અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બૂટલેગર અને તેની ગેંગે બે યુવકને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક કાગડાપીઠ અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે ફરી એકવાર ગુરૂવારે ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ જતાં DCP ઝોન 6 દ્વારા ફરજ પર બેદરકારી દાખવવા બદલ ASI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ચોરીનો આરોપી ચપળતા પૂર્વક પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ કર્મચારીઓ કામમાં એકદમ તલ્લીન હતા ત્યારે ચોરીનો આરોપી ચપળતા પૂર્વક જતો રહ્યો હતો. જ્યારે પોલીસ કર્મચારીને ખબર પડી ત્યારે તેને શોધવા માટે અનેક ટીમો બનાવી હતી. જોકે, પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો, પરંતુ ફરજ પર બેદરકારી બદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલને DCP ઝોન 6 દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો હતો
કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ટીમ્બર માર્કેટ પાસેની ગૌતમનગર સોસાયટીમાં હીતેશ ઉર્ફે રોકી રમેશ વાઘેલા રહે છે જેને ગુરુવારે કાગડાપીઠ પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. હીતેશ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો હતો. પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ કાર્યવાહી થઇ ગઇ હતી, ત્યારે પોલીસ સ્ટેશનથી તે ફરાર થઇ ગયો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો હતો. ફરજ પર બેદરકારી દાખવવા બદલ બંને પોલીસકર્મી સસ્પેન્ડ
આ બનાવની ગંભીરતા બાબતે DCP ઝોન 6 દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ASI કિરણસિંહ અર્જુનસિંહ અને હેડ કોન્સ્ટેબલ ભરત કુમારની બેદરકારી સામે આવી હતી. ઝોન 6 ડીસીપી દ્વારા ફરજ પર બેદરકારી દાખવવા બદલ બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.