ધૈર્યા રાઠોડ
આગામી જાન્યુઆરીમાં અમદાવાદમાં કોલ્ડપ્લે-મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર શૉ યોજાશે. આ શૉનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. આ કોન્સર્ટનું સત્તાવાર બુકિંગ બુક માય શૉ દ્વારા થઈ રહ્યું છે. બુક માય શૉના ડેટા મુજબ સૌથી વધુ ટિકિટો મુંબઈકર્સે ખરીદી છે. કુલ પૈકીની 21 ટકા ટિકિટો મુંબઈના ચાહકોએ ખરીદી છે. 14 ટકા ટિકિટોની ખરીદી સાથે અમદાવાદીઓ બીજા ક્રમે છે. જ્યારે બેંગલુરુના ચાહકોએ 13 ટકા ટિકિટો લીધી છે. બુકિંગ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોને બાદ કરતાં અન્ય સ્થળોથી ખાસ ટિકિટો ખરીદાઈ નથી.
પ્રિમિયમ કેટેગરીની ટિકિટોમાં આશ્ચર્યજનક રીતે પૂર્વોત્તરનાં રાજ્યો આગળ નીકળી ગયા છે. નાગાલેન્ડમાંથી 18 ટકા, મિઝોરમમાંથી 13 ટકા પ્રિમિયમ ટિકિટો ખરીદાઈ છે. સમગ્ર દેશની વાત કરીએ તો 500 શહેરોમાંથી પ્રેક્ષકો આ સંગીત જલસો સાંભળવા અમદાવાદ આવશે. આ શહેરો-વિસ્તારોમાં જમ્મુ-કાશ્મીર, પાણીપત, ગુંટુર, વારંગલ, બરેલી, મથુરા, બિકાનેર, ભટિંડા, મૈસૂર, ઉડુપી, સાગર, સતના, અલેપ્પી, યવતમાલ વગેરે સામેલ છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીએ યોજાનારા આ જલસા માટે દેશભરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કોલ્ડપ્લે જેવું વૈશ્વિક બેન્ડ ભારત ફરી ક્યારે આવે એમ વિચારી દેશભરમાંથી ચાહકોએ તેમને સાંભળવા અમદાવાદ આવવાની તૈયારી કરી છે. તેના કારણે પ્રવાસન-હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગને પણ લાભ થશે. ટિકિટનું ક્યાંથી કેટલું બુકિંગ?
શહેરટ કાવારી
મુંબઈ 21%
અમદાવાદ 14 %
બેંગલુરુ 13 %
દિલ્હી – NCR 11 %
સુરત 3 %
વડોદરા 2 %
જયપુર 2 %
પ્રીમિયમ કેટેગરીનું બુકિંગ
નાગાલેન્ડ 18 %
મિઝોરમ 13 %