ડાયરાના જાણીતા કલાકાર માયાભાઈ આહીરના કૌટુંબિક કાકાને ત્યાંથી અંદાજે 20 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઈ છે. આ દરમિયાન રેડ કરવા ગયેલી ટીમના અધિકારીઓ અને માયાભાઇ વચ્ચે જોરદાર બોલાચાલી થઇ હોવાની ચર્ચા છે. જોકે માયાભાઇ આ વાતનો ઇનકાર કરી રહ્યા છે. આ ઘટના બન્યા બાદ હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે PGVCLના અધિકારી અને માયાભાઇનો સંપર્ક કર્યો હતો. PGVCLના અધિકારીએ લાખો રૂપિયાની વીજચોરી ઝડપાઇ હોવાની વાતને સમર્થન આપ્યું છે. જ્યારે માયાભાઇએ અધિકારીઓ સાથે બોલાચાલી થયાનો ઇનકાર કર્યો હતો. 14મી નવેમ્બરે દરોડા પડ્યા હતા
14મી નવેમ્બરે સવારે અંદાજે 6:30 વાગ્યે મહુવાથી 25 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા બોરડા ગામે એકસાથે અડધો ડઝન કારનો કાફલો પહોંચ્યો હતો. કારમાંથી PGVCLના વિજિલન્સ વિભાગની એક પછી એક 9 જેટલી ટુકડી ઊતરી હતી. એક ટીમમાં 3 સભ્ય હતા. થોડીવાર તો ગામના લોકોને કશું સમજાયું નહીં, પછી ખબર પડી કે પ્રખ્યાત કલાકાર માયાભાઇ આહીરના કૌટુંબિક કાકાની કોમર્શિયલ જગ્યા પર વીજ ચેકિંગ આવ્યું છે. આ ચેકિંગમાં 20 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઇ હતી. PGVCLના દરોડા પડ્યાના થોડા સમયમાં જ ખુદ માયાભાઇ આહિર પણ ત્યાં પહોંચી ગયા હતા. સૂત્રોનું માનીએ તો વિજિલન્સ ટીમ અને માયાભાઇ આહીર વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. માયાભાઇએ રાજકારણીઓને ફોન લગાવ્યા હતા અને વિજિલન્સની ટીમના કર્મચારીઓને બદલી કરાવવા સુધીની ધમકી આપી દીધી હતી. વિજિલન્સની ટીમે પણ માયાભાઇને રોકડું પરખાવ્યું હતું કે તમે હાલ જ બદલી કરાવી નાખો, પણ કાર્યવાહી તો થશે જ. અધિકારીએ મારી સાથે ફોટા પડાવ્યાઃ માયાભાઈ આહીર
માયાભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અધિકારી અમને મળ્યા, મારી સાથે ફોટા પડાવ્યા. અમે તમને સાંભળીએ છીએ એવું કહ્યું હતું. અધિકારીઓએ બિલ આપ્યું હતું. હું કાર્યક્રમ પૂરો કરીને આવ્યો હતોઃ માયાભાઈ
કોઈના ઘરે મળ્યા ન હોવાના દાવા સાથે માયાભાઇએ કહ્યું હતું કે એ કોઈનું ઘર પણ નહોતું અને અમે કોઈના ઘરે મળ્યા પણ નથી, ભરબજારમાં મળ્યા છીએ. સમાજની દૃષ્ટિએ ગામ આખું કુટુંબ જ કહેવાય. હું બોરડા રહું છું. મારો કાર્યક્રમ ખંભાત હતો અને ખંભાતથી હું કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવ્યો હતો. એ સમયે આટલી બધી ગાડીઓ જોઈ એટલે હું ઊભો રહ્યો હતો અને બધા અધિકારી મારી પાસે આવ્યા હતા. કોઈ બોલાચાલી નથી થઈઃ માયાભાઈ
તેઓ આગળ કહે છે, નાની ઓઇલ મિલ હતી. અધિકારીઓએ તો એવું કહ્યું હતું કે ડુંગર ખોદ્યો અને ઉંદર નીકળ્યો. અમારે તો રમૂજી ચર્ચા થઈ હતી કે ભાઈ, તમે સરકારી સંપત્તિની ચોરી કરો તો ભગવાનની ચોરી કહેવાય, બાકી કોઈ જાતની બોલાચાલી થઈ નથી. બધા ઓળખતા હોય એટલે એમાં કોઈ સવાલ નથી. કોઈ ખોટી બાતમી આપે તો જોવાનું કહ્યું હતું
જેને ત્યાં રેડ પડી હતી તે કોણ થાય એવા સવાલના જવાબમાં માયાભાઇએ કહ્યું કે એ કૌટુંબિક કાકા થાય. ભલામણનો કોઈ સવાલ નથી. આપણે ટપોરી માણસ નથી. હરખની વાત હતી. મેં ટકોર કરી કે કોઈ ખોટી બાતમી આપે તો જોજો. કોઈને ધમકાવવાનો પ્રોગ્રામ નહોતોઃ માયાભાઈ
માયાભાઈએ વધુમાં કહ્યું, બોરડા ગામે મારૂુ એક ઘર બંધ હતું. એમાં એવરેજ બિલ આવે. મને પોતાને 2 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. મેં એ પણ ભરી દીધું હતું. ઓળખીતા લોકોએ મને કહ્યું કે PGVCLમાં અરજી કરો કે બંધ ઘરનું આટલું મોટું બિલ ન હોય. મેં કહ્યું કે હું આટલું મોટું પેમેન્ટ લેતો હોઉં તો બિલ ભરી દઇશ. મારે કોઇ ચર્ચામાં નથી ઊતરવું. મેં તો ગામના લોકો સાંભળતા હતા એવી રીતે કહ્યું કે તમે કનેક્શન 5નું લો અને 10ની મોટર વાપરો, એ પણ ખોટું જ કહેવાય. સરકારની ચોરી ન કરવી જોઈએ એવી મેં સામૂહિક વાત કરી હતી. એમાં કોઈને ધમકાવવાનો પ્રોગ્રામ હતો નહી. અધિકારીઓએ માયાભાઈને રોકડું પરખાવ્યાની ચર્ચા
માયાભાઇ ભલે આ ખુલાસો કરતા હોય, પરંતુ ગામમાં એવી ચર્ચા છે કે માયાભાઈ આહીર તેના આકરા રૂપમાં આવી ગયા હતા. શરૂઆતમાં અધિકારીઓ સાથે ડાયરાની જેમ સારી સારી વાતો કરી હતી, પરંતુ અધિકારીઓ ટસના મસ ન થતાં માયાભાઇને ગુસ્સો આવ્યો હતો. તેમણે સવારમાં જ રાજકારણીઓ અને અન્ય કલાકારોને ફોન જોડ્યા હતા, પરંતુ સરખો વળતો જવાબ મળ્યો નહોતો. એના કારણે તેમણે અધિકારીઓને બદલી કરાવી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. સામે અધિકારીઓએ પણ એવું કહી દીધું હતું કે કાર્યવાહી તો થશે જ, બદલી કરાવવી હોય તો કરાવી નાખો. આવી પણ એક ચર્ચા જાગી છે. આ રેડ અંગે સત્તાવાર માહિતી જાણવા માટે દિવ્ય ભાસ્કરે PGVCLના ભાવનગરના ડેપ્યુટી એન્જિનિયર ડી.બી. જોશીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ચેકિંગ કરાયું હતુંઃ અધિકારી
ડી.બી. જોશીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે આ રૂટિન ચેકિંગ હતું, જે ફરિયાદના આધારે કરવામાં આવ્યું હતું. વડોદરાની વિજિલન્સ ટીમ રેડમાં ગઇ હતી. એ કોઈનું ઘર નહોતું, પણ કોમર્શિયલ એકમ હતો, કારખાના જેવું હતું. તેલ માટેનું પિલાણ થતું હતું. વીજચોરી કરી હતીઃ અધિકારી
કોને ત્યાં ચેકિંગ થયું એનો ઉલ્લેખ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે નાજાભાઇ ગીગાભાઇ ભમ્મર અને દેવુબેન ભમ્મરનાં નામ વીજચોરીમાં સામે આવ્યાં છે. બન્નેનું થઇને 21 લાખ રૂપિયા જેટલું બિલ થાય છે. ચેકિંગ હતું, વીજ કનેક્શન કટ કરવાની કોઇ વાત નહોતી, બાકી બીલ આપ્યું છે. વીજચોરી કરી એનું બિલ ભરવા માટે તાકીદ કરી છે. બિલ ભરવાનું બાકી હતું એવું નહોતું. વીજચોરી કરી હતી, વીજચોરી કરવાની વ્યવસ્થા કરી હતી. જો રકમ ન ભરે તો કોર્ટમાં કેસ થાય. વડોદરાથી ટીમ આવી હતીઃ અધિકારી
દરોડા પાડવા ગયેલી ટીમ વિશે તેમણે જણાવ્યું, 9 ટીમ હતી. 1 ટીમમાં 3 લોકો હતા. વિજિલન્સની ટીમ આવી હતી. એ ખાનગી રીતે આવતી હોય છે. સ્થાનિક અધિકારીઓ કે કર્મચારીઓને પણ ખબર ન હોય. એ ટીમ સીધી વડોદરાથી આવી હતી અને કાર્યવાહી કરીને જતી રહી હતી.