સુરતમાં શિવ પૂજા કોમ્પ્લેક્સ અગ્નિકાંડ મામલે અત્યાર સુધી આઠ જેટલા ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ અને નિવેદન લેવાયા છે. હવે અઠવા ઝોનના કાર્યપાલક ઇજનેર મીતા ગાંધીને નોટિસ મોકલી નિવેદન આપવા જણાવવામાં આવ્યું છે. ફાયર વિભાગે બે વાર જીમ સંચાલકને નોટિસ ફટકારી હતી
આ સમગ્ર મામલે તપાસ અધિકારી એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આઠ જેટલા ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓના નિવેદન લેવાયા છે. તેઓએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા બે વખત જીમ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી આ સાથે નોટિસ અંગે અઠવા ઝોનને પણ માહિતી આપવામાં આવી હતી. નોટિસ સાથે સૂચના આપવામાં આવી હતી કે જીમના નળ કનેક્શન કાપવામાં આવે. જોકે, ફાયર વિભાગ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી અને અઠવા ઝોને જાણકારી અપાઈ હતી તે અંગે ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને અન્ય વિગતો માટે કાર્યપાલક ઇજનેર ને નોટિસ આપી નિવેદન આપવા માટે જણાવવામાં આવ્યું છે. અઠવા ઝોનના કાર્યપાલક ઈજનેરનું પણ પોલીસ નિવેદન નોંધશે
સીટીલાઈટ રોડના અગ્નિકાંડમાં સોમવારે સુરત મનપાના ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર બસંત પરિકની પણ ઉંમરા પોલીસે મેરેથોન પૂછપરછ કરી હતી. જોકે ફાયર વિભાગ દ્વારા પણ અઠવાઝોનના કાર્યપાલક ઈજનેરને નોટીસ પાઠવી દીધી હોવાનુ નિવેદનમાં જણાવ્યું હતું. ઉમરા પોલીસ હવે અઠવા ઝોનના કાર્યપાલક ઈજનેરનું પણ પોલીસ નિવેદન નોંધશે. માનવ વધનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી
સીટી લાઈટ રોડના શિવ પૂજા કોમલેક્ષમાં આવેલા જીમ 11 અને તેની સાથેના સ્પામાં ભીષણ આગ લગાવાની ઘટનામાં સિક્કિમની બે યુવતીઓના કરુણ મોત થયા હતા. જીમમાં ગેરકાયદેસર રીતે તાણી દેવાયેલા સ્પામાં આગ લાગી હતી. અને જોકે સ્પામાં કોઈ આકસ્મિક ઘટના બને તો તત્કાલ બહાર નીકળી શકાય એવો કોઈ જ રસ્તો રાખવામાં આવ્યો નહોતો. જેથી પોલીસે આ કેસમાં જીમના સંચાલક શાહનવાઝ હારુન મિસ્ત્રી અને દિલશાદખાન તેમજ વસમી ચૌહાણની સામે માનવ વધનો ગુનો નોંધીને ત્રણેયની જે-તે સમયે ધરપકડ કરી હતી..