ભાવનગરની બે દિવસીય મુલાકાતે પધારેલ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોકકુમાર મિશ્રા સાથે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડયા અને ભાજપા પૂર્વ શહેર અધ્યક્ષ ડો.રાજીવભાઈ પંડયાએ ભાવનગર રેલવે સ્ટેશન ખાતે મુલાકાત કરી ભાવનગર-સુરત ડેઇલી ટ્રેન તથા ભાવનગર થી લાંબા અંતરની ટ્રેન આપવા રજૂઆત કરી હતી. ભાવનગર પૂર્વ વિસ્તારનાં ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડયાએ તા.22-2-2023 નાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ભાવનગરથી વડોદરા- સુરત -મુંબઈ જવાનાં રસ્તા પર પીપળી થી વટામણ સુધીનો રોડ ચાર માર્ગીય કરવા માટે તેનાં ખર્ચનો આગામી બજેટમાં સમાવેશ કરવા સઘન રજુઆત કરેલ. ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડયાની રજુઆતને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વીકારી આ અંગે ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા કન્સલ્ટન્ટ નિમવા તત્કાલ હુકમ કરેલ. કન્સલ્ટન્ટનો પીપળી- વટામણ હાઈવે અંગે હકારાત્મક અભિપ્રાય ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડને આપેલ જેનાં અનુસંધાને વટામણથી પીપળી સેક્શનમાં કુલ 24.11 કિ.મી.ની લંબાઈના રોડ માટે રૂ.487.25 કરોડનું ટેન્ડર આપવામાં આવેલ છે. તેમજ 18 માસમાં આ રોડ ફોરલેન થઈ જશે. આ રજુઆતને ગ્રાહ્ય રાખી પીપળી- વટામણ હાઈવેની કામગીરી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં સેજલબેન રાજીવકુમાર પંડયાએ જણાવેલ કે, અમરેલી તથા ભાવનગર જિલ્લાનાં લોકો મોટા પાયે સુરત-મુંબઈ -વડોદરા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે તેમને આ પીપળી-વટામણ હાઈવે ચાર માર્ગીય થવાથી આ રસ્તે પસાર થનાર વાહન ચાલકોની સલામતી વધશે તથા મુસાફરીનો સમય ઘટશે.