ગામ હોય કે શહેર લાઈટ, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધા આપવીએ તંત્રની જવાબદારી સાથે ફરજ પણ છે. રહીશોને સરકારી વેરો ભરવા છતાં આવી સુવિધા ના મળે ત્યારે જનતા રોષે ભરાયએ સ્વાભાવિક છે. ત્યારે મેઘરજના પંચાલ રોડ, ઇન્દિરાનગર વિસ્તારમાં રસ્તા અને પાણીની સમસ્યાને લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મેઘરજના ઇન્દિરાનગરમાં લગભગ 150 લોકોની વસ્તી છે. ગરીબ અને શ્રમિક લોકો રહે છે. આ લોકોને છેલ્લા છ દિવસથી પાણી નથી મળ્યું હોવાને જેના કારણે રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. પાણી માટે આ વિસ્તારમાં હેન્ડપમ્પ કે અન્ય કોઈ વૈકલ્પીક વ્યવસ્થા પણ નથી જેથી જનતા ખૂબ પરેશાન છે. એકાદ બે દિવસ ચલાવી શકાય પણ સતત છ દિવસ સુધી પાણી ન આવે એ વિસ્તારની શું હલાત થાય ? આ વિસ્તારમાંથી પસાર થતા મેઘરજ પંચાલ રોડ પર ગટર લાઈન કરી એ વખતની લાઇન લિકેસ છે. જેના કારણે મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અનેક વખતે અકસ્માતો થયા છે. વાહનચાલકો, રાહદારીઓ અને વેપારીઓ ખૂબ જ હેરાનગતિ વેઠી રહ્યાં છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈ સ્થાનિક રહીશો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પંચાલ રોડ પર એકત્રિત થયા હતા અને રસ્તો બ્લોક કરી ચક્કાજામ કર્યું હતું. વાહનચાલકો પણ રસ્તો રોકવાથી અટવાયા હતા. સમગ્ર બાબતની જાણ સત્તાધીશોને થતા તરત જ દોડી આવ્યા હતા. પાણી ચાલુ કરાવવા અને રસ્તા બાબતે આશ્વાસન આપી સમજાવટ કરતા રસ્તો ખુલ્લો કરાયો હતો.