છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચને દીકરી આરાધ્યાનો જન્મદિવસ એકલા હાથે સેલિબ્રેટ કર્યો હતો. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે તેની દીકરીને ટીનએજર થવા પર અભિનંદન પાઠવ્યાં હતાં. આ તસવીરોમાં એક્ટ્રેસ તેની પુત્રી સાથે તેના પિતાની જન્મજયંતિની ઉજવણી કરતી જોવા મળે છે. જોકે, આ તસવીરોમાં બચ્ચન પરિવારનાં કોઈ સભ્ય જોવાં મળ્યાં ન હતા. આરાધ્યાના પિતા અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા ન હતા. આ કારણે છૂટાછેડાના સમાચારે વધુ વેગ પકડ્યો છે. આરાધ્યા 16 નવેમ્બરે 13 વર્ષની થઈ હતી. પરંતુ ઐશ્વર્યાએ 21 નવેમ્બરે એટલે કે તેના પિતાની જન્મજયંતિ પર તેની પુત્રી માટે જન્મદિવસની શુભેચ્છા પોસ્ટ કરી હતી. જુઓ ઐશ્વર્યાએ શેર કરેલી તસવીરો…. યુઝર્સે કર્યા અનેક સવાલો
ઐશ્વર્યા રાયની આ પોસ્ટ પર ફેન્સ આરાધ્યાને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ફિલ્મી હસ્તીઓની કોમેન્ટ્સ પણ આવી રહી છે. બિપાશા બાસુએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું છે. આ સિવાય યુઝર્સ એ પણ પૂછી રહ્યા છે કે તસવીરોમાં બચ્ચન પરિવાર કેમ ગાયબ છે? એક યુઝરે લખ્યું, ‘તસવીરોમાં અભિષેક બચ્ચન કેમ નથી?’ અન્ય યુઝરે લખ્યું, ‘દીકરીના જન્મદિવસ પર ખૂબ મોડું પોસ્ટ કર્યું. તમે ભૂલી ગયા હતા? ‘ઐશ્વર્યાએ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી હતી’
ઐશ્વર્યા રાયે 1 નવેમ્બરે પોતાનો 51મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારના અન્ય કોઈ સભ્યએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા નથી. જોકે, 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર તેમના માટે એક સુંદર પોસ્ટ કરી હતી અને એક્ટરને અભિનંદન પાઠવ્યા હતા. થોડા દિવસો પહેલા ઘણા અહેવાલોમાં અભિષેક અને એક્ટ્રેસ નિમ્રિત કૌર વચ્ચેના લિંકઅપના સમાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે એક્ટરના નજીકના સૂત્રએ કહ્યું કે આ બધી વાતો માત્ર અફવા છે. અભિષેક અને ઐશ્વર્યા રાયના છૂટાછેડા નથી થઈ રહ્યા. છૂટાછેડાના સમાચારને કેવી રીતે વેગ મળ્યો?
જુલાઈમાં, અભિષેક બચ્ચન તેમના પરિવાર સાથે અનંત-રાધિકાના લગ્નનો ભાગ હતો. રેડ કાર્પેટ પર અભિષેકનો આખો પરિવાર હાજર હતો, જોકે તે સમયે ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા તેની સાથે ન હતી. અભિષેકના આગમનના થોડા સમય બાદ ઐશ્વર્યા તેની પુત્રી સાથે રેડ કાર્પેટ પર પહોંચી અને પાપારાઝી માટે પોઝ આપ્યો. અલગ-અલગ એન્ટ્રી લેવા સિવાય આખા લગ્ન દરમિયાન તેઓ સાથે જોવા મળ્યા ન હતા. આ પછી ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે વેકેશન પર ગઈ હતી, ત્યારે પણ અભિષેક તેની સાથે હાજર નહોતો.