જોર્ડનની રાજધાની અમ્માનમાં રવિવારે સવારે ઇઝરાયલની દૂતાવાસ પર ગોળીબાર થયો હતો. ગોળીબાર કરનાર બંદૂકધારીને પોલીસે માર્યો છે. જો કે આ કાર્યવાહીમાં 3 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર પોલીસે દૂતાવાસની આસપાસના વિસ્તારને બંધ કરીને ઘેરો વધારી દીધો છે. ઘટનાસ્થળે વધુ પોલીસ દળો અને એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. પોલીસ હુમલામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધ કરી રહી છે. જે વિસ્તારમાં ગોળીબાર થયો હતો ત્યાં અવારનવાર ઈઝરાયલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થાય છે. ગાઝા યુદ્ધ પછી, ઇઝરાયલ વિરુદ્ધ ઘણા પ્રદર્શનો થયા છે. લેબનનમાં ઈઝરાયલના હુમલામાં 20નાં મોત ઈઝરાયલે શનિવારે મોડી રાત્રે લેબનોનની રાજધાની બેરૂત પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 20 લોકોનાં મોત થયા હતા. ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર મોહમ્મદ હૈદરને મારવા માટે કરવામાં આવ્યો હતો. જો કે, ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, હિઝબુલ્લાહે કહ્યું કે હુમલામાં તેનો કોઈ પણ વ્યક્તિ માર્યો ગયો નથી. હિઝબુલ્લાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે હુમલાના સ્થળે તેનો કોઈ કમાન્ડર હાજર નહોતો. હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ વધી શકે છે. લેબનનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હુમલામાં 66 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. બંધકોને મુક્ત કરવાની માગ સાથે પ્રદર્શન હમાસ દ્વારા બંધકોની મુક્તિ માટે ઇઝરાયલની રાજધાની તેલ અવીવ અને જેરૂસલેમમાં શનિવારે મોડી રાત્રે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. મોડી રાત્રે હજારો દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પહેલા હમાસે દાવો કર્યો હતો કે ઉત્તર ગાઝામાં બંધક બનેલી એક ઈઝરાયલી મહિલાનું મોત થઈ ગયું છે. હમાસના અલ-કાસિમ બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું કે એક મહિલા દુશ્મન કેદીનું મોત થયું છે. પ્રવક્તાએ કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ એક અન્ય મહિલા કેદી છે, જેનો જીવ જોખમમાં છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર ઈઝરાયલની સેના આ વિસ્તારમાં મોટા પાયે સૈન્ય ઓપરેશન ચલાવી રહી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ મહિલાના મૃત્યુ સાથે સંબંધિત માહિતી પર કોઈ પુષ્ટિ આપવાનો ઇનકાર કર્યો હતો. આઈડીએફએ કહ્યું કે મહિલાના મૃત્યુ સાથે જોડાયેલી માહિતી એકઠી કરવામાં આવી રહી છે.