ખ્યાતિકાંડ મામલે ત્રણ તબીબ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના આઠ દિવસ બાદ પણ ડો. પ્રશાંત વઝીરાણી સિવાયના અન્ય ચાર આરોપી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ પોલીસ દ્વારા આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે એક્શનમાં જોવા મળી રહી છે. ક્રાઈમ બ્રાંચે આજે હોસ્પિટલ પર પહોંચી તપાસ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા હતા. જે ચાર આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે તેમની સામે લુક આઉટ સર્ક્યુલર(LOC)નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. એની જાણ દેશનાં તમામ એરપોર્ટ પર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે આરોપીઓનાં ઘર અને ઓફિસ પર દરોડો પાડી જરૂરી પુરાવાઓ પણ એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ભૂગર્ભ ચાલ્યા ગયેલા આરોપીઓ સામે ગાળિયો કસવાનો પ્રયાસ
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 જેટલા લોકોને એન્જિયોગ્રાફીની અને એમાંથી સાત લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં હોસ્પિટલ દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે કરી નાખી હતી. ત્યાર બાદ બે લોકોનાં મોત નીપજતાં હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ,ડાયરેક્ટર,ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત, CEO સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકીના ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ રિમાન્ડ પર છે, જ્યારે અન્ય ચાર આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર હોઈ, તેમને ઝડપવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. ચાર આરોપી સામે LOC નોટિસ ઈસ્યુ કરવામાં આવી
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે માસૂમ લોકોનાં મોત થયાં બાદ હવે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવી છે અને અમદાવાદ ક્રાઈમે ગણતરીના કલાકોમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવાની શરૂઆત કરી છે, જેમાં ચાર વોન્ટેડ આરોપીઓનાં ઘરે પોલીસે રેડ કરી હતી, જ્યારે બે ઓફિસમાં પણ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર તપાસમાં હોસ્પિટલમાંથી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વના ઇલેક્ટ્રોનિક્સ પુરાવા તેમજ દસ્તાવેજો કબજે લીધા છે. જ્યારે આરોપીઓનાં ઘરે કેટલીક મહત્ત્વની કડી પોલીસને મળી છે, જે સંદર્ભે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે તમામ વોન્ટેડ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની બાતમીના આધારે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ સહિત એક્સપર્ટની ટીમ હોસ્પિટલ પહોંચી હતી
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં અમદાવાદની ટીમે તપાસ શરૂ કરી છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. આલ, મહેન્દ્ર સોલંકી સહિતની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. અહીં એક્સપર્ટ ડોક્ટરની હાજરીમાં મહત્ત્વના પેપર તપાસવાના હોવાથી અને જે જગ્યાએ ઓપરેશન થયું હતું એ તમામ જગ્યાએ ખૂટતી વિગતો મેળવવા માટે સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલનાં કારનામાં…
રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે ઓળવી લીધી હતી, જેમાં તેમણે સ્વસ્થ બાળકોને બીમાર બતાવ્યાં હતાં. આ માટે તેણે લેબ સાથે પણ સાઠગાંઠ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતાં આ સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચર્યું
રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી વિવાદાસ્પદ નિહિત બેબી કેર હોસ્પિટલને રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના આધારે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરૂએ 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
ગાંધીનગર આરોગ્ય વિભાગે નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂને પેનલ્ટીનો લેટર મોકલ્યો હતો, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પરિવારોને રૂપિયા 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે. ત્યારે ડો. હિરેન મશરૂની હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે જરૂરી રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરીને કુલ 116 કેસ પ્રી-ઓથ એપ્રૂવલ માટે મૂક્યા હતા. હોસ્પિટલ દ્વારા યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવતાં આ 116 કેસ રિજેક્ટ કરવામાં આવ્યા છે તેમજ એની પ્રી-ઓથ એપ્રૂવર્ડ રકમ રૂ. 65,47,950 થાય છે. એની 10 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે સરકાર વસૂલશે અને તેમની હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આયુષ્યમાન યોજનાની સુવિધાના લિસ્ટમાંથી પણ રદ
નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્યમાન કાર્ડ યોજનાનો દુરુપયોગ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડોક્ટર હિરેન મશરુ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી, જેને લઇ નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલાં લીધાં હતાં. થોડા સમય પૂર્વે સરકારે આ હોસ્પિટલને આયુષ્યમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી પણ રદ કરી દીધી હતી. પૈસા ભૂખી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિ.નાં કાળાં કારનામાં
અમદાવાદમાં રાજપથ ક્લબ સામે આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખીને PMJAY(પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના)થી પૈસા પડાવી લેવા કાળાં કરતૂત કર્યાં હતાં. આ 7માંથી 2 લોકોનાં મોત થઈ ગયાં છે. દિવ્ય ભાસ્કર ડિજિટલના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલે છેલ્લા 6 જ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર, ઓપરેશન કરીને સરકાર પાસેથી PMJAY યોજનાના 3.66 કરોડ રૂપિયા ગપચાવી લીધા છે. 6 મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી કરી
અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે છેલ્લા છ જ મહિનામાં સરકાર પાસેથી 3 કરોડ 66 લાખ 87 હજાર 143 રૂપિયા ઓળવી લીધા હોવાના પુરાવા છે. 1 જૂન-2024થી લઈને 12 નવેમ્બર-2024 સુધીની વાત કરીએ તો કુલ 650 કેસમાંથી આ રકમ ઓળવી લેવામાં આવી હતી, જેમાંથી 605 તો કાર્ડિયોલોજી કેસના જ 2.77 કરોડ ઓળવી લીધા. કુલ 45 સર્જરી પેટે સરકારમાંથી 89.87 લાખની રકમ ઓળવી લીધી. તો છેલ્લા છ જ મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી પણ છ મહિનામાં કરી નાખી. ઈન્વેસ્ટિગેશનને વિગતવાર વાંચવા ક્લિક કરો….ખ્યાતિ ‘મલ્ટીસ્કેમ’ હોસ્પિટલ, 3.66 કરોડ લૂંટ્યા વડોદરાની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પણ બ્લેકલિસ્ટ
વડોદરાના માંજલપુર ખાતે આવેલી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના યુનિટ હેડ ડો. મિનલ સોલંકીએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલ 10 વર્ષથી આયુષ્માન કાર્ડમાં સેવા આપે છે. અમારી હોસ્પિટલની ઓન્કોલોજી સારવારને આયુષ્માન કાર્ડમાંથી 3 માસ માટે દૂર કરવામાં આવી છે. ડોક્યુમેન્ટમાં ક્ષતિના કારણે ત્રણ મહિના માટે આયુષ્માન કાર્ડમાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અઠવાડિયા પહેલાં જ હોસ્પિટલમાંથી આયુષ્માન કાર્ડ સેવાને સસ્પેન્ડ કરવામાં આવી હતી, આથી કેન્સરને લગતી સારવાર ત્રણ મહિના માટે આયુષ્માન કાર્ડમાં કરી શકાય નહીં. ખ્યાતિ હોસ્પિટલ સાથે અમારે કોઇ લેવાદેવા નથી. ખ્યાતિ હોસ્પિટલના કોઈ તબીબ અહીં સારવાર આપવા આવતા નથી.