શન થઈ ગયું છે અને હવે અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તેમને છૂટા કરવામાં આવશે. ત્યારબાદ તેઓ દિલ્હીમાં RAWની કચેરીમાં ફરજ બજાવશે અને તેઓ ભારતના મહત્વના ઓપરેશનમાં આગામી સમયમાં સામે હશે એવું સ્પષ્ટ થઈ ગયું છે.