ગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલની અમેરિકામાં ધરપકડના સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ તેની કેલિફોર્નિયામાં ધરપકડ કરવામાં આવી છે. અનમોલ પર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાનો આરોપ છે. ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ અનમોલનું નામ સામે આવ્યું હતું, જોકે દિલ્હી અને મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડની પુષ્ટિ કરી નથી, પરંતુ ગુપ્તચર એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ બે અઠવાડિયાં પહેલાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગની જવાબદારી અનમોલે લીધી હતી. આ સાથે તેનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા અને બાબા સિદ્દીકીના મર્ડર કેસમાં પણ સામે આવ્યું છે. NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું
તાજેતરમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. એજન્સીએ 2022માં નોંધાયેલા 2 કેસમાં અનમોલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. NIAના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં અનમોલનું નામ પણ સામેલ છે. વર્ષ 2012માં અનમોલ વિરુદ્ધ પહેલો કેસ નોંધાયો હતો
લોરેન્સ ગેંગમાં ભાણુ તરીકે ઓળખાતા અનમોલ પર 2012માં પંજાબના અબોહરમાં હુમલો, મારપીટ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ પ્રથમવાર કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2015 સુધીમાં પંજાબમાં અનમોલ વિરુદ્ધ 6થી વધુ કેસ નોંધાયા હતા. હાલ સમગ્ર દેશમાં અનમોલ વિરુદ્ધ લગભગ 22 કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, ટાર્ગેટ કિલિંગ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો સામેલ છે. સલમાનની હત્યા માટે પાકિસ્તાનથી AK-47 મગાવી હતી
મુંબઈ પોલીસની તપાસમાં તાજેતરમાં જ ઘટસ્ફોટ થયો હતો કે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યા બાદ લોરેન્સ ગેંગ ફરીથી સલમાન ખાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. 1 જૂનના રોજ નવી મુંબઈ પોલીસે આ કેસમાં લોરેન્સ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે તેણે પાકિસ્તાનમાંથી AK-47 સહિત અનેક હથિયારો આયાત કરવાની યોજના બનાવી હતી. લોરેન્સ ગેંગ પણ તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ વડે સલમાનને મારવાની યોજના બનાવી રહી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની પણ આ જ પિસ્તોલથી હત્યા કરવામાં આવી હતી. ગોરેગાંવ ફિલ્મસિટીમાં પણ રેકી કરવામાં આવી હતી, જેમાં સલમાનના ફાર્મહાઉસ અને કેટલાંક શૂટિંગ સ્થળોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં આ બધા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સોશિયલ મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા હતા. આ ગ્રુપમાં જ સલમાનને મારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. 6 મહિનામાં 2 કેસ, જે બાદ સલમાનની સુરક્ષા વધારવામાં આવી
12 ઓક્ટોબરઃ સલમાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યા
સલમાન ખાનના નજીકના સહયોગી અને NCP નેતા બાબા સિદ્દીકી તેમના પુત્ર ઝીશાનની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યાર બાદ તેના પર 6 ગોળી ચલાવવામાં આવી હતી. બે ગોળી સિદ્દીકીના પેટમાં અને એક છાતીમાં વાગી હતી. તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં રાત્રે 11.27 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી.
14 એપ્રિલ: સલમાનના એપાર્ટમેન્ટમાં ફાયરિંગ
સલમાન ખાનના બાંદ્રાસ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી હતી. ઘટનાના બે મહિના બાદ સલમાને મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હું વારંવાર અલગ-અલગ લોકો દ્વારા નિશાન બનાવીને કંટાળી ગયો છું. અગાઉ પણ ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હું ઘણા કેસોમાં ફસાઈ ગયો છું. સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ
સલમાન પર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનના જંગલમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતાં. ત્યારે બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી, જોકે બાદમાં તેને આ કેસમાં જામીન મળી ગયા હતા. આ કારણે ગેંગસ્ટર લોરેન્સ સલમાન ખાનને મારવા માગે છે. તેણે કોર્ટમાં હાજરી દરમિયાન આ ધમકી પણ આપી છે. દિલ્હી અને મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાની યોજના ઘડવા બદલ લોરેન્સના ઘણા સાગરીતોની ધરપકડ કરી છે, પરંતુ તેમ છતાં લોરેન્સ સલમાન ખાનની પાછળ જવા માટે તેના ગેંગસ્ટર ગુરગોને કામે લગાડી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અનમોલે ગોલ્ડી બરાડ સાથે મળીને મૂસેવાલાની હત્યા કરી હતી
અનમોલ ઉર્ફે ભાણુ પહેલીવાર પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. પંજાબ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લોરેન્સે તિહાર જેલમાં બેસીને સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી તેના ભાઈ અનમોલ અને ભત્રીજા સચિને કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સાથે મળીને સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો હતો. તેણે મૂસેવાલાની રેકી કરી હતી. પછી તેના માટે શૂટર્સ અને હથિયારોની વ્યવસ્થા કરી. હત્યા પહેલાં લોરેન્સે તેને ભારતની બહાર મોકલી દીધો
લોરેન્સનો પ્રયાસ હતો કે સચિન અને અનમોલ મૂસેવાલાની હત્યા થાય, પરંતુ આ પછી તેનું નામ આ કેસમાં ન આવવું જોઈએ કે પોલીસે તેની ધરપકડ ન કરવી જોઈએ. મૂસેવાલાની હત્યા કરતાં પહેલાં લોરેન્સે ભાઈ અનમોલ અને ભત્રીજા સચિનને નકલી પાસપોર્ટ બનાવીને વિદેશ મોકલી દીધા હતા. આ પછી 29 મેના રોજ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. અનમોલ કેન્યા થઈને અમેરિકા પહોંચ્યો
થપન અને સચિન પહેલા નેપાળ ગયા હતા. ત્યાંથી ભાગી ગયેલો સચિન થાપન અઝરબૈજાનમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, પરંતુ અનમોલ દુબઈથી કેન્યા, કેન્યાથી દુબઈ અને હવે અમેરિકા ગયો છે. લગભગ 2 વર્ષ પહેલાં અનમોલ અમેરિકામાં પંજાબી સિંગર કરણ ઔજલા અને શરી માનના શોમાં જોવા મળ્યો હતો. કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડમાં આયોજિત એક કાર્યક્રમમાં અનમોલ સ્ટેજ પર સેલ્ફી લેતો જોવા મળ્યો હતો.