સુરતના ફૂલપાડા વિસ્તારમાં ગતરોજ (20 નવેમ્બર) ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા. જે પૈકી આજરોજ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હજી પણ ત્રણ જેટલા યુવાનો હોસ્પિટલના બિસાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. મૃતકની બે દિવસની સારવાર પાછળ પરિજનોને 3 લાખથી વધુનો ખર્ચ થઈ જતાં મદદ માટે ગુહાર લગાવી છે. ઘટના બની ગયા બાદ કોઈ મદદ ન આવ્યું હોવાનું પણ પરિવારજનો જણાવી રહ્યા છે. ગેસને સ્પાર્ક મળતા ધડાકાભેર આગ ફાટી નીકળી
સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેંક ઓફ બરોડાની સામે ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં એક રૂમમાં રહી પરપ્રાંતિય સાત પિતરાઈ ભાઈ જરીના કારખાનમાં નોકરી કરતા હતાં. જેમાં 19મીની રાત્રે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હોવાથી ગેસ રૂમમાં ભરાઈ ગયો હતો. જેમાં ગતરોજ વહેલી સવારે આનંદ પાસવાન નામનો યુવક ઉઠ્યો હતો અને ખાવાનું બનાવવા માટે ચૂલાને ચાલુ કરવા માટે લાઇટર ચાલુ કર્યું હતું. આ સમયે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા ધડાકાભેર આગ ફાટી નીકળી હતી. જેમાં ત્યાં હાજર 16થી 29 વર્ષના સાત ભાઈઓ આગની લપેટમાં આવતા બચવા માટે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. દાજેલા સાતમાંથી એકનુ સારવારમાં મોત
ઘટનાની જાણ થતાં ફાયર સ્ટેશનના અધિકારીઓ અને લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ સાથે જ આગમાં દાઝેલા સાતેયને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા અને બાદમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાત પૈકી ચાર યુવાનની હાલત ગંભીર હતી, જે પૈકી એકનું આજે (21 નવેમ્બર) મોત થયું છે. તો બાકીના છમાંથી ત્રણ યુવકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યાં છે. જોરદાર ધડાકો થતાં બારીઓના કાચ તૂટ્યાં
મોટાભાગના યુવાનો શરીરના ભાગે, માથાના ભાગે અને બંને હાથ-પગે દાઝી ગયા હોવાથી તેમને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ચાર યુવાનોની સ્થિતી ગંભીર હતી. આગ લાગી તે પહેલા થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે, આખા બિલ્ડિંગમાં અને આજુબાજુના રહીશોને સિલિન્ડ બ્લાસ્ટ થયો હોય તેમ લાગ્યું હતું. ધડાકાને લીધે રૂમના બારીના કાચ પણ તૂટી ગયા હતા. પોલીસે ત્રણ ગેસ સિલિન્ડર કબજે કર્યા
બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે ત્યાંથી રસોઈમાં ઉપયોગમાં લેવાતા ત્રણ સિલિન્ડર પણ કબજે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમમાં 10 યુવાનો રહેતા હોવાનું અને આગ લાગી ત્યારે ત્રણ યુવાનો બહાર ગયા હોવાથી બચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આગને લીધે યુવાનોની ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મૃતક આગલા દિવસે જ પરિવારને મળી આવ્યો હતો
આ ઘટનામાં મૂળ બિહારના પિતરાઈ સાત ભાઈઓ દાઝી ગયા હતા. જે પૈકી મિથુન પાસવાન નામના 23 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મિથુન મૂળ બિહારનો રહેવાસી છે અને સુરતમાં ઝરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. પરિવારમાં માતા-પિતા પત્ની એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ વતનમાં રહે છે. આગની ઘટનામાં મિથુન સો ટકા દાજી ગયો હતો. તેનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું. જે દિવસે ઘટના બની તેના આગલા દિવસે જ મિથુન વતનમાં પરિવારને મળીને સુરત પરત ફર્યો હતો. હજુ ત્રણની હાલત ખૂબ ખરાબ છેઃ મંગલ તાતી
મૃતકના પરિજન મંગલ તાતીએ જણાવ્યું હતું કે, આ ઘટના બીજા માળે બની હતી અને અમે તેની ઉપર જ રહીએ છીએ. આગ ધડાકા સાથે ફાટી નીકળી હતી અમે પહોંચ્યા ત્યારે અમારા સાતેય ભાઈઓ દાઝી ગયા હતા. તેમને પહેલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કિરણ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મિથુનનું મોત થયું છે, જ્યારે આનંદ, બાદલ અને પ્રદ્યુમ્ન હાલત પણ ખૂબ જ ખરાબ છે. સહાય કરવામાં આવે તેવી અપીલ
વધુમાં જણાવ્યું હતું કે, અમે જરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. રોજ ખાઈને કમાઈ વાળા છે, એવું કહેવાય. આ ઘટના બની તેમાં પિતરાઈ સાત ભાઈઓ દાજી ગયા હતા. તેમને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અત્યાર સુધીમાં બેથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. આ ઘટના બન્યા બાદ અત્યાર સુધીમાં અમારી પાસે કોઈ મદદે આવ્યું નથી. અમને સહાય કરવામાં આવે તેવી અપીલ છે. યુવાનો કેટલા ટકા સુધી દાઝી ગયા
આનંદકુમાર લક્ષ્મણ પાસવાન (ઉં.વ.29) (75% દાઝી ગયો)
બલરામ લક્ષ્મણ પાસવાન (ઉં.વ.28) (90થી 95% દાઝી ગયો)
પ્રધુમન પંચુભાઈ પાસવાન (ઉં.વ.20) (90થી 95% દાઝી ગયો)
સાગર જયકાંત પાસવાન (ઉં.વ.18) (10% દાઝી ગયો)
પ્રીતમકુમાર જેવકાંત પાસવાન (ઉં.વ.16) (50% દાઝી ગયો)
બાદલ ઉપેન્દ્ર પાસવાન (ઉં.વ.19) (75% દાઝી ગયો)