અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના ડૉક્ટરો અને સંચાલકોએ PM-JAY યોજનામાંથી કાળી કમાણી કરવા કડી તાલુકાના બોરીસણા ગામમાં કેમ્પ યોજી નિર્દોષ દર્દીઓ પકડી લાવ્યા હતા. દર્દીઓને તકલીફ નહોતી છતાં એન્જિયોગ્રાફી અને ત્યારબાદ એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી. જેમાં બે દર્દીઓના મોત નીપજ્યાં હતાં. મામલો બહાર આવતા અપેક્ષા મુજબ સરકારે ખ્યાતિ હૉસ્પિટલને તાત્કાલીક PM-JAY યોજનામાંથી સસ્પેન્ડ કરી હતી. મહત્ત્વનું છે કે, છેલ્લાં બે વર્ષમાં PM-JAY યોજનામાં ગેરરીતિ કરનાર 22 હૉસ્પિટલોને સરકારે સસ્પેન્ડ અને એક હૉસ્પિટલને બ્લેક લીસ્ટ કરી હતી, પરંતુ છ મહિનાની અંદર જ તમામ હૉસ્પિટલો શરૂ કરી દેવાઈ છે. ખ્યાતિ હૉસ્પિટલનો પણ મામલો ઠંડો પડે પછી તેને પણ પાછલા બારણે શરૂ કરી દેવાય તો નવાઈ નહીં તેમ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જવાબદારી પૂર્વક સ્વીકાર્યું કે, ‘PM-JAY યોજનામાં બધી હૉસ્પિટલ ખોટું કરે છે એવું નથી, પણ બધી હૉસ્પિટલ સાચું જ કરે છે તેમ પણ નથી.’ વર્ષોથી જોઈએ છીએ કે, કોઈ ઘટના બને ત્યારે સરકાર હૉસ્પિટલને તાત્કાલીક સસ્પેન્ડ અથવા બ્લેક લિસ્ટ કરે છે, પણ પાછળથી રાજકીય તેમજ અધિકારીઓનું દબાણ આવતા તે શરૂ પણ થઈ જાય છે. હૉસ્પિટલ શરૂ કરવા માટે જસ્ટીફાઈડ ડૉક્યુમેન્ટ ઊભા કરી હૉસ્પિટલને રિવોક કરી દેવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, હિંમતનગરની મેડીસ્ટાર હૉસ્પિટલ સામે એક-દોઢ વર્ષ પહેલા સરકારે હૉસ્પિટલને બ્લેક લિસ્ટ કરી હતી, પણ આજની સ્થિતિએ તેને એમપેનલ કરી દેવાઈ છે. સુરતની ત્રણ હૉસ્પિટલને એક જ વર્ષમાં બે વખત સસ્પેન્ડ કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, PM-JAY યોજના હેઠળ રાજ્યની જુદી જુદી હૉસ્પિટલોને વર્ષ 2021-22માં 1,854 કરોડ, વર્ષ 2022-23માં 2,621 કરોડ, વર્ષ 2023-24માં 3,449 કરોડ અને ચાલુ વર્ષે 1,050 કરોડનો ક્લેમ ચૂકવાયો છે, દર વર્ષે હૉસ્પિટલ ક્લેમના આંકડામાં સરેરાશ 800 કરોડનો વધારો થાય છે. મૃત બાળકીનો ઇલાજ કરનાર હૉસ્પિટલ દંડ ભરી ફરી સક્રિય થઈ
હિમ્મતનગરની મેડિસ્ટાર હૉસ્પિટલે મૃત બાળકીની 12 કલાક સારવાર કરી બિલોમાં ગોટાળો કર્યો હોવાનું ખૂલ્યું હતું. બાદમાં IAS રમ્યા મોહને હૉસ્પિટલને બ્લેક લિસ્ટ કરી હતી અને 14 લાખનો દંડ થયો, પરંતુ આજે પણ હૉસ્પિટલ પહેલાની જેમ યોજના હેઠળ દર્દીઓની સારવાર કરે છે. IAS શાહમિના હુસેન હતા ત્યારે હૉસ્પિટલો ખોટું કરતાં ડરતી હતી
આરોગ્ય વિભાગના અધિકારીઓ કહે છે કે IAS શાહમિના હુસેન આરોગ્ય વિભાગમાં હતા ત્યારે મોટી હૉસ્પિટલને પણ પેનલ્ટી કરાતી હતી. હાલ ગોટાળા થવાનું મુખ્ય કારણ અનુભવી અધિકારી-કર્મચારીઓને યોજનામાંથી દૂર કરાયાનું છે અને સિવિલ અમદાવાદ અને ગાંધી નગરમાંથી વર્ગ-2ના કર્મીઓને જવાબદારી સોંપાઈ છે. સિસ્ટમ પડી ભાંગી છે.