back to top
Homeગુજરાતસિનિયર્સ દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું?:પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડમાં ઝડપાયેલા...

સિનિયર્સ દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું?:પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડમાં ઝડપાયેલા 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણીયાના મોત થયું છે. આ બાદ રેગિંગને લઈ રોજ નવા-નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. મંગળવારે વાયરલ થયેલી એક વોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 200 વિદ્યાર્થીઓને પરિચયના નામે રેગિંગ કરવા જિલ્લા વાઈઝ ગ્રુપ બનાવીને બોલાવાતા હતા. જુનિયર મારફતે મેસેજ કરાતા હતા. બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા છે. સિનિયર્સ દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું એ અંગે પોલીસ આજે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે, જે બાદ આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે
આ અંગે તપાસ અધિકારી જે.પી.સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપી વિદ્યાર્થીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર થયા કર્યા છે. આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી કરવામાં આવશે. જે બાદ સાંજે 5:00 વાગે રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટ જે હુકમ કરશે એ હુકમ મુજબ આગળની કાર્યવાહી કરીશું. વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો ​​​​
શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક એન્ટી-રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જુનિયર વિદ્યાર્થીઓનાં નિવેદન લેવામાં આવતાં રેગિંગ થયાનું સામે આવ્યું હતું. આરોપી કોર્ટના ચુકાદા સુધી અભ્યાસ કરી નહીં કરી શકે
રેગિંગની ઘટનામાં આરોપી 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જે હાલ રિમાન્ડ પર છે. હવે આ વિદ્યાર્થીઓ એકેડેમીની કોઈપણ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે અને મામલામાં જ્યાં સુધી કોર્ટનો ફાઇનલ ચુકાદો નહીં આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ રહેશે. જેથી તેમનો પ્રવેશ હાલમાં સ્થગિત રહેશે. જેથી બીજી કોઈ કોલેજમાં પણ હવે આ પ્રવેશ લેવા જઈ શકશે નહીં. દરેક કોલેજો પાસે એન્ટી રેગિંગ કમિટીની કાર્યવાહી અંગેનો રિપોર્ટ મંગાશે : યુનિ.
યુનિવર્સિટી સંલગ્ન માત્ર મેડિકલ જ નહીં પરંતુ દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એન્ટી રેગિંગ કમિટી બનાવવાનો નિયમ હોય દરેક કોલેજમાં આ કમિટી કાર્યરત છે કે કેમ તેમજ ના હોય તો બનાવવા અને કમિટી દ્વારા કોલેજમાં વિદ્યાર્થીઓની પૂછપરછ કરી એક રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવે માટે પરિપત્ર કરીને સૂચના અપાશે. તેવું યુનિ.સૂત્રોએ જણાવ્યુ હતું. ડોક્ટર બનવા તનતોડ મહેનત કરી પણ સપનું અઘરું રહ્યું
મૃતક અનિલ મેથાણિયાના પરિવારના સભ્યએ જણાવ્યું હતુ કે, એકનો એક દીકરો અનિલ ભણવામાં હોશિયાર હોવાથી પિતા ડોક્ટર બનાવવા માગતા હતા. પિતાનું સપનું પૂર્ણ કરવા અનિલ ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં તો સારું પરિણામ લાવ્યો પરંતુ નીટની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે છેલ્લા છ મહિનાથી તનતોડ મહેનત કરીને 600માંથી 550 ગુણ મેળવી સરકારી ધારપુર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તેની સમગ્ર મહેનત અને તેનું ડોક્ટર બનવાનું સપના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતાં જ માત્ર રેગિંગના કારણે મોત થતાં અધૂરું રહી ગયું છે. તેવું UGCની સૂચના મુજબ કાર્યવાહી કરાશે: કુલપતિ
યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.સી.પોરીયાએ જણાવ્યુ હતું કે, યુ.જી.સી દ્વારા કોલેજ અને યુનિવર્સિટી સંકલન સાથે રેગિંગની ઘટના મામલે રિપોર્ટ માંગ્યો છે. જે અનુસંધાને યુનિવર્સિટી દ્વારા ડીન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ રજૂ થયા બાદ યુજીસીમાં મોકલાશે જો કોઈ નિયમ ભંગ થતા હશે તો યુજીસીની સૂચના મુજબ કાર્યવાહી કરાશે. હોસ્ટેલોમાં સુરક્ષા વધારી, વાલીઓને વિશ્વાસ અપાવવા પ્રયાસ: ડીન
ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, હાલમાં 1200 છાત્રો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. જેમાં બોયસ 800 છે જે જગ્યાએ ઘટના બની તે ત્રણ માળના બિલ્ડિંગમાં 90 વિદ્યાર્થીઓ રહે છે. આ મામલાને લઇ જે વિદ્યાર્થીઓનો રેગિંગનો ભોગ બન્યા હતા તેના પરિવારના સભ્યોને બોલાવી કાઉન્સેલિંગ કરી વિશ્વાસ અપાવ્યો છે. અને દરેક વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ હવે ભવિષ્યમાં આવીને કોઈ ઘટના ના બને માટે રેગિંગ કમિટીમાં ઉચ્ચ અધિકારી, વિદ્યાર્થી પોલીસ સહિતનાં સભ્યનો સમાવેશ કર્યો છે. દર અઠવાડિયે વિદ્યાર્થીની સમસ્યા સાંભળવામાં આવે છે અને દર ત્રણ મહિને કમિટીની મીટીંગ મળે છે. આ 15 વિદ્યાર્થી હાલ રિમાન્ડ પર છે આ 15 સિનિયર સ્ટુડન્ટ્સમાંથી મોટા ભાગના સ્ટુડન્ટસના પિતા પણ તબીબ હોવાનું સામે આવ્યું છે. ડીવાયએસપી કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે જે પંદર સિનિયર સ્ટુડન્ટ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે તમામ પુખ્ત વયના(18 વર્ષથી મોટી ઉંમર)ના છે. રેગિંગકાંડની વધુ એક ચેટ સામે આવી
આ ઘટનામાં રેંગિગ પહેલાંની ચેટ પણ સામે આવી હતી. વ્હોટ્સએપ ગ્રુપમાં થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની પ્રવૃતિ ચાલતી હોય એવું જોવા મળ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલા મેસેજ ડિલિટ કરાવવામાં આવ્યા હતા. એ બાદ મંગળવારે વધુ એક ચેટ સામે આવી હતી. જેમાં ધારપુર મેડિકલ કોલેજના FY Official BOYS 2024 નામના વ્હોટ્સએપ ગ્રુપમાં કુલ 6 જગ્યાએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હોય એવું લખાણ જોવા મળે છે. ઘટનાના દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 કલાક સુધી અલગ અલગ વિભાગમાં જવા જુનિયર વિદ્યાર્થીઓને આદેશ કરાયા હતા. ડીનની ઓફિસ નજીકથી દારૂની બોટલો મળી
આ મામલે દિવ્ય ભાસ્કરે ડીનની ઓફિસ નજીક તપાસ કરી તો નશાખોરીનું ષડયંત્ર ચાલતું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ડીન ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે દારૂ-બિયરની ખાલી બોટલો મળી હતી. આ ઉપરાંત ગાંજો પીવામાં વપરાતા ગોગોના અને સિગારેટનાં ઘણાં પેકેટ્સ મળ્યાં હતાં. આ તમામ વસ્તું એ દર્શાવે છે કે અહીં ગુનાખોરી સાથે નશાખોરીનું પણ દૂષણ છે. માત્ર 9 લોકોની એન્ટી-રેંગિંગ કમિટી
સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં પ્રોફસર, પત્રકાર, પોલીસ અને સ્ટુડન્ટ રિપ્રેસેન્ટટિવ સહિતના સભ્યોની 20 લોકોની એન્ટી-રેંગિંગ કમિટી હોય છે, પરંતુ અહીં માત્ર નવ લોકોની જ કમિટી હતી, જેમાં ન તો કોઈ પત્રકાર કે ન કોઇ વિદ્યાર્થી પ્રતિનિધિ હતો. પોલીસતંત્ર અનુસાર છેલ્લા 2 મહિનામાં ડીન દ્વારા એકપણ વાર રેડ પાડવા માટે પોલીસને કહેવામાં નહોતું આવ્યું. આ ઉપરાંત કેમ્પસમાં દારૂ અને બિયરની બોટલ મળવા અંગે ડીન પોલીસને જાણ કરીને સંતોષ માની રહ્યા છે. બીજી તરફ પોલીસતંત્ર હોસ્પિટલ અને હોસ્ટેલના ગાર્ડ સહિત કોલેજના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments