નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ કરતી વખતે ડેકોરેશનની કામગીરી દરમિયાન વિજાપુરમાં આવેલી અંગ્રેજી માધ્યમની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં પાંચ વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેમા એક 16 વર્ષિય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને જવાબદારોની ધરપકડ કરી હતી. જે પૈકી શાળાના આચાર્ય અને મુખ્ય ટ્રસ્ટીએ રેગ્યુલર જામીન મેળવવા કરેલી અરજીની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. નવરાત્રિ મહોત્સવની તૈયારી વખતે વીજ કરંટ લાગવાથી 16 વર્ષિય વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું વિજાપુર સેન્ટ જોસેફ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઉજવણીની તૈયારીઓની કામગીરી ચાલી રહી હતી. તે વખતે તા.9-10-24 ના રોજ ડેકોરેશનની કામગીરી દરમિયાન એકાએક શાળામાં અભ્યાસ કરી રહેલા પાંચ જેટલા વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગવાની ઘટના સર્જાઈ હતી. આ છાત્રોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં અહીં 16 વર્ષના કિશોર આર્યરાજસિંહ ઉપેન્દ્રસિંહ સીસોદીયાનું મોત થયું હતું. આ ઘટનામાં વિજાપુર પોલીસે સ્કૂલના આચાર્ય અને મુખ્ય ટ્રસ્ટી જોય પીટર પુલમ્બરા સહિત પાંચ જવાબદારો સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી. જેમાંથી હાલમાં જેલમાં બંધ સેન્ટ જોસેફ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી જોય પીટર પુલંબરાએ રેગ્યુલર જામીન મેળવવા મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન મહેસાણાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની દલીલના આધારે અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી.