માણસા તાલુકાના અંબોડ ગામમાં બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી 22 હજાર રોકડ ચોરી તસ્કર ઘરની બહાર નીકળી રહ્યો હતો. એજ ઘડીએ મકાન માલિક સાથે ભેટો થઈ જતાં ચોરનાં મોતિયા મરી ગયા હતા અને એક્ટિવા લઈને ભાગવા જતાં સ્લીપ ખાઈને પડી હતો. જેને મકાન માલિક સહિતના લોકોએ પકડી લઈને પોલીસને હવાલે કરી દેવાયો હતો. આ અંગે માણસા પોલીસે કુબેરનગરના ચોરની ધરપકડ કરી વધુ પૂછતાંછ હાથ ધરી છે. માણસા તાલુકાના અંબોડ ગામના આનંદપુરામાં રહેતા ઉપેન્દ્રસિહ દશરથસિહ ચાવડા ખેતી કરી પરિવારનુ જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના સમયે તેઓ પોતાના પરિવાર સાથે ગાંધીનગર લગ્ન પ્રસંગ આવવા માટે નિકળ્યા હતા. અને બપોરના સમયે ઘરે પરત ફર્યા હતા. એ વખતે ઘરના મુખ્ય દરવાજાનુ લૉકનો નકુચો તૂટેલી હાલતમાં જોઈને ચોંકી ઉઠયા હતા. જેથી તેમણે ઘરમાં જઈને તપાસ કરતા લોખંડની તિજોરીનો દરવાજો પણ ખુલ્લો જોવા મળ્યા હતો. એજ વેળાએ એક ઇસમ ઘરની અંદરથી બહાર નિકળ્યો હતો. જેને ઉપેન્દ્રસિહે પૂછતાંછ કરતાં તેણે કોઈ સંતોષજનક જવાબ આપ્યો ન હતો અને એક્ટિવા લઈને ભાગવા માંડ્યો હતો. જેથી કરીને ઉપેન્દ્રસિહે બુમાબુમ કરી મુકતા ઘરના બીજા સભ્યો ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન ભાગવાના ચક્કરમાં એક્ટિવા સ્લીપ ખાઈ જતાં ઈસમ નીચે પડી ગયો હતો. જેને બધાએ પકડી લઈ પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ હરીશ પુનમભાઇ રાઠોડ (રહે.કુબેરનગર અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ઉપેન્દ્રસિહે ઘરમાં વિગતવાર તપાસ કરતા સર સામના પણ વેર વિખેર હાલતમાં પડ્યો હતો અને તિજોરીમાંથી 22 હજાર રોકડા પણ ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. જેની જાણ થતાં માણસા પોલીસે હરીશ રાઠોડની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ પૂછતાંછ હાથ ધરી છે.