back to top
HomeભારતEDITOR'S VIEW: આ આગ કોણ ઠારશે?:500 દિવસથી ભડકે બળતા મણિપુરમાં હવે ભાજપ...

EDITOR’S VIEW: આ આગ કોણ ઠારશે?:500 દિવસથી ભડકે બળતા મણિપુરમાં હવે ભાજપ પણ સેફ નથી? NPPએ છેડો ફાડતાં સરકાર સામે બળવાની શક્યતા, હિંસાનું કારણ ચાર મુદ્દામાં સમજો

મણિપુર હિંસાએ નવો વળાંક લીધો છે. 500 દિવસથી ચાલી રહેલી હિંસા વધારે ભડકી ઊઠી છે. એમાં પણ મણિપુરની લોકલ પોલિટિકલ પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ ભાજપ સાથે છેડો ફાડવાની જાહેરાત કરતાં ભાજપને નીચાજોણું થયું છે. મણિપુરમાં હાલપૂરતું તો ભાજપને જોખમ નથી, પણ સરકાર સામે બળવો ચોક્કસ થઈ શકે છે. અમિત શાહ મહારાષ્ટ્રનો ચૂંટણીપ્રચાર ટૂંકાવીને તાબડતોબ દિલ્હી પહોંચી ગયા ને હાઇ લેવલ મિટિંગ કરી. ગૃહમંત્રાલયે સોમવારે (આજે) સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની વધુ 50 કંપની મણિપુર મોકલવાનો નિર્ણય કર્યો છે. નમસ્કાર, રાજધાની ઇમ્ફાલથી 220 કિમી દૂર આસામની આંતર-રાજ્ય સરહદ પર સ્થિત જીરીબામ જિલ્લામાં 7 નવેમ્બરે મૈતેઈ-કુકી વચ્ચે જાતિગત હિંસાનો સૌથી ખરાબ તબક્કો શરૂ થયો છે. દસ દિવસથી ફરી શરૂ થયેલી હિંસામાં 19 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 કુકી લોકોનો સમાવેશ થાય છે, જેમને પોલીસે આતંકવાદી જાહેર કર્યા છે. કુકી આદિવાસીઓ દાવો કરે છે કે 10 માણસો ગામના સ્વયંસેવકો હતા, તેઓ આતંકવાદી નહોતા. ભાજપના કેસરી કલરમાં કાળો ડાઘ
3 મે, 2023થી શરૂ થયેલી મણિપુર હિંસામાં અત્યારસુધીમાં 237 લોકો મૃત્યુ પામ્યા છે, 1500થી વધુ લોકો ઘાયલ થયા છે, પણ મોટી કરુણતા એ છે કે 60,000 લોકો બેઘર બનીને રાહત શિબિરમાં રહે છે. હિંસાને દોઢ વર્ષ થઈ ગયું, પણ મણિપુરની ભાજપની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ લાવી શકી નથી. હવે બીજીવાર હિંસા વકરી છે. આ વખતે રીતસર નરસંહાર થઈ રહ્યો છે. આ નરસંહાર રોકાશે નહીં તો માનવતા પર કલંક લાગી જશે અને ભાજપના કેસરી કલરમાં પણ કાળો ડાઘ લાગી જશે. મણિપુરમાં ફરીવાર હિંસા ભડકી, જેણે નરસંહારનું રૂપ લીધું
જીરીબામ જિલ્લો મણિપુર માટે જીવાદોરી સમાન છે. એક નેશનલ હાઈવે અહીંથી પસાર થાય છે. એક વર્ષથી વધુ સમયથી આ વિસ્તાર એવો હતો, જ્યાં હિંસા થઈ નહોતી, પણ અહીં એક ઘટનાએ જીરીબામનું ચિત્ર બદલી નાખ્યું. આ ઘટના એ હતી કે અહીંથી આસામ તરફ જતી નદીમાંથી કુકી જાતિની કિશોરીનો મૃતદેહ મળ્યો. આ વાત વહેતી થતાં કુકીઓ ભડક્યા અને જીરીબામમાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓ દ્વારા મૈતેઈ પરિવારના છ સભ્ય, જેમાં એક નવજાત શિશુ, બે વર્ષનો છોકરો અને એક આઠ વર્ષની છોકરી સહિતની હત્યા કરવામાં આવી હતી. એ પછી મૈતેઈ પણ શાંત ન બેઠા. આ રીતે ફરીવાર મણિપુરના અત્યારસુધીના શાંત વિસ્તાર જીરીબામમાં ભયાનક હિંસા ફાટી નીકળી. જીરીબામના ઝૈરવાન ગામમાં એક ટીચર, જે ત્રણ નાનાં બાળકોની માતા હતી, તેની ક્રૂર હત્યા કરાઈ. શંકાસ્પદ મૈતેઈ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેનાં બે વર્ષના છોકરાનું માથું ધડથી અલગ કરી દેવાયું. ટીચરની પણ રેપ કરીને હત્યા કરી નખાઈ. જીરીબામમાં જે શરૂ થયું છે એ હિંસા નથી, નરસંહાર છે. એન્કાઉન્ટર બાદ 6 લોકો ગુમ થયા હતા
11 નવેમ્બરના રોજ મણિપુરમાં સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહીમાં 11 સશસ્ત્ર આતંકવાદીને ઠાર કર્યા હતા. બાદમાં 12 નવેમ્બરે મૈતેઈ સમુદાયના બે લોકોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે એન્કાઉન્ટર બાદ 6 લોકો ગુમ થયા હતા. આ છ લોકોનાં કથિત અપહરણ અને હત્યાને લઈને વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. બીજી તરફ, તેમને શોધવા માટે મોટેપાયે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પહેલાં રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી હતી. આ આતંકવાદીઓ જીરીબામ જિલ્લાના બોરોબેકરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. આતંકવાદીઓએ જીરીબામના સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. AFSPA (અફસ્પા) હટાવવાની માગ
મણિપુર સરકારે કેન્દ્ર પાસે AFSPAની સમીક્ષા કરીને એને દૂર કરવાની માગ કરી છે. સમાચાર એજન્સી પીટીઆઇના સમાચાર અનુસાર, એક અધિકારીએ 16 નવેમ્બરની રાત્રે આ સમાચાર આપ્યા હતા. 14 નવેમ્બરે કેન્દ્રએ મણિપુરના જીરીબામ સહિત છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA-અફસ્પા) ફરીથી લાગુ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ‘સતત અસ્થિર સ્થિતિ’ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અફસ્પા લગાવે છે અને રાજ્ય સરકાર એને હટાવવા માગે છે. અફસ્પામાં શું હોય છે? આ ઘટના પછી મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ પર ભીંસ વધી
મણિપુરના લોકો દોઢ વર્ષથી હિંસા સહન કરી રહ્યા છે. ભાજપશાસિત મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ આ હિંસાને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયા છે. લોકોનો રોષ તેમના પ્રત્યે બહુ છે. એમાંય જીરીબામની હિંસાએ ઉગ્ર સ્વરૂપ લેતાં સ્થાનિક લોકોએ નેતાઓનાં ઘર પર હુમલા કરવાના શરૂ કર્યા. મુખ્યમંત્રી બિરેન સિંહના ઘર પર પણ હુમલો થયો. આ બધા વચ્ચે મણિપુરની સ્થાનિક પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP), જેનું ભાજપને સમર્થન હતું તેણે સમર્થન પાછું ખેંચી લીધું છે. મણિપુર જેવાં રાજ્યોમાં કોઈ મોટા પક્ષે જીતવું હોય તો લોકલ પાર્ટીની મદદ લેવી પડે. 2022માં ભાજપને ચૂંટણી જીતવામાં NPPએ મદદ કરી હતી. હવે આ પાર્ટીએ સમર્થન પાછું ખેંચી લીધું છે. ભાજપને પાર્ટીના ટેકાની જરૂર નહોતી, કારણ કે મણિપુરમાં ભાજપ પાસે બહુમતી હતી જ, પણ હવે લોકલ પાર્ટીનો સાથ છૂટતાં ભાજપના હાથમાંથી મણિપુર સરકતું જશે એવું પણ બની શકે. NPPએ જે.પી. નડ્ડાને પત્ર લખીને ભાજપ સાથે છેડો ફાડ્યો
NPPએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. NPPએ ભાજપને મોકલેલા પત્રમાં લખ્યું છે કે નેશનલ પીપલ્સ પાર્ટી મણિપુરની વર્તમાન પરિસ્થિતિ પર એની ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે ઘણી જગ્યાએ પરિસ્થિતિ વધુ વણસતી જોઈ છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં લોકો ભારે પીડામાંથી પસાર થઈ રહ્યા છે. અમને ભારપૂર્વક લાગ્યું કે CM બિરેન સિંહની આગેવાની હેઠળની સરકાર રાજ્યમાં ઊભી થયેલી કટોકટીનો ઉકેલ લાવવામાં અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ પીપલ્સ પાર્ટી તાત્કાલિક અસરથી બિરેન સિંહની આગેવાનીવાળી સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી રહી છે. શું NPP સાથે ગઠબંધન તૂટવાથી ભાજપને નુકસાન થશે?
મણિપુરમાં એનપીપી સાથે ગઠબંધન તૂટવાથી બિરેન સિંહની સરકારને વધુ નુકસાન નહીં થાય. મણિપુરમાં કુલ 60 વિધાનસભા બેઠક છે. બે વર્ષ પહેલાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો ભાજપે એકલા હાથે બહુમતીનો આંકડો પાર કર્યો હતો અને 32 બેઠક જીતી હતી. ભાજપ પાસે બહુમતીના આંકડા કરતાં 1 સીટ વધારે છે. આ સિવાય કોંગ્રેસે 5 બેઠક જીતી હતી, જ્યારે જેડીયુને 6, નગા પીપલ્સ ફ્રન્ટને 5 અને એનપીપીને 7 બેઠકો મળી હતી. કુકી પીપલ્સ એલાયન્સે 2 અને અપક્ષ ઉમેદવારો 3 સીટ પર જીત્યા હતા, એટલે પોલિટિકટલી NPP ટેકો પાછો ખેંચી લે તોપણ બિરેન સિંહની સરકાર પડે નહીં, પણ હા, આનાથી ભાજપનું નાક ચોક્કસ કપાય અને આગામી ચૂંટણીમાં ભાજપને એની માઠી અસર થાય. મણિપુર હિંસા પર અમિત શાહે તાત્કાલિક બેઠક બોલાવી
મણિપુરમાં તાજેતરમાં ફાટી નીકળેલી હિંસા પછી NPPએ ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ સમયે ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા કરી રહ્યા હતા. તેઓ ચૂંટણીપ્રચાર ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠક રવિવાર, 17 નવેમ્બરે વરિષ્ઠ અધિકારીઓ સાથે થઈ હતી. આ બેઠકમાં મણિપુરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મણિપુરમાં ભાજપ ન તો એક છે, ન તો સેફ છે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુર હિંસા વિશે કહ્યું હતું કે ભાજપ ઈચ્છે છે કે મણિપુર સળગી જાય. તે નફરત અને વિભાજનની રાજનીતિ કરી રહી છે. 7 નવેમ્બરથી રાજ્યમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરના મામલામાં તમે (પીએમ મોદી) નિષ્ફળ ગયા. જો તમે ભવિષ્યમાં ક્યારેય મણિપુર જશો તો ત્યાંના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં કે તમે તેમને તેમના હાલ પર છોડી દીધા છે. મણિપુરમાં ભાજપની ડબલ એન્જિન સરકાર ફેલ ગઈ છે. ત્યાં એ લોકો ન તો એક છે, ન સેફ છે. મણિપુર હિંસાનું કારણ 4 મુદ્દામાં સમજો…
મણિપુરની વસતિ લગભગ 38 લાખ છે. અહીં ત્રણ મુખ્ય સમુદાયો છે – મૈતેઈ, નગા અને કુકી. મૈતેઈઓ મોટેભાગે હિન્દુઓ છે. નગા-કુકી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે, જે એસટી કેટેગરીમાં આવે છે. તેમની વસતિ લગભગ 50% છે. રાજ્યના લગભગ 10% વિસ્તારમાં ફેલાયેલી ઇમ્ફાલ ખીણમાં મૈતેઈ સમુદાયનું વર્ચસ્વ છે. નગા-કુકીની વસતિ લગભગ 34 ટકા છે. આ લોકો રાજ્યના લગભગ 90% વિસ્તારમાં રહે છે. મણિપુર હિંસા આંકડામાં… છેલ્લે, 10 ઓગસ્ટ, 2023ના દિવસે લોકસભામાં વિપક્ષે વોકઆઉટ કર્યા પછી મોદી મણિપુર મુદ્દે બોલ્યા હતા. એ વખતે મોદીએ 2 કલાક 13 મિનિટ ભાષણ આપ્યું ને એમાં 2 મિનિટ માટે મણિપુરની વાત કરી હતી. 3 જુલાઈ, 2024ના દિવસે રાજ્યસભામાં પણ વિપક્ષે વોકઆઉટ કર્યા પછી મોદી મણિપુર મુદ્દે બોલ્યા હતા. ત્યારે મોદીએ 1 કલાક 50 મિનિટની સ્પીચ આપી હતી ને એમાં બે મિનિટ નોર્થ-ઈસ્ટની સ્થિતિ વિશે અને 6 મિનિટ મણિપુરની વાત કરી. નોર્થ-ઈસ્ટ માટે મોદીએ એક લીટીમાં કહેલું કે નોર્થ-ઈસ્ટ મેરે જિગર કા ટુકડા હૈ… જિગરનો આ ટુકડો લોહીથી ખરડાયો છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments