ગાંધીનગરના શાહપુર સર્કલથી ગાંધીનગર તરફ જતા ખોડીયાર કાઠીયાવાડી હોટલની સામે રોડ ક્રોસ કરતા રાહદારીને સ્કોડા કારના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રાહદારીનું ઘટનાસ્થળે મોત નિપજતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના શાહપુર ગામમાં રહેતા રજનીકાંતભાઈ નંદુભાઈ વાંસફોડા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના પિતા નંદુભાઈ શિવાભાઈ વાંસફોડા ખોડીયાર કાઠિયાવાડી હોટલમા નોકરી કરતા હતા. ગઈકાલે રાબેતા મુજબ નંદુભાઈ સવારના સમયે નોકરીએ ગયા હતા અને રજનીકાંતભાઈ પણ રીક્ષા લઈ ધંધાર્થે ગયા હતા. ત્યારે સાંજના સમયે રજનીકાંતભાઈ ઘરે આવ્યા હતા. બાદમાં પરિવારજનો જમી પરવારીને નંદુભાઈની રાહ જોઈ રહ્યા હતા. એ વખતે સાડા દસેક વાગે અજાણ્યા નંબરથી કોઈએ ફોન કરીને જાણ કરેલી કે, નંદુભાઈનું ખોડીયાર કાઠીયાવાડી હોટલની સામેનાં રોડ પર એક્સિડેન્ટ થયું છે. આ સાંભળીને રજનીકાંતભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થયેલી હતી અને તેમના પિતા લોહી લુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા. જેઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થયેલ હતી. અકસ્માતગ્રસ્ત સ્કોડા કાર પણ પડી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સને બોલવામાં આવતા નંદુભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત અંગે તપાસ કરતા રજનીકાંતભાઈને માલુમ પડેલ કે, તેમના પિતા ખોડીયાર કાઠીયાવાડી હોટલથી રોડ ક્રોસ કરી ઘરે આવતા હતા. એ વખતે કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી નંદુભાઈને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.