વડોદરાના કોયલી ખાતે IOCL ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં 11 નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં GPCBએ ગુજરાત રિફાઈનરીને નોટિસ ફટકારી છે અને આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારીને 1 કરોડનું વળતર માંગ્યું છે. આ ઉપરાંત ગુજરાત રિફાઈનરીને 5 લાખની બેન્ક ગેરંટી પણ આપવી પડશે. ગુજરાત રિફાઈનરીને 1 કરોડનું વળતર ચૂકવવા નોટિસ ફટકારી
આગ લાગી ત્યારે ગુજરાત રિફાઈનરીથી 10 કિ.મી. વિસ્તારમાં એર ક્વોલિટી ચેક કરવામાં આવી. આ સમયે એર કવોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો. જે નિર્ધારિત 100ની માત્રા કરતા વધારે હતો. જેના પગલે ગુજરાત રિફાઈનરીને 1 કરોડનું વળતર ચૂકવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપવામાં આવી છે. આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઈનરીના સત્તાધીશોએ બનાવી છે. તેમ છતાં 10 દિવસ બાદ પણ રિફાઈનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. 5 લાખ રૂપિયાની બેન્ક ગેરંટી પણ માંગી
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી જે એમ મહીડાએ જણાવ્યું હતું કે, ગુજરાતી રિફાઈનરીને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે નોટિસ આપી છે અને 5 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ માંગી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આગ ઓલવતા ફાયર ઓફિસર પણ દાઝી ગયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રિફાઇનરીના 68 નંબરના જ્વલનશીલ કેમિકલ બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથેની આગ બાદ રાત્રે 8:30 વાગે બીજા પ્રચંડ ધડાકા સાથે ટેન્ક ફાટી હતી. જેમાં કોન્ટ્રાક્ટર પરના બે કર્મચારીના મોત થયા હતા. આ ઉપરાંત આગ ઓલવવાની કામગીરી કરતા ફાયરબ્રિગેડના સબ ઓફિસર દાઝી ગયા હતા. ટેન્ક ફાટતાં ઢોળાયેલા બેન્ઝીનથી બાજુની 69 નંબરની ટેન્કમાં પણ આગ ફેલાતાં ચિંતાનો વિષય બન્યો હતો. વડોદરા ફાયરબ્રિગેડે સ્થિતિ પર કાબૂ મેળવવા અન્ય શહેરમાંથી પણ ફાયર એન્જિન બોલાવ્યા હતા. અનેક પરિવારોએ પોતાના ઘરો બંધ કરીને રાતોરાત ગામ છોડ્યું
કેમિકલ ભરેલી ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગ બાદ કંપનીની આજુ-બાજુમાં આવેલા કોયલી, કરચિયા, બાજવા, ઊંડેરા સહિતના ગામોમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વિકરાળ આગની ઘટના બાદ કોયલી ગામના અનેક પરિવારો પોતાના ઘરો બંધ કરીને રાતોરાત ગામ છોડીને નીકળી ગયા હતા. જ્યારે રિફાઇનરીને અડીને આવેલા કરચિયા ગામના લોકોએ ઉજાગરા કરવાની ફરજ પડી હતી. ધડાકો થતાં બાજવા ગામ પણ ધણધણી ઉઠ્યું હતું. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ચારેય ગામોના નાગરિકોમાં ભયાવહ સન્નાટો ફેલાયેલો હતો, ગામોના રહીશો ભયના ઓથાર નીચે જીવતા હોય તેવો માહોલ હતો.