સુરતમાં કામરેજથી પિપલોદ બેરજ સુધી લગભગ 33 કિલોમીટરના તાપી નદીના વિસ્તારમાં વોટર મેટ્રો પ્રોજેક્ટને સાકાર કરવા માટે આજે (22 નવેમ્બર, 2024) કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના એક્સપર્ટની ટીમ સુરતમાં આવી છે. કોચી વોટર મેટ્રો પ્રોજ્કટના બે એક્સપર્ટ આ ટીમમાં સામેલ છે. સુરત કોઝવે અને તાપી નદી પર આવેલા સાત બ્રિજને ધ્યાનમાં રાખી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, આ તાપી નદી પર આવેલા સાત બ્રિજ નીચેથી મેટ્રો બોટ પસાર થઈ શકે આ માટે તેઓ સુરત માટે ખાસ બોટ ડિઝાઇન કરવાની પણ વાત કરી છે. એક્સપર્ટની ટીમ બોટમાં બેસીને તાપી નદીની વિઝિટ પણ લીધી હતી. વોટર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત શહેરમાં કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના બે એક્સપર્ટ મરીન સિવિલ એન્જિનિયર નિશાંત અને બોટ ડિઝાઇન એક્સપર્ટ અર્જુન ક્રિષ્ના આવ્યા છે. જેઓ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તાપી નદી સહિત તાપી ખાતે આવેલા સ્થળોની વિઝીટ કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ વોટર મેટ્રો પ્રોજેક્ટના અમલીકરણ માટે કંઈ બાબતોની જરૂરિયાત છે? શું મોડિફિકેશન કરવાની ફરજ છે? તે અંગે રિપોર્ટ તૈયાર કરશે. કોચી અને સુરતની ભૌગોલિક પરિસ્થિતિ જુદી
સુરત વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે સૌથી મહત્વની વાત એ પણ છે કે, કોચી અને સુરતના ભૌગોલિક પરિસ્થિતિ અલગ-અલગ છે, જેથી સુરત તાપી નદીના પ્રવાહ, સ્તર, વેલોસીટી, નેચર, કરંટ આ કોચી જેવો નથી. જેથી સુરતમાં વોટર મેટ્રો પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કરવા માટે ખાસ રિપોર્ટ આ બંને એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવશે. તાપી નદી પર આવેલા સાત જેટલા બ્રિજની ઊંચાઈ-પહોળાઈ અંગે પણ નોંધણી કરશે, જેથી મેટ્રો બોટની ડિઝાઇન પણ તેઓ કરી શકે. આ બોટ તમામ બ્રિજ નીચેથી સહેલાઈથી પસાર થઈ શકે તેવું પ્લાનિંગ કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં અને ચોમાસાના દિવસોમાં પાણીનું સ્તર અને તેનો પ્રવાહ કેટલો હોય છે તે અંગેની પણ વિગતો આ ટીમ દ્વારા લેવામાં આવી છે. કોચીનાં વોટર પ્રોજેક્ટનું અમલીકરણ સુરતમાં ન થઈ શકેઃ નિશાંત
કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં કાર્યરત મરીન સિવિલ એન્જિનિયર નિશાંતએ જણાવ્યું હતું કે, કોચીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટને દોઢ વર્ષ થઈ ગયા છે અને સફળ છે. અહીં 30 લાખથી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે. અમે અહીં સ્ટડી અને સર્વે કરવા માટે આવ્યા છીએ. કઈ રીતે આ પ્રોજેક્ટ અમલીકરણ કરી શકાય અને આ માટે શું કરવાની જરૂર છે તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. કોચીમાં જે વોટર પ્રોજેક્ટ છે, તેનું અમલીકરણ સુરતમાં થઈ શકે નહીં. કારણ કે, સુરતમાં જે હાઇડ્રોલિક કન્ડિશન તેને પાણીનું પ્રવાહ, સ્તર, વેલોસીટી, નેચર, કરંટ આ કોચી જેવો નથી. આ અંગે અભ્યાસ કરવો પડશે અને ત્યાર પછી શું કરી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે અમે રેકી કરવા આવ્યા છીએ. હાલ આ પ્રાથમિક તબક્કામાં છે, જેથી શું કરી શકાય એ પહેલાં નહીં કહી શકાય. ‘ભારતમાં વોટર મેટ્રોની શક્યતા વાળા વિસ્તારની સ્ટડી’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આખા ભારતમાં જ્યાં પણ વોટર મેટ્રોની શક્યતા છે, અમે ત્યાં સ્ટડી કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ રુચિ બતાવી હતી, જેથી અમે અહીં આવ્યા છીએ. અમે સાઈડ સર્વે અને રેકી કરી રહ્યા છે. ક્યાં નોડલ પોઇન્ટ છે તે અમે જોઈશું. પાણીનું સ્તર કયાં કયાં સ્થાન પર કેટલું છે? તે અંગેની પણ વિગતો અમે મેળવીશું. જે પછી અમે સંબંધિત વિભાગો સાથે વાત કરીશું. ‘કોઝવેની ડિઝાઇનના ફેરફાર અંગે પણ ચર્ચા કરાશે’
કોઝવે ઉપરથી વાહનો પસાર થાય છે. કામરેજથી પીપલોદ બેરેજ સુધી મેટ્રો બોટ કઈ રીતે પસાર થાય આ માટેની પણ જ ચર્ચા એક્સપર્ટની ટીમે સુરત મનપાના અધિકારીઓ સાથે કરી હતી. કોઝવેની હાઈટ શું છે? તેનું સ્ટ્રક્ચર શું છે? અને જો બોટને અહીંથી પસાર થવું હોય તો ડિઝાઇનમાં કઈ રીતે ફેરફાર કરવી પડશે? તે અંગેની પણ ચર્ચા એક્સપર્ટની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ‘બે તબક્કમાં ડિઝાઈન તૈયાર કરાશે’
કોઝવેને લઈને તેઓએ જણાવ્યું હતું કે, હાલ જે તમે કોઝવે જોઈ રહ્યા છો તેની ઉપર એક લેવલ છે અને તેની નીચે એક લેવલ છે. મેટ્રો જ્યારે અહીંથી પસાર થાય આ માટે એને મોડિફિકેશન કરવું પડશે. આ અંગે અલગથી વિચારવું પડશે. આ માટે ખાસ ડિઝાઇન તૈયાર કરવી પડશે, જેથી ફેસવાઇઝ આ માટે ડિઝાઇન તૈયાર કરવી પડશે. પ્રથમ તબક્કાને બીજા તબક્કામાં આ ડિઝાઇન તૈયાર કરી શકાય છે. ‘શહેરના 7 બ્રિજનો એક્સપર્ટની ટીમ સર્વે કરશે’
તાપી નદી પર લગભગ સાત જેટલા બ્રિજ આવેલા છે. આ બ્રિજ નીચે મેટ્રો બોટ સહેલાઈથી પસાર થઈ શકે આ માટે પણ એક્સપર્ટની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. દરેક બ્રિજની ઊંચાઈ અને પહોળાઈ અંગેની તમામ વિગતો લેવામાં આવી રહી છે. દરેક બ્રિજની ઊંચાઈ અને પહોળાઈ અલગ-અલગ છે, જેથી આ બ્રિજ વચ્ચેથી મેટ્રોબોટ પસાર થઈ શકે આ માટેની પણ ખાસ યોજના આ ટીમ દ્વારા બનાવવામાં આવશે. ‘સર્વે બાદ સુરત માટે બોટની ડિઝાઇન કરાશે’
તાપી નદીના બ્રિજને લઈ એક્સપર્ટે જણાવ્યું હતું કે, તાપી નદી ઉપર જે બ્રિજ આવેલા છે, તેની ઊંચાઈ અને પહોળાઈ અંગેની પણ વિગતો અમે લઈશું. કારણ કે, તમામ મેટ્રો બોટને આ બ્રિજના નીચેથી પસાર થવું પડશે. એક નિર્ધારીત ઊંચાઈ અને પહોળાઈ હોય છે અને અમે તેને એરડ્રાફ્ટ કહીએ છીએ. અમે મિનિમમ અને મેક્સિમમ જગ્યા અંગે સર્વે કરીશું અને ત્યારબાદ સુરત માટે બોટ ડિઝાઇન કરવામાં આવશે. આ તમામ બ્રિજ નીચેથી આબોટ સહેલાઈથી પસાર થઈ શકે. સિટી-BRTS બસ અને મેટ્રો સાથે કનેક્ટિવિટી થશેઃ ધર્મેશ ભગવાગર
સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેર ધર્મેશ ભગવાગરે જણાવ્યું હતું કે, કોચી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના એક્સપર્ટ આજે તાપી નદીમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કઈ રીતે ચાલી શકે તેની સત્યતા ચકાસવા માટે આવ્યાં હતા. સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી પ્રગતિ હેઠળ છે અને સાથો સાથ બીઆરટીએસ પણ કાર્યરત છે, જે 108 km સુધીનો છે. સિટી બસની સેવા પણ ઉપલબ્ધ છે. આવા સંજોગોમાં આ બધા નેટવર્કનો ઉપયોગ કરી વોટર મેટ્રોની ચકાસણી થશે. આ બધાની કનેક્ટિવિટી સાથે તાપી નદીમાં વોટર મેટ્રોનો પણ સમાવેશ થશે. 33 કિમીના વોટર મેટ્રો પ્રોજેક્ટને સફળ કરવા આયોજન
સાથે તેઓએ જણાવ્યું હતું કે, હાલ પ્રથમ તબક્કામાં 22 કિલોમીટર રિઝર્વ અવેલેબલ છે, જે કામરેજથી કોઝવેના અપસ્ટ્રીમ સુધી છે. નજીકના ભવિષ્યમાં કોઝવેથી પીપલોદ બરાજ સુધી વધુ 10 કિલોમીટર વિસ્તાર ઉપલબ્ધ રહેશે. કુલ 33 કિલોમીટર સુધીનો આ વોટર મેટ્રો માટે તાપી નદીમાં સફળ થાય આ માટે આયોજન છે. તાપી નદીમાં ફ્લો સહિત બ્રિજ અને કોઝવે અંગે પણ આ લોકો વિગત લઈ રહ્યા છે અને તે અંગે રિપોર્ટ તૈયાર કરશે. પાલિકા કમિશનર નેધરલેન્ડની મુલાકાત બાદ આયોજન
પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ થોડા સમય પહેલા ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે નેધરલેન્ડની મુલાકાતે ગયા હતા. તે વેળા કોચી વોટર મેટ્રોની તકનિકી ટીમના તજજ્ઞો સાથે મુલાકાત થઇ હતી. આ સમયે કમિશનરે સુરતમાં વોટર મેટ્રો માટે કરેલા આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીતની ફળશ્રુતિરૂપે હવે કોચીના તજજ્ઞોની ટીમ સુરત આવીને વોટર મેટ્રો પ્રોજેક્ટની શક્યતા ચકાસશે. કોચીના તજજ્ઞો નિશાંથ એન. અને અર્જુન ક્રિષ્ણા સુરત આવ્યા છે. નોંધનીય છે કે, રૂંઢ-ભાઠાને જોડતા કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ નિર્માણાધીન છે અને તેને કારણે સૂચિત બેરેજના અપસ્ટ્રીમમાં પાણીનું સરોવર તૈયાર થશે. અહીં વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિ સાથે વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે પણ વિચારણા ચાલી રહી છે અને બજેટમાં પણ જોગવાઇ કરાવમાં આવી હતી. હાલના તબક્કે તાપીના બન્ને કાંઠે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે. બન્ને કાંઠે સ્ટેશનો તૈયાર થઇ રહ્યા છે. આ સિવાય સુરત મહાનગરપાલિકાનો 108 કિલોમીટર લાંબો બીઆરટીએસ કોરીડોર પર કાર્યરત છે. આ સ્થિતિમાં કોરીડોર અને મેટ્રો ટ્રેનના સ્ટેશનોને સાંકળીને બેરેજના અપસ્ટ્રીમમાં કઇ રીતે વોટર મેટ્રો પ્રોજેક્ટ સાકાર થઇ શકે તે માટે ફિલ્ડ વિઝિટ કરી છે.