રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આજથી શહેરના રેસકોર્સ મેદાનમાં મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેવામાં કથા પૂર્વે સવારે વાજતેગાજતે પોથીયાત્રા નીકળી હતી. મુંજકામાં પોથી પૂજન બાદ વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પોથી યાત્રાનો મોરારિબાપૂએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 2000 જેટલી બહેનોએ મસ્તક પર પોથી રાખી પગપાળા યાત્રા કરી હતી. જેમાં ઠેર-ઠેર બનેલા સ્વાગત સ્ટેજ પર ભગવાન શ્રીરામના ગીતો ગૂંજ્યા હતા. આ તકે પોથીયાત્રામાં જોડાયેલા બાળકો ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા બન્યા હતાં તો અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ પણ જોવા મળી હતી. શહેરના રસ્તા ઉપર નીકળેલી આ પોથીયાત્રાથી સમગ્ર રાજકોટ જાણે રામમય બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. પોથી પૂજનમાં 50થી વધુ યજમાનોએ લહાવો લીધો
આ તકે પોથીયાત્રા પૂર્વે મુંજકામાં પરમાત્માનંદ સરસ્વતીજીનો આશ્રમ આર્ષ વિદ્યામંદિર ખાતે સવારથી જ દિવ્ય માહોલ, પક્ષીઓના કલરવ, હરિયાળી વચ્ચે પોથી પૂજન કાર્યક્રમનો સોમેશ્વર મહાદેવ મંદિરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુરૂ શરણાનંદી (રમણ રેતી), પરમાત્માનંદજી અને મોરારિબાપુએ ઉપસ્થિત રહી શ્લોક ગાન સાથે અને વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત-વૈદોકત મંત્રોચ્ચાર સાથે પોથીજીનું પૂજન કરાયું હતું. આ પોથીપૂજનમાં 50થી વધુ યજમાનોએ લહાવો લીધો હતો. 2000 બહેનો પોથી માથે લઈ યાત્રામાં જોડાઈ
આ વૈશ્વિક રામકથાની શરૂઆત પૂર્વે પ્રથમ ચરણ એવુ પોથીપૂજન બાદ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચી હતી. આ પોથીયાત્રામાં 2000 બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર બીરાજમાન કરી પોથીયાત્રામાં જોડાઈ હતી. સાથે ડી.જે, બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગીની જમાવટ, હાથી, ઘોડાએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતુ. ખોડલધામ મહિલા મંડળની 751 બહેનો દ્વારા પોથીયાત્રામાં પોથીયાત્રાનું પેકિંગ અને ડેકોરેશન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતુ. પ્રમુખ સ્મિતાબેન કાપડિયા, વિલાસબેન રુપારેલીયા, ચંદ્રિકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા સહિતના જોડાયા હતા. આ કથાથી દેશમાં મોટો સંદેશો જશેઃ મોરારિબાપુ
રાજકોટમાં રામકથા પહેલા મોરારિબાપુએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 12 વર્ષ બાદ રામકથાનુ આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ સદ્દભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે છે. આ કથાથી દેશમાં મોટો સંદેશો જશે. જેની મને પ્રશંસા છે. જ્યારે રાજકોટના જામનગર રોડ ઉપર રામપર ગામે રૂ. 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે અને તેના લાભાર્થે રામકથા યોજાઈ રહી .છે ત્યારે તેના માર્ગદર્શક અને સંરક્ષક તેવા ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, મોરારિ બાપુએ બહુ પ્રેમથી ટૂંકી મુદતમાં અમને રામકથા આપી છે. જેને લીધે અમે બાપુનો આભાર માનીએ તેટલો ઓછો છે. જેઓ પોતે આજે મૂંજકામાં સ્થિત મારા આશ્રમમાં પોથીપૂજામાં આજે આવ્યા હતા. વૃક્ષો અને વૃદ્ધોની સેવા માટે રાજકોટના લોકોમાં ઉત્સાહ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે મ્યુનિસિપલ કચેરી પાસે આવેલા સ્ટેજ પરથી મોરારિબાપુએ ફ્લેગ ઓફ કરાવી પોથીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ રામકથાએ વિશિષ્ટ છે. કારણ કે, અહીં માત્ર સદભાવના નથી જોડાઈ, પરંતુ પૂરું રાજકોટ જોડાયું છે. વૃક્ષો અને વૃદ્ધોની સેવા માટે રાજકોટના લોકોમાં ઉત્સાહ છે તેનો આ પડઘો છે. પાયાના કાર્યકરોથી માંડીને ધારાસભ્યો, કોર્પોરેશનના સભ્યો, પાર્ટીના અધિકારીઓ સહિતના એ જે સહકાર આપ્યો છે તેને મારા સહર્ષ નમન છે. સેવા માટે સર્વ જ્ઞાતિના 5000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
સાથે જ જણાવ્યું હતું કે, જે કાર્યકર્તાઓએ કોઈ પણ જાતના સ્વાર્થ વિના અહીં સેવા કરી છે, તેનાથી તેમના જીવનમાં આર્થિક, સામાજિક વૃદ્ધિ થાય તેવા આશીર્વાદ છે. દરરોજ 500 જેટલાં કાર્યકર્તાઓ 15 દિવસથી અહીં ભોજન કરે છે. અમે જ્યારે ઓનલાઇન મૂક્યું કે રામકથામાં સેવા માટે એકત્રથાઓ. ત્યારે સર્વ જ્ઞાતિના 5000 કાર્યકર્તાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું અને તેથી અમારે તે રજિસ્ટ્રેશન બંધ કરવું પડ્યું.