નીરજ પટેલ
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના બનાવની નોંધ ગાંધીનગરમાં લેવાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. જેમાં હત્યારા બાબરનો ભાઈ મહેબૂબ પોલીસનો બાતમીદાર હોવાની ચર્ચા કરાઈ હતી. તેને કારણે બાબરે હત્યાને અંજામ આપવા સુધીની હિંમત કરી હોવાનું મનાય છે. બંને ભાઈએ પોલીસને કઠપૂતળી બનાવીને ડ્રગ્સનો વેપલો કર્યો હતો. હવે રાજ્ય સ્તરે ખબરીઓની ગાઇડ-લાઇન નક્કી કરવા નિર્ણય કરાયો છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રના હત્યારા બાબરનો ભાઈ પોલીસનો બાતમીદાર હોવાની માહિતી બહાર આવી છે. જેને કારણે તેણે આવી હિંમત કરી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ માની રહ્યા છે. બાબર શહેર અને આસપાસના સ્થળે એમડી ડ્રગનો વેપલો કરતો હોવાનું ખૂલ્યું છે. બાબરનો ભાઈ મહેબૂબ એસઓજીનો બાતમીદાર હતો અને તેની બાતમીથી પોલીસે એમડી ડ્રગના વેચાણ અંગે દરોડા પાડ્યા હોવા અંગની ચર્ચા ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસની બેઠકમાં થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ સાથેના સંબંધને કારણે બાબર મુંબઈ, મધ્ય પ્રદેશથી એમડી ડ્રગ લાવી વેપલો કરતો હતો. ડ્રગનો ધંધો કરનારા અન્યની બાતમી આપી મહેબૂબ પોતાના ભાઈના ધંધાને રક્ષણ પૂરું પાડતો હતો. ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકમાં બાબર, મહેબૂબ અને તેના ભાઈ સોનુની કરતૂતો અંગે ચર્ચા થઈ હતી. જેમાં મહેબૂબ પોલીસનો ખબરી હોવાની જાણકારી મળી હતી. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બાતમીદારનો પણ ગુનાહિત ભૂતકાળ તપાસ કરવાનું નક્કી કર્યું છે. મહેબૂબ પઠાણ સામે આર્મ્સ એક્ટ સહિત 20 ગુના
મહેબુબ પઠાણ સામે દારૂ, ચોરી, લૂંટ, આર્મ્સ એક્ટ, ખંડણી, મારામારી સહિતના 20 ગુના નોંધાયેલા છે. તે 2004-05માં સુરતમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. મહેબૂબ સામે ફતેગંજ પોલીસમાં 1 ગુનો, કારેલીબાગમાં 13, જેપી રોડમાં 1, સયાજીગંજમાં 1, ડીસીબીમાં 1, વરણામામાં 1 અને વારસિયા-વાડી પોલીસમાં 1-1 ગુના નોંધાયેલા છે. બીજાની બાતમી આપતો હોવાથી બાબર દોગલા તરીકે જાણીતો હતો
નાની ઉંમરથી ઝનૂની બાબર સામે અનેક ગુના નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, મારામારી, દારૂ તથા ડ્રગના ગુનાનો સમાવેશ થાય છે. પોલીસને બીજાની બાતમી આપતો હતો. જોકે ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે ચોર પકડ જેવી રીત બાબર અજમાવતો હોવાથી તેને ગુનેગારો દોગલો કહેતા હતા. બાતમીદારો ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો દૂર કરાશે
પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં પોલીસના ખબરીની સંડોવણી બહાર આવી છે. જેને લઇ ગાંધીનગર ખાતે મળેલી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકમાં પોલીસની દરેક મહત્ત્વની શાખા અને વિભાગમાં બાતમીદારો આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે નહિ તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈની સંડોવણી હોય તો તાત્કાલિક બાતમીદારને દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.