મોરબી જેલમાં ગેંગ રેપના આરોપીએ જેલમાંથી ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યુ હતું, જેનો એક વીડિયો વાઇરલ થતાં જ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. વીડિયોમાં જોવા મળે છે કે આરોપી હાથમાં ગ્લાસ સાથે અન્ય એક આરોપી મિત્ર સાથે દારૂની મહેફિલ માણી રહ્યો છે. એને લઈને અનેક સવાલો ઊભા થાય છે. તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા ત્રણ કલાક સુધી જેલની જડતી લેવામાં આવી હતી. એ દરમિયાન જેલમાંથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુ મળી નથી અને વાઈરલ વીડિયો મોરબીની સબ જેલનો ન હોવાની વાત પોલીસે તપાસના અંતે જાણવા મળી હતી. મોરબી સબ જેલમાં દારૂની મહેફિલ
મોરબી સબ જેલમાં રાખવામાં આવેલા કેદીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે, જેથી કરીને હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ, હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા જેલમાં જે કેદીનો વીડિયો લાઈવ થઈને વાઇરલ થયો છે, એ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. મોરબી જેલમાંથી અગાઉ માવા મળી આવ્યા હતા અને હાલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. એ કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું અને જેલમાંથી તેણે ઈન્સ્ટાગ્રામમાંથી લાઈવ કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જે કેદીનો વીડિયો છે તે ગેંગ રેપના કેસમાં જેલમાં બંધ છે. તેના વિરુદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુત્પ્રેરણા તેમજ હૈદ્રાબાદમાં લૂંટનો ગુનો નોંધાયેલો છે. વીડિયો વાઇરલ થતાં જ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
વધુ મળેલી માહિતી મુજબ, આગાઉ આરોપી બાબુ દેવા કનારા ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે. છેલ્લા છ માસથી તેને જેલ બદલી કરી મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો છે. આ મામલે જેલ અધીક્ષક સહિતની ટીમ તપાસ કરી રહી હતી. એવામાં મોરબી જિલ્લાના વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા અને એસઓજીની ટીમે હાલમાં જેલમાં પહોંચી તપાસ કરી હતી. વાઈરલ વીડિયો આ જેલનો નથી : DySP
મોરબીના ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે હાલનો જે વીડિયો છે એમાં આરોપી બાબુ દેવા કનારા જણાઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ આજે અમે ઓચિંતી મોરબી જેલની મુલાકાત લીધી હતી. અલગ-અલગ ત્રણ ટીમો બનાવી આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી હતી, જેમાં આ વાઈરલ વીડિયો આ જેલમાંથી વાઈરલ થયો હોય એવી કોઈપણ જાતની માહિતી અમને મળી નથી, વીડિયો સાથે એ મેચ પણ થતી નથી. આ સાથે મોબાઈલ કે અન્ય કોઈ ગેરકાયદે વસ્તુ પણ આ જેલમાંથી મળી નથી. વીડિયોમાં દેખાય છે તે બંને આરોપી અલગ અલગ બેરેકમાં
આરોપી સાથે જે પાકિસ્તાની નાગરિક છે તે મેફેડ્રોન કેસમાં ભુજ જેલમાં હતો. ATS દ્વારા તેની પાસેથી આ ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને ભુજ લાવવામાં આવ્યો હતો. ભુજ જેલમાં હાલ સમારકામ ચાલુ છે, જેથી તેને જેલ ટ્રાન્સફર કરીને તેને મોરબી લાવવામાં આવ્યો છે. જોકે આ બંને આરોપીની બેરેક અહીં અલગ છે. બાબુ દેવા કનારા હાઈ સલામતી સિક્યોરિટી ઝોનમાં છે, જ્યારે પાકિસ્તાની નાગરિક સાદી બેરેકમાં છે. તો બંનેનો મિલાપ અહીં શક્ય નથી. એટલે આ વીડિયો કોઈ અન્ય જગ્યાનો હોવાનું જણાય છે. વીડિયોમાં પાછળ જે લોકેશન દેખાય છે એ પણ અમે સર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમને એવું સિમિલર લોકેશન જણાયું ન હતું. ભુજની જેલમાં બંને સાથે બેસી નાસ્તો કરતા હોવાની કબૂલાત
આ અંગે મોરબી સબ જેલના જેલર હરેશ બાબરિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ આરોપી તા 15/8/24થી મોરબીની જેલમાં આવ્યો છે. હાલમાં બાબુ કનારા અને તેની સાથે વીડિયોમાં દેખાતો બીજો કેદી પણ મોરબીની જેલમાં જ છે, પણ બંને મોરબીમાં જેલમાં જુદી-જુદી બેરકેમાં છે, જેથી આ વીડિયો મોરબીની જેલનો ન હોય એવું દેખાઈ રહ્યું છે. અગાઉ ભુજની પલારા જેલમાં તે બંને સાથે હતા ત્યારે સાથે બેસતા હતા અને નાસ્તો કરતા હતા એવી કબૂલાત તેમણે મોરબીના જેલર સમક્ષ આપી છે. ત્યારે આ વીડિયો ક્યાંનો છે એની માહિતી સામે આવશે કે કેમ એ તો આગામી સમય જ બતાવશે.