બોપલમાં MICAના વિદ્યાર્થીની સરાજાહેર ચપ્પાના ઘા મારીને હત્યા કરનાર પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. વિરેન્દ્રસિંહ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેને વિરેન્દ્રસિંહે હાઇકોર્ટમાં પડકાર્યા છે. એડવોકેટ સત્યજીત સોનાગરા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં થાય એવી શક્યતા છે. સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું
આ અરજીમાં વીરેન્દ્રસિંહ તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે, પોલીસ દ્વારા તેના 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા છે. જોકે, આ કેસમાં રિમાન્ડની કોઇ જરૂર નથી અને તેથી ગ્રામ્ય કોર્ટનો 10 દિવસના રિમાન્ડનો આદેશ અન્યાયી અને ગેરવાજબી હોઇ તેને રદબાતલ કરવો જોઇએ. અરજદારે જણાવ્યું હતું કે, આ ઘટનાની FIRમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, બોપલના સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સથી રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ જતાં પ્રથમ વળાંક પાસે વીરેન્દ્રસિંહ ગાડી લઇને જતો હતો અને મૃતક વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે ઝપાઝપી કરી કારમાંથી બંને હાથમાં છરીઓ લઇને આવ્યો હતો અને પ્રિયાંશુ ઉપર વાર કરતાં તેને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન વિદ્યાર્થી પ્રિયાંશુનું મૃત્યુ થયું હતું. રિમાન્ડ આપવા એ નિયમ નહીં પરંતુ, અપવાદ છે
અરજદારે વધુમાં એવી રજૂઆત કરી છે કે, આ રિમાન્ડ અરજીમાં પોલીસે એવો આધાર લીધો છે કે વીરેન્દ્રસિંહ વિરૂદ્ધ આ ગુના પહેલા પણ ગુના નોંધાયેલા છે. જેથી, પોલીસને પણ તેના રિમાન્ડ જોઇએ. રિમાન્ડ આપવા એ નિયમ નહીં પરંતુ, અપવાદ છે. તપાસ સંસ્થાએ રિમાન્ડ માટેનો કેસ મજબૂત રીતે બનાવવો પડે. એવા સંજોગોમાં અગાઉ આરોપીના નામે ગુના નોંધાયેલા હોવાના ગ્રાઉન્ડને ધ્યાને રાખી પોલીસ રિમાન્ડ આપવા એ અન્યાયી અને ગેરવાજબી છે. વીરેન્દ્રસિંહ પઢેરિયાએ હાઇકોર્ટમાં રિમાન્ડ પડકાર્યા
વીરેન્દ્રસિંહની અરજીમાં અન્ય રજૂઆતો કરાઈ છે કે, ગ્રામ્ય કોર્ટ દ્વારા રિમાન્ડનો જે આદેશ કરવામાં આવ્યો છે એ કાયદાકીય દૃષ્ટિએ ભૂલભરેલો અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોથી વિપરીત છે. આરોપી વિરૂદ્ધ પ્રથમદર્શી કેસ બનતો હોવાથી રિમાન્ડ આપી દેવાય નહીં. ફરિયાદી પક્ષનો કેસ એવો નથી કે ગુનામાં કોઇ કાવતરું ઘડાયું હતું અને પોલીસને તેની તપાસ કરવાની હોવાથી રિમાન્ડની જરૂર છે. રિમાન્ડના મામલે કાયદો સ્પષ્ટ છે કે, પુરાવા ભેગા કરવા માટે પોલીસને આરોપીના રિમાન્ડ આપી શકાય નહીં. પ્રસ્તુત કેસમાં પોલીસે પુરાવા મેળવવાના નામે રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે રિમાન્ડ આપ્યા પણ હતા, જે અયોગ્ય છે.