દેશમાં આગામી બે વર્ષમાં ઇવીની કિંમતો ખૂબ જ ઓછી થઇ જશે. વર્ષ 2026 સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી)ની બેટરીની કિંમતો વર્ષ 2023ની તુલનાએ ઘટીને અડધી થઇ શકે છે. ઇવીના મેન્યુફેક્ચરિંગના કુલ ખર્ચમાં બેટરીનો હિસ્સો 28-30% હોય છે. ગોલ્ડમેન સાક્સના એક સ્ટડી રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં વિશ્વભરમાં ઇવી બેટરીની સરેરાશ કિંમત $153 (અંદાજે રૂ.13 હજાર) પ્રતિ કિલોવૉટ હતી. વર્ષ 2023માં તેની કિંમત $149 (રૂ.12,500) પ્રતિ કિલોવોટ રહી ગઇ છે. કિંમતો સતત ઘટી રહી છે અને વર્ષ 2026 સુધી કિંમતો વધુ ઘટીને $80 (અંદાજે રૂ.6,700) પ્રતિ કિલોવોટ રહેવાનો અણસાર છે. વર્ષ 2022ની તુલનામાં તે લગભગ 50% ઓછી છે. રિપોર્ટ અનુસાર બેટરીની કિંમતો આ સ્તર પર આવ્યા બાદ ઇલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ કારને બરાબર થઇ જશે. દેશમાં ઇવીને સ્પર્ધાત્મક બનાવી રાખવા માટે બેટરી અને ચાર્જિંગ સેવાઓ પર જીએસટી ઘટાડવાની જરૂર છે. સાથે જ, ઇવીનું વેચાણ વધારવા માટે પીએમ ઇ-ડ્રાઇવ ફંડને પણ વધારવાની જરૂરિયાત છે. ફિક્કી ઇલેક્ટ્રિક વ્હીકલ કમિટીની ચેરપર્સન સુલાજ્જા ફિરોદિયા મોટવાણીએ ફિક્કીના રાષ્ટ્રીય સંમેલન દરમિયાન સરકાર સમક્ષ આ માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ચાર્જિંગ સેવાઓ પર 18% જીએસટી છે. તેને અમે ઘટાડીને 5% કરવાનો અનુરોધ કરીએ છીએ. જેથી કરીને ગ્રાહકો માટે ચાર્જિંગ સેવા વધુ કિફાયતી બની શકે.
તે ઉપરાંત બેટરી પર જીએસટી પણ 18%થી ઘટાડીને 5% કરવાની ભલામણ કરાઇ છે. દેશમાં બેટરીની કિંમતો ઘટવાના બે પ્રમુખ કારણ
1. ઉન્નત થતી ટેક્નોલોજી: સ્ટડીમાં સામેલ નિષ્ણાંતો અનુસાર સેલ ટૂ પેક ટેક્નોલોજીમાં ઓછા બેટરી મૉડ્યૂલ્સની જરૂરિયાત રહે છે. તેનાથી ન માત્ર બેટરી પેકનો ખર્ચ ઘટે છે પરંતુ સાથે જ એનર્જી ડેન્સિટી પણ 30% સુધી વધી જાય છે. તેનાથી બેટરીનો આકાર પણ ઓછો રાખવામાં મદદ મળે છે.
2. કાચા માલના ઓછા ભાવ: બેટરી મેન્યુફેક્ચરિંગમાં લીથિયમ અને કોબાલ્ટ જેવા કાચા માલનો ઉપયોગ થાય છે. વર્ષ 2022 સુધી તે ખૂબ જ મોંઘા હતા. ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થયો છે. વર્ષ 2030 સુધી તેમાં ઘટાડો યથાવત્ રહી શકે છે. તેને કારણે બેટરી મેન્યુફેક્ચરિંગનો ખર્ચ અંદાજે 40% સુધી ઘટવાના અણસાર છે. ટેસ્લા રોડસ્ટરની કિંમત 15 વર્ષ પહેલાની તુલનામાં 90% ઘટી
રિપોર્ટ અનુસાર જ્યારથી માર્કેટમાં આધુનિક ઇલેક્ટ્રિક કાર આવવા લાગી છે, બેટરીની કિંમતો સતત ઘટી રહી છે. અમેરિકન ઉર્જા વિભાગ અનુસાર, ટેસ્લા રોડસ્ટરની કિંમત 15 વર્ષ પહેલાની કિંમતની તુલનાએ લગભગ 90% ઘટી છે.