આવતીકાલે તા.21થી તા.23 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિર રિક્લેમ સાઈટ, સોમનાથ મંદિર પાસે, ગીર સોમનાથ જિલ્લામાં યોજાવાની છે, જેમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મળીને કુલ- 197 જેટલા શિબિરાર્થીઓ ભાગ લેવાના છે. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ શિબિરાર્થીઓ આવતીકાલે તા.21ના રોજ કેશોદ એરપોર્ટ ખાતે પધારવાના છે. ઉલ્લેખનીય છે કે સરકારની ચિંતન શિબિર બાદ ગમે ત્યારે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ જાહેર થશે, જેથી આ ચિંતન શિબિરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ ચિંતન થઈ શકે છે. ચપટી ધૂળ પણ ન ઊપડે એની જવાબદારી સાંસદ રાજેશ ચૂડાસમાએ લીધી
સોમનાથ મંદિર નજીક વેણેશ્વર વિસ્તારમાં કોળી સમાજની જમીનને લઈ સર્જાયેલા વિવાદમાં કોળી સમાજના ચાલી રહેલા આંદોલનનો તંત્ર અને સાંસદની મધ્યસ્થી અંત આવ્યો છે. સોમનાથના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન વિમલ ચૂડાસમાની આગેવાનીમાં શરૂ થયેલા આંદોલનનો કોળી સમાજના જ આગેવાન અને વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમાએ જવાબદારી લેતાં અંત આવ્યો હતો. સાંસદે જવાબદારી લીધી છે કે જ્યાં સુધી ટ્રસ્ટ અને સમાજના આગેવાનનો બેઠક નહીં મળે ત્યાં સુધી અહીંથી ચપટી ધૂળ પણ નહીં ઊપડે. શિબિરની તડામાર તૈયારીને આખરી ઓપ
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં રાજ્ય સરકારની મહત્ત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી કાર્યક્રમ યોજાશે. એને લઈને ઘૂઘવતા અરબી સમુદ્ર તટે ખાસ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. બે તબક્કામાં શિબિરાર્થીઓ કેશોદ એરપોર્ટ પહોંચશે
મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તેમજ સચિવો, રાજ્યના તમામ જિલ્લાના કલેકટર, ડીડીઓ, એસ.પી. સહિતના અધિકારીઓ, પદાધિકારીઓનું સોમનાથમાં ત્રણ દિવસ સુધી રોકાણ રહેવાનું છે. આવતીકાલે સવારે કેશોદ એરપોર્ટ પર તમામ શિબિરાર્થીઓ બે તબક્કે આવી પહોંચશે અને કેશોદથી વોલ્વો બસમાં સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે સર્કિટ હાઉસ, સાગર દર્શન તેમજ હોટલોમાં રોકાણ રહેવાનું છે. ચિંતન શિબિરને લઈ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. ચિંતન શિબિરમાં ચાર મુખ્ય મુદ્દા પર ગહન ચિંતન કરાશે
1. ગુજરાતમાં રોજગારીની તકો ઊભી કરવી
2. ગ્રામ્ય વિસ્તારની આવકમાં વધારો કરવો
3. સરકારી યોજનામાં સંતૃપ્તિ (saturation)
4. પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન. મોર્નિંગ એક્ટિવિટી દરમિયાન 7 પ્રવાસન સ્થળની શિબિરાર્થીઓ મુલાકાત લેશે
1. હેરિટેજ વોક, જેમાં ત્રિવેણી ઘાટ, શારદાપીઠ, ગીતા મંદિરની મુલાકાત
2. સોમનાથ બીચની મુલાકાત
3. આદ્રી બીચની મુલાકાત
4. કેરીના બગીચાની મુલાકાત
5. નાળિયેરીના બગીચાની મુલાકાત
6. હિરણ-૨ ડેમની મુલાકાત
7. ફિશિંગ હાર્બરની મુલાકાત ઉક્ત સ્થળોની મુલાકાત લઈ એને પ્રવાસનના સ્થળ તરીકે કઈ રીતે વિકાસ કરી શકાય એ બાબત કેન્દ્રમાં રાખી મુલાકાત લેવામાં આવશે.