પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવારે એક પેસેન્જર વાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 38 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ છે. આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ ઘાટીમાં બની હતી. વાન પેશાવરથી કુર્રમ જઈ રહી હતી. આ પહેલા મંગળવારે રાત્રે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં આર્મી પોસ્ટ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ત્યાં છ આતંકીઓ પણ માર્યા ગયા હતા. માહિતી આપતાં પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ચેકપોસ્ટની દિવાલ સાથે વાહન ઘુસાડ્યું હતું અને તેમાં રાખેલા વિસ્ફોટકને વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટમાં 12 જવાનો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ 6 આતંકીઓને ઠાર કર્યા હતા. પાંચ દિવસ પહેલા બલૂચિસ્તાનમાં હુમલો થયો હતો
16 નવેમ્બરના રોજ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાં આર્મી પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોના 7 જવાનો શહીદ થયા હતા. આતંકવાદી બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી હતી. ન્યૂઝ એજન્સી એએફપીએ એક સ્થાનિક વ્યક્તિના હવાલાથી જણાવ્યું કે, આ હુમલામાં 40થી 50 બલૂચ વિદ્રોહી સામેલ હતા. આ દરમિયાન બલૂચ વિદ્રોહીઓએ આર્મી પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 7 જવાનોના મોત ઉપરાંત 15 જવાનો પણ ઘાયલ થયા છે. ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા
9 નવેમ્બર શનિવારે સવારે પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 26 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી જૂથ બલોચ લિબરેશન આર્મી (BLA) એ પણ આ હુમલાની જવાબદારી લીધી છે. BLAના પ્રવક્તાએ કહ્યું કે, આત્મઘાતી હુમલો મજીદ બ્રિગેડ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમનું નિશાન ઇન્ફન્ટ્રી સ્કૂલના સૈનિકો હતા, જેઓ કોર્સ પૂરો કરીને જાફર એક્સપ્રેસ દ્વારા પેશાવર જવાના હતા. ક્વેટા સિવિલ હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે પાકિસ્તાની અખબાર ધ ડોનને જણાવ્યું હતું કે, માર્યા ગયેલાઓમાં 14 સૈન્યના જવાનો અને 12 નાગરિકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં હિંસા સંબંધિત આ સમાચાર પણ વાંચો… શિયા-સુન્ની વચ્ચે જમીન વિવાદ પર પાકિસ્તાનમાં ફરી અથડામણ: 36 માર્યા ગયા, 80થી વધુ ઘાયલ; 30 એકર જમીનનો વિવાદ ચાલી રહ્યો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે જમીન વિવાદમાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા છે. જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, 5 દિવસથી બંને સમુદાયો વચ્ચે અથડામણ ચાલી રહી છે. કુર્રમમાં તૈનાત એક અધિકારીએ જણાવ્યું કે લડાઈમાં ઘણા ઘરો બળી ગયા છે.