ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટરબોંબ ફોડ્યા બાદ હવે ફરી પ્રેસ કોન્ફરન્સ યોજી હરિગિરિ મહારાજને ભવનાથ મંદિરેથી હટાવવા તેમજ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે, જો આમ નહીં થાય તો 1 ડિસેમ્બરે હજારોની સંખ્યામાં સાધુ સંતો ધર્મ પ્રેમી લોકોને લઈ ભવનાથ મંદિરનો કબજો લઈ લેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે… મહેશગિરિની ત્રણ મુખ્ય માંગણીઓ
ભૂતનાથ મહાદેવના મહંત મહેશગિરિ મહારાજએ પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિરમાં મહંતની નિયુક્તિને લઇ વિવાદ ચાલી રહ્યો છે. અને તે સમયે પણ મેં કહ્યું હતું કે, હું અખાડાની વિરુદ્ધમાં નથી પરંતુ એક વ્યક્તિના કારણે અખાડાની શાખ જોખમમાં મુકાય છે. તો એ વ્યક્તિને લઇ સૌએ વિચાર કરવો જોઈએ અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. મારી ત્રણ મુખ્ય માંગણીઓ છે, પહેલી કે, ભવનાથનો ઓર્ડર તાત્કાલિક રદ્દ કરવામાં આવે. બીજી કે, હાલના કલેક્ટરની બદલી કરવામાં આવે અને ત્રીજી કે, અબાંજી મંદિરનો વહીવટ તાત્કાલિકપણે થોડાસમય માટે મામલતદાર-અધિકારીઓને સોંપવામાં આવે.. ‘હરિગિરિએ ભવનાથનો ગેરકાયદેસર કબજો લીધો છે’
અગાઉ પણ મેં અહીંના સ્થાનિક ચાર સંતો સાથે મુખ્યમંત્રીને આ બાબતે દોઢ વર્ષ પહેલાં કેશોદ એરપોર્ટે પર મળી અહીંની વાસ્તવિકતા જણાવી હતી. અહીંના ધારાસભ્ય સંજય કોરડીયા, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પુનિત શર્મા, કિરીટ પટેલ આ વાતના સાક્ષી છે. તે સમયે મુખ્યમંત્રીને મેં કહ્યું હતું કે, જુનાગઢ ભવનાથનો ગેરકાયદેસર રીતે કબજો હરિગિરિએ લીધો છે. આ બાબતે ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. ત્યારે ભવનાથ મંદિરના કબ્જાને લઈ હરિગિરિ મામલે વારંવાર મારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આટલી વખત ફરિયાદ કરવા છતાં પણ અહીંના સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે કેટલા રૂપિયાનો વહીવટ તંત્ર સાથે કરવામાં આવ્યું હશે અને જો ન કરવામાં આવ્યો હોય તો શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? ‘મુખ્યમંત્રીની સૂચના બાદ પણ હરિગિરિને નિમણૂક પત્ર આપ્યો’
મુખ્યમંત્રી દ્વારા જ્યારે હરિગિરિ મહારાજને ભવનાથ મંદિરના મહંત તરીકે હટાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. છતાં ચાર મહિના અગાઉના કલેક્ટર રચિત રાજ દ્વારા ભવનાથ મંદિરના મહંત તરીકે ફરી હરિગિરિ મહારાજને નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. અગાઉના પાંચ-દસ નામ જુના અખાડાના લેટર પર કરોડો રૂપિયા હરિગિરિ દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે શું કલેક્ટર રચિત રાજ અને હરિગિરિ વચ્ચે પણ રૂપિયાનો વહીવટ થયો હશે? ‘હાલના કલેકટરની પણ બદલી થવી જોઈએ’
ભવનાથ મંદિરના મહંત મામલે હાલના કલેક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પહેલાના કલેકટર રચિત રાજના સમયથી લઈ અત્યાર સુધીમાં દોઢથી બે વર્ષ જેટલો સમય વિતવા છતાં પણ હાલના કલેક્ટર દ્વારા ભવનાથ મંદિરના મહંત તરીકે હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે હાલના કલેકટરની પણ તપાસ થવી જોઈએ. હાલના કલેક્ટર પર અમને જરાય વિશ્વાસ નથી. ત્યારે આ કલેકટરની પણ તાત્કાલિક બદલી થવી જોઈએ. અને ભવનાથ મંદિરના મહંત તરીકે હરિગિરિજીને જે નિયુક્ત કરવામાં આવ્યા છે, તે ઓર્ડરને તાત્કાલિક રદ કરવો જોઈએ. કલેક્ટર, મામલતદાર અને અન્ય અધિકારીઓની કમિટી બનાવી સ્થાનિક સંતોની કમિટીમાં નિમણૂક કરવી જોઈએ. ત્યારબાદ બે પાંચ મહિના આ કમિટી દ્વારા મંદિરનો વહીવટ ચલાવવામાં આવે અને સૌને સાંભળ્યા પછી જ કાયમી ધોરણે ભવનાથ મંદિરના મોતની નિમણૂક કરવી જોઈએ. ‘વડાપ્રધાનને પ્રાર્થના,ગિરનારમાં આવું ન થવું જોઈએ’
કોઈપણ આવી ગિરનારને ફૂટબોલ સમજી લાત મારી ચાલ્યું જાય છે. ગિરનારનું સ્તનપાન કરીને મોટો થયો છું નહીં થવા દઉં આવું. ગિરનારમાં સાધુ બન્યો છું અને ગિરનારના સંતોને જો હેરાન કરવામાં આવશે, તો હંમેશા દિવાલ બનીને ઉભો રહીશ. ત્યારે વડાપ્રધાન, ગૃહ મંત્રી, મુખ્યમંત્રી અને અવધેશાનંદ મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે મહેરબાની કરી ગિરનારમાં આવું ન થવું જોઈએ. 1 તારીખે ભવનાથ મંદિરનો કબજો લઈશું
તાત્કાલિક ધોરણે હરિગિરિજીને ભવનાથના મહંત તરીકે કાઢી નાખવા જોઈએ. અહીં ગિરનાર ખરાબ થઈ રહ્યો છે અને સૌ સાથે મળી પોતાના સ્વાર્થના રોટલા શેકી રહ્યા છે. આગામી 1 તારીખ સુધીમાં જો ભવનાથ મહાદેવના મહંત તરીકેનો હરિગિરિ મહારાજની નિમણૂક રદ કરવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં સાધુ સંતો ધર્મ પ્રેમી લોકોને લઈ ભવનાથ મંદિરનો કબજો લઈશ અને તંત્રને ભવનાથ મંદિરનો કબજો સોંપીશ. ચાર વર્ષથી આ તમામ માહિતી હું એકત્રિત કરી રહ્યો છું. ભવનાથ મંદિરના મહંતને અહીંથી કાઢવામાં આવશે, તો હું આ બધું બંધ કરી દઈશ. હરિગિરિજી સાથે જેટલા સાધુ સંતો ફરી રહ્યા છે તેમના તમામ ક્રાઈમ રેકોર્ડ મારી પાસે છે. મહેશગિરિએ આ પહેલાં ફોડ્યો હતો લેટરબોમ્બ
મહંત મહેશગિરિએ આ પહેલાં પણ પત્ર બતાવી મીડિયાને એ પણ જણાવ્યું હતું કે, હરિગિરિજી દ્વારા પૈસાની હેરાફેરી કરી ઘણું જૂઠાણું ફેલાવ્યું છે. અને ત્યારબાદ પણ મેં ઘણી રાહ જોઈ અને મને લાગ્યું કે તાત્કાલિક ધોરણે કલેકટર આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. અને હરિગિરિજી મહારાજ દ્વારા જે પ્રેમગીરી મહારાજને અંબાજી મંદિરના ગાદીપતિ તરીકે નિમણૂક કરી છે તે ઓર્ડરને રદ કરી તંત્ર વહીવટ સોંપાશે પરંતુ અત્યાર સુધી આવું કંઈ થયું નથી. લેટરમાં 11 લોકોને રૂપિયા આપ્યાનો આક્ષેપ
મહેશગિરિએ લેટરમાં આક્ષેપ કર્યો છે કે હરિગિરિએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂક થાય એ માટે જૂદા જૂદા 11 લોકોને રૂપિયા આપ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢના 2 કલેક્ટર તેમજ ભવનાથના સંતોનો સમાવેશ થાય છે. આ પત્રની સામે મહેશગિરિએ હરિગિરિને જાહેરમાં એવો સવાલ કર્યો હતો કે આ પત્ર શું છે એ સ્પષ્ટ કરો. આ પત્ર તમે અખાડામાં દેખાડીને પૈસા ઉપાડ્યા છે કે ભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઊભી કરે છે, એનો જવાબ આપો. પત્ર જૂના અખાડાના લેટરપેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગિરિની સહી અને અખાડાનો ગોળ સિક્કો છે. આ તમામ લોકોએ પોતાને ભવનાથ મંદિરના મહંત બનવા માટે કલેક્ટરનો કાયમી હુકમ થાય એ માટે સહયોગ આપ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. કોને કેટલા રૂપિયા આપ્યા એનો રકમ સાથે પત્રમાં ઉલ્લેખ શું છે સમગ્ર વિવાદ?
જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુ લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં 19 નવેમ્બર, 2024ના રોજ દેવલોક પામ્યા હતા. એ બાદ તનસુખગિરિ બાપુની તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી. જોકે સમાધિ યાત્રા દરમિયાન જ ગાદીને લઈ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં એક તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગિરિ સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઇ વગેરે છે. તો સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ છે. બન્ને પક્ષકારો વચ્ચે ગાદીને લઇને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે.