back to top
HomeગુજરાતPM ગ્રાન્ટ મેળવતી શાળાઓની બદતર હાલત:રાજકોટની 18 શાળાઓમાં શિક્ષકોની 50 ટકા ઘટ;...

PM ગ્રાન્ટ મેળવતી શાળાઓની બદતર હાલત:રાજકોટની 18 શાળાઓમાં શિક્ષકોની 50 ટકા ઘટ; વિદ્યાર્થીઓને બેસવાની બેન્ચ, ખેલકૂદનું મેદાન, લાઇબ્રેરી અને સુરક્ષા માટેના CCTV જ નથી

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે સંકળાયેલી સરકારી શાળાઓની બદતર હાલત જોવા મળી છે. PM શ્રી પ્રોજેક્ટ હેઠળની 18 શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવાનું જિલ્લા કલેકટર દ્વારા સ્વપ્ન તો સેવવામાં આવ્યું છે, પરંતુ શું તે પરિપૂર્ણ થશે? તે સવાલનો જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા રાજકોટ જિલ્લાની PM શ્રી પ્રોજેક્ટ હેઠળની શાળાઓના આચાર્યો સાથે વાત કરી. જેમાં સામે આવ્યું કે, કોઈ સ્કૂલમાં રમતગમતનું મેદાન જ નથી તો અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની પ્રાથમિક સુવિધા ગણાતી બેન્ચ જ નથી. કેટલીક સ્કૂલમાં શિક્ષકોની ઘટ 50 ટકા જેટલી છે. જ્યારે લેબોરેટરી અને લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અતિ મહત્વપૂર્ણ સીસીટીવી કેમેરા જ નથી. સાથે જ ચોકીદાર અને માળી નથી તો ક્યાંક પાણી પણ આવતું નથી. જેથી જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ જાગે તો જ આ શાળાઓની સ્થિતિ સુધરી શકે તેમ છે. સુલતાનપુરની શાળામાં 9ના સેટઅપ સામે 4 જ શિક્ષકો
દિવ્ય ભાસ્કર દ્વારા PM શ્રી પ્રોજેક્ટ હેઠળની શાળાઓના આચાર્યો સાથે કરવામા આવેલી ટેલિફોનિક વાતચીત મુજબ શહેરની શાળા નંબર 93માં ટોઇલેટમાં પાણી નથી કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CCTV નથી. 38 દિવ્યાંગ બાળકો છે, પરંતુ તેમને ભણાવી શકે તેવા સ્પેશિયલ એજ્યુકેટર નથી. ગોંડલના સુલતાનપુરની શાળામાં 9ના સેટઅપ સામે 4 જ શિક્ષકો છે. જેતપુરની મોટા ગુંદાળા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર છે, પરંતુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવી શકે તેવા કોમ્પ્યુટર ઓપરેટર નથી. વીંછિયાની મોઢુકા શાળામાં 110 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 28 જ બેન્ચ છે. બેન્ચની ઘટ ઘણા સમયથી છે. પ્રાથમિક શાળામાં 176 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 30 બેન્ચ
આ ઉપરાંત કોટડા સાંગાણીમાં આવેલી નવી કન્યા તાલુકા શાળા-વેરાવળમાં રમત ગમતનું મેદાન જ નથી કારણ કે, ત્યાં તે પ્રકારની કોઈ જગ્યા જ નથી. રાજકોટ તાલુકાની આણંદપર પ્રાથમિક શાળા નંબર 2માં ધોરણ 3થી 5માં 195 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમના માટે બેન્ચ જ નથી. જસદણની ખડવાવડી પ્રાથમિક શાળામાં 176 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 30 બેન્ચ છે. શિક્ષકોને વિદ્યાર્થીઓના વિકાસમાં રસ નથી
મહત્વની વાત એ છે કે, પીએમ શ્રી પ્રોજેક્ટમાં આવતી શાળાઓમાં દર વર્ષે અંદાજે 20 લાખ જેટલી ગ્રાન્ટ આવે છે. જેનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. જેથી તેમાં ઓડિટ પણ કડક થાય છે. આ ઉપરાંત આ શાળાઓને અન્ય સ્કૂલથી અલગ અને આધુનિક બનાવવા માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડવાની કામગીરી આચાર્ય દ્વારા કરવાની હોય છે. આ પ્રકારની કામગીરી ન કરવી પડે અને વિદ્યાર્થીઓને શાળાના વિકાસ માટે સ્કૂલ સમય ઉપરાંત વધારાનો સમય ન આપવો પડે તે માટે મોટાભાગના આચાર્યએ આ પ્રકારની શાળામાંથી પોતાની સામાન્ય સરકારી શાળામાં બદલી કરાવી નાખી છે જે બતાવે છે કે મોટાભાગના શિક્ષકોને વિદ્યાર્થીઓના વિકાસમાં રસ નથી. શાળા બાગ માટે માળી, ફુલ ટાઇમ સિક્યોરિટી ગાર્ડ નથી
રાજકોટ શહેરની વિનોબા ભાવે શાળા નંબર 93માં સીસીટીવી કેમેરા, તમામ રૂમ અને લોબીમાં ટોઈલેટમાં પ્લમ્બિંગ કામ કરી પાણીની વ્યવસ્થા કરવાની જરૂર છે પાણી આવતું નથી. શાળા આચાર્ય ખંડમાં ફર્નિચરનાં કબાટ અને સોકેસ નથી. લાયબ્રેરીમાં કબાટ નંગ 5, ફર્નિચર, સ્પેશિયલ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટર ટીચરની જરૂરિયાત છે. શાળા બાગ માટે માળી, ફુલ ટાઇમ સિક્યોરિટી ગાર્ડ નથી. શાળા કમ્પાઉન્ડ વોલ પર ફેન્સિંગ, નવા બિલ્ડીંગ માટે વાઈફાઈ નેટ સુવિધા, લોખંડના ઓફિસ કબાટ 5 જોઈએ છે. વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમમાં રીપેરીંગની જરૂર
બાલવાટીકા વર્ગ માટે ડેસ્ક, તમામ વર્ગ ખંડ માટે મોટા લોખંડના ટેબલ 10, ટોયલેટ બ્લોક તથા પાણીની ઓરડીની લોખંડની જારી વાળા દરવાજાની જરૂર છે. કેરેક્ટર વાળી કચરાપેટીઓ જેમ કે, કાંગારુ, વાંદરા, મંકીમાઉસ એવી 10 જોઇએ છે. શાળાની ફરતે હેલોજન લાઈટ, બાળકોના ચપ્પલ રાખવાનાં ઘોડા 10, કલર પ્રિન્ટર અને વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમમાં રીપેરીંગની જરૂર છે. બેડમિન્ટન, વોલીબોલનું મેદાન નથી
ઉપલેટા તાલુકાની મેરવદર તાલુકા શાળામાં બેડમિન્ટન, વોલીબોલનું મેદાન અને કબડ્ડીની નેટ નથી. જ્યાં આચાર્યએ પોતાની બદલી કરાવી લેતા નવા પ્રિન્સિપાલ આવી ગયા છે. 9માંથી માત્ર 4 જ સ્માર્ટ ક્લાસ છે
પડધરી તાલુકાની તરઘડી શાળામાં 6થી 8ની કન્યાઓ માટે સ્વરક્ષણ તાલિમ આપવાની માંગ છે. ધોરણ વાઈસ સ્માર્ટ ક્લાસ શરૂ કરવાની માંગ છે. જેમાં 9માંથી માત્ર 4 જ સ્માર્ટ ક્લાસ છે. આ ઉપરાંત અદ્યતન લાઇબ્રેરી નથી. વિજ્ઞાનની પ્રયોગશાળા નથી અને કમ્પાઉન્ડ હોલમાં ક્યાંય સીસીટીવી નથી જેથી તે શરૂ કરવા માટે ડિમાન્ડ કરવામાં આવેલી છે. જ્યાં પણ પ્રિન્સિપાલનો ચાર્જ જેમની પાસે હતો તેમના સ્થાને નવા HTAT આચાર્ય આવી ગયા છે. લેબોરેટરી અને લાઈબ્રેરીનો અલગ રૂમ જ નથી
શાપર વેરાવળની નવી કન્યા તાલુકા શાળામાં ચોકીદાર જ નથી. બાલવાટિકાથી ધો. 8માં 18 શિક્ષકો અને વર્ગખંડો છે, પરંતુ લેબોરેટરી અને લાઈબ્રેરીનો અલગ રૂમ જ નથી જેથી આ પ્રકારની પ્રવૃત્તિ ક્લાસમાં જ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે. જ્યાં આચાર્ય બદલાઈ ગયા છે. દોડ અને કૂદ માટેનો ટ્રેક નથી
જામકંડોરણાની ચરેલ શાળામાં ધો. 1થી 5ના પ્રાથમિક શાળાના વર્ગોમાં પણ સ્માર્ટ ક્લાસ શરૂ કરવાની માગ છે તો સાથે જ અહીં દોડ અને કૂદ માટેનો ટ્રેક નથી. જ્યારે સોલાર પેનલ નાખવાની પણ જરૂરિયાત છે. અહીં પણ આચાર્ય બદલાઈ ગયા છે. બાસ્કેટબોલનું મેદાન બનાવવા ડિમાન્ડ મુકવામાં આવી
ગોંડલની સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળામાં 9 શિક્ષકોના સેટઅપ સામે 4 જ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે એટલે કે 5 શિક્ષકોની તો જગ્યા જ ખાલી છે. આ ઉપરાંત આ સ્કૂલમાં બાસ્કેટબોલનું મેદાન બનાવવા માટે ડિમાન્ડ મુકવામાં આવી છે. જોકે, અહીં પણ આચાર્યે બદલી કરાવી દાળિયા ચાલ્યા ગયાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવી શકે તે ઓપરેટર નથી
જેતપુર તાલુકાની મોટા ગુંદાળા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ તો છે, પરંતુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવી શકે તે પ્રકારના કોમ્પ્યુટર ઓપરેટર નથી, જેથી તેની ડિમાન્ડ મુકાઈ હતી. આ સાથે જ સોલાર પેનલ નાખવાની પણ જરૂરિયાત છે. 110 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 28 જ બેન્ચ
વીંછિયાની મોઢુકા તાલુકા પ્રાથમિક શાળામા હાલ ખેલકૂદનુ નાનું મેદાન છે. જે રમત ગમતનું મેદાન મોટું થાય તો ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો વિદ્યાર્થીઓ રમી શકે. સ્કૂલની નજીક આવેલી જગ્યા મળવાની વાત છે. સ્કૂલમાં વર્ષો જૂની બેન્ચ છે. ધોરણ 6થી 8માં 110 વિદ્યાર્થીઓ છે પરંતુ તેમની વચ્ચે માત્ર 28 જ બેન્ચ હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેથી નવી 70 બેન્ચ માટેની માંગણી મુકાઇ છે. આ ઉપરાંત લાઇબ્રેરીમાં ફર્નિચર જ નથી. જોકે, હાલ જે આચાર્ય છે તેની પણ બદલી થઈ ગઈ છે. આ ઉપરાંત સોલાર પેનલની જરૂરિયાત છે. શાળામાં 20ના બદલે 14 જ વર્ગખંડો
મેટોડા પ્રાથમિક શાળામાં પેવર બ્લોક પર કાર્પેટ પાથરી વિદ્યાર્થીઓને રમતગમતની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, જેથી રમતગમતનું મેદાન શરૂ કરવાની માગ છે. 20ના મહેકમ સામે 14 જ વર્ગ ખંડો છે. વિજ્ઞાનના પ્રયોગ કરવા માટેના સાધનો તો છે, પરંતુ લેબ માટે અલગ વર્ગખંડ ન હોવાથી સાયન્સ ટીચરના ક્લાસમાં જ લેબના સાધનો રાખવામાં આવે છે. એક શિક્ષકની પણ ઘટ છે. આ ઉપરાંત અહીં સોલાર પેનલ પણ નથી અહીં પણ આચાર્યની બદલી થઈ ચૂકી છે. વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા નથી
રાજકોટ તાલુકાની આણંદપર પ્રાથમિક શાળા નંબર 2માં સ્કેટિંગ, ફૂટબોલ માટેનું મેદાન નથી. લાઇબ્રેરી માટે અલગ વર્ગખંડ નથી. ધોરણ 6થી 8માં 75 બેંચ છે, પરંતુ તે તૂટેલી છે. જ્યારે ધોરણ 3થી 5માં 195 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમના માટે બેન્ચ જ નથી. જેથી 70 બેંચની માંગણી છે. વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા નથી. જેથી વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્નો સર્જાય તો સુરક્ષા બાબતે મુશ્કેલી સર્જાય છે. અહીં પણ આચાર્ય નવા આવ્યા છે. અહીં આચાર્ય ચિત્રોથી શિક્ષણ માટે બોલતી દિવાલનો પ્રોજેક્ટ અમલમાં મુકવા માગે છે. વિજ્ઞાનના પ્રયોગો શીખવવા અલગ લેબ નથી
કોટડા સાંગાણીમાં આવેલી નવી કન્યા તાલુકા શાળા-વેરાવળમાં રમત ગમતનું મેદાન જ નથી. આસપાસમાં મેદાન નિર્માણ પામી શકે તેવી કોઈ જગ્યા જ નથી. લાઇબ્રેરી માટે વર્ગખંડ નથી. કોમ્પ્યુટર કે વિજ્ઞાનના પ્રયોગો વિદ્યાર્થીઓને શીખવવા માટેની અલગ લેબ નથી. કોન્ટ્રાક્ટ આધારિત 3 જ્ઞાન સહાયકો પર નિર્ભર
જસદણની ખડવાવડી પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વર્ષોથી બેસવા માટેની બેન્ચ જ નથી. 176 વિદ્યાર્થીઓ વચ્ચે તાજેતરમાં જ માંડ 30 બેન્ચ આવી હજુ 50 બેન્ચ ઘટે છે. ધો. 1થી 5માં વિદ્યાર્થીઓનું ભણતર 1 કાયમી શિક્ષક અને કોન્ટ્રાક્ટ આધારિત 3 જ્ઞાન સહાયકો ઉપર નિર્ભર છે, જેથી અહીં 6 શિક્ષકોની જગ્યા ખાલી છે તો ધોરણ 6થી 8માં ભાષાના શિક્ષક જ નથી. અહીં ક્રિકેટના મેદાનની જરૂરિયાત છે. અહીં CCTV કે સોલાર પેનલ નથી. રાજકોટમાં PM શ્રી પ્રોજેક્ટ હેઠળ 18 શાળાઓ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments