1955માં રિલીઝ થયેલી સત્યજીત રેની ફિલ્મ પાથેર પાંચાલીમાં જોવા મળેલી અભિનેત્રી ઉમા દાસગુપ્તાનું 84 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેત્રી લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે કોલકાતાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉમા દાસગુપ્તાના મૃત્યુની પુષ્ટિ તેમના સંબંધી અને અભિનેતા ચિરંજીત ચક્રવર્તીએ કરી છે. કેન્સરથી પીડિત પીઢ અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળી લેખક કુણાલ ઘોષે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઉમાને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, પાથેર પાંચાલીની દુર્ગા હવે ગાયબ થઈ ગઈ છે. ઉમા દાસગુપ્તા સત્યજીત રેની ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે જાણીતા છે. તેમણે આ ફિલ્મમાં દુર્ગા રોયની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી. વાસ્તવમાં, ઉમાની શાળાના મુખ્ય શિક્ષક તે સમયના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેના મિત્ર હતા. જ્યારે સત્યજિત રેએ તેમના હેડમાસ્તર મિત્રને ફિલ્મમાં કામ કરવા માટે એક છોકરી સૂચવવાનું કહ્યું ત્યારે તેમણે ઉમાનું નામ લીધું અને આ રીતે ઉમાનું ફિલ્મો સાથે કનેક્શન જોડાયું. જો કે આ પછી ઉમા ચંદ આર્ટ ફિલ્મોનો જ હિસ્સો બનીને રહ્યા. તેઓ ક્યારેય મેઈન સ્ટ્રીમના સિનેમા સાથે સંકળાયેલા નનહોતા. ‘પાથેર પંચાલી’ ફિલ્મ બિભૂતિ ભૂષણની આ જ નામની નવલકથા પર આધારિત હતી. બંગાળી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ સિનેમા જગતમાં ખૂબ વખણાય છે. કિશોર કુમારને આ બંગાળી ફિલ્મ એટલી ગમી કે તેમણે ખુશીથી સત્યજીત રેને 5 હજાર રૂપિયા આપ્યા. ઘણા ઓછા લોકો જાણે છે કે કિશોર કુમારની પત્ની રૂમા અને સત્યજીત રે દૂરના સગા છે.