તહેવારોની સીઝન દરમિયાન એમેઝોન-ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા શાનદાર ડિસ્કાઉન્ટ્સ અને ડીલ્સને કારણે મોટા ભાગના યૂઝર્સે ઑનલાઇન ખરીદી કરવાનું પસંદ કર્યું હતું. પૈસાબજાર દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સરવે અનુસાર તહેવારો દરમિયાન ઑનલાઇન શોપિંગ ગ્રાહકોની પ્રથમ પસંદગી રહી હતી. સરવેમાં સામેલ કરાયેલા યૂઝર્સમાંથી 48% યૂઝર્સ જેમણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો તેમણે માત્ર ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફતે જ ખરીદી કરી હતી. તે ઉપરાંત 45% યૂઝર્સે પણ મોટા પાયે ઑનલાઇન જ ખરીદી કરવાનું પસંદ કર્યું હતું, જો કે કેટલાક યૂઝર્સે ઑફલાઇન સ્ટોર્સમાંથી ખરીદી કરવાને પ્રાધાન્ય આપ્યું હતું. 85% યૂઝર્સે ઇકોમર્સ સેલ્સ દરમિયાન જ તહેવારોની શોપિંગ કરવાનું આયોજન કર્યુ હતું. તે ઉપરાંત યૂઝર્સે ક્રેડિટ કાર્ડ આધારિત ઓફર્સ અને અન્ય ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરવા માટે પણ ઑનલાઇન શોપિંગને પ્રાથમિકતા આપી હતી. 80% યૂઝર્સને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર તેના ક્રેડિટ કાર્ડ્સ પર રહેલી ઑફર્સ તેમજ ડિસ્કાઉન્ટને લીધે ફાયદો થયો હતો, જેની સામે ઑફલાઇન સ્ટોર્સમાંથી માત્ર 11% યૂઝર્સને તેના કાર્ડ્સથી ખરીદી કરવાનો ફાયદો થયો હતો. માત્ર 9% યૂઝર્સે કહ્યું હતું કે તેમને તહેવારોની સીઝન દરમિયાન ક્રેડિટ કાર્ડ્સ પર ઓફર્સ જોવા મળી ન હતી. ઑનલાઇન ખરીદી માટે નો-કોસ્ટ EMI સૌથી શ્રેષ્ઠ વિકલ્પ
ઑનલાઇન ખરીદી માટે નો-કોસ્ટ EMI વિકલ્પ સૌથી મજબૂત ઉત્પ્રેરક રહ્યું છે. જેમાં 68% ક્રેડિટ કાર્ડ યૂઝર્સે EMI સુવિધા પસંદ કરી હતી અને 57% યૂઝર્સે માત્ર નો-કોસ્ટ EMI વિકલ્પ જ પસંદ કર્યો હતો. આ ટ્રેન્ડ દર્શાવે છે કે કઇ રીતે ચૂકવણીના વૈવિધ્યસભર વિકલ્પો મારફતે ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સે ઊંચી કિંમતની વસ્તુઓની ગ્રાહકો સુધીની પહોંચને વધુ સરળ બનાવી છે.