back to top
Homeગુજરાતગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે:શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને...

ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે:શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને ભેગાં કરી શક્તિ પ્રદર્શન કરશે

ચિંતન આચાર્ય
ગુજરાતની રાજનીતિમાં નવાજૂની કરવા માટે બે વરિષ્ઠ રાજકારણીઓ તત્પર બન્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવતા મંગળવારે પોતાના જન્મદિવસે અમદાવાદમાં એક સંમેલન યોજી રહ્યા છે. જાણકારોના મતે આ બન્ને નેતાઓ પોતપોતાના હાથમાં કાંકરો લઇને એક જ નિશાન પર ઘા કરી શકે છે અને તે કોંગ્રેસ હશે. શંકરસિંહ વાઘેલાના નવા પક્ષને ભાલાફેંકનું નિશાન મળ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ, ભાજપ, રાજપા, કોંગ્રેસ, એનસીપી, એમ અલગ-અલગ પક્ષો અને સંગઠનોમાં પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષતા સંતોષતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હવે ફરી એકવાર ચૂંટણીના રાજકારણમાં સક્રીય થવાની તૈયારી દર્શાવી છે. તેમણે આ માટે પોતાનો એક રાજકીય પક્ષ નોંધાવ્યો છે અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના આ પક્ષને ભાલાફેંકનું નિશાન આપ્યું છે. થોડાં સમય પહેલાં ગાંધીનગરના સર્કિટ હાઉસમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે ખાનગી બેઠક કર્યા બાદ ક્ષત્રિય સમાજના સંમેલનના મંચ પર જોવા મળેલા વાઘેલા હવે પછીની પાલિકા-પંચાયત અને વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવા તૈયાર થઇ રહ્યા છે. કોંગ્રેસમાં રહીને કે તેમાંથી છૂટા પડ્યા બાદ કરેલી રાજકીય પ્રવૃત્તિથી હંમેશા વાઘેલાએ ભાજપને ફાયદો કરાવ્યો હોવાનું ચર્ચાય છે અને હજુ પણ તેઓ આવનારાં સમયમાં કોંગ્રેસને જ નુક્સાન કરશે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે. વાઘેલાના આ વ્યૂહને કારણે લોકસભા ચૂંટણી બાદ ભાજપથી ભડકેલો ક્ષત્રિય સમાજ વાઘેલાના પક્ષને કારણે કોંગ્રેસ તરફ ફંટાશે નહીં. શુક્રવારે તેઓ પોતાના નિવાસસ્થાને એક સંમેલન બોલાવી આ નવા પક્ષની ઘોષણા કરશે અને સમર્થકોને લડવા માટે તૈયાર કરશે. ભરતસિંહ સોલંકી જનયોદ્ધા તરીકે કમબેક કરવા માગે છે
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મંગળવારે અમદાવાદના ભાડજ પાસે એક ફાર્મમાં પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક સંમેલન યોજ્યું છે. આ સંમેલનને તેઓએ જનયોદ્ધા દિવસ નામ આપ્યું છે અને પોતાને જનયોદ્ધા તરીકે પ્રસ્થાપિત કરવા માટે તેનું આયોજન કરાયું છે. આ સંમેલનના આમંત્રણમાં સોલંકી વિપરિત પરિસ્થિતિમાં શૂન્યમાંથી સર્જન કરી હવે ફરી એકવાર કમબેક કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. છેલ્લાં કેટલાંય સમયથી ભરતસિંહ કોંગ્રેસ સંગઠનમાં કોઇ મહત્ત્વના હોદ્દા પર નથી. તેમને જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવાયા હતા, પરંતુ હવે 71 વર્ષના થનારા ભરતસિંહ કોંગ્રેસમાં મહત્ત્વનો હોદ્દો ઇચ્છે છે. તેમના નિશાને પાર્ટી સીધી રીતે નથી, પરંતુ પાર્ટીમાં રહેલા કેટલાંક લોકો અવશ્ય છે. અગાઉ તેઓને દિવંગત નેતા અહેમદ પટેલ સાથે ખાસ બનતું નહીં હોવાનું સર્વવિદિત છે. તેમના આ સંમેલનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સહિત વીસ હજાર લોકો હાજર રહેશે તેવો અંદાજ છે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ સંમેલનના આયોજનની જવાબદારી લીધી છે. આ સંમેલન બાદ કોંગ્રેસમાં બે જૂથો પડી જવાની મોટી સંભાવનાઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments