આખા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટની TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે 6 મહિના વીતવા છતાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો નથી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાથી આજ દિવસ સુધીમાં કુલ 10 મુદત આપી દેવામાં આવી છે અને હજુ સુધી કેસ ચાર્જફ્રેમ થઇ શક્યો નથી. કેસને ડીલે કરવા માટે આરોપીઓ વકીલ રોકતા ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યો આરોપીઓ વતી કેસ નહિ લડે તેવી સ્વૈચ્છિક જાહેરાત કરેલી હોવાથી આરોપીઓ વકીલ ન મળતા હોવાના બહાના બનાવી રહ્યા છે. જો કે, હવે કોર્ટ દ્વારા આખરી મુદત આપી 3-12-2024ના રોજ બાકી રહેલા 4 આરોપીને વકીલ રાખવા ટકોર કરવામાં આવી છે. જો વકીલ નહિ રાખે તો સરકાર તરફે વકીલ ફાળવી કેસને આગળ ચાર્જફ્રેમ કરવામાં આવશે. સ્પેશિયલ પીપી દ્વારા પરિવારોને ઝડપથી ન્યાય મળે તે માટે આ કેસને ડે ટુ ડે ચલાવવામાં આવે તેવી અરજી પણ કરવામાં આવી છે. 25 મેનો દિવસ ગુજરાત માટે કાળો
25 મે, 2024ને શનિવારની એ સાંજ અને એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો હતો. તંત્રની બેદરકારીના કારણે 3-3 વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં એકાએક આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થઈ ગયા. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને આજે (25 નવેમ્બર) 6 મહિના પૂર્ણ થયા છતાં હજુ આ આગની જ્વાળાઓ બુઝાઇ રહી નથી. આજે પણ આ આગ મૃતકોના પરિવારોના હૃદયમાં સળગતી જોવા મળી રહી છે. કારણ કે, છ મહિના થયા બાદ પણ પીડિત પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે. આ અગ્નિકાંડમાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન, કોઈએ દીકરો તો કોઈએ દીકરી, કોઈએ પતિ તો કોઈએ પિતા ગુમાવ્યા છે. તેમજ એક તો દંપતી જ અનંત યાત્રાએ ઊપડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ કેસમાં 23-07-2024ના રોજ ચાર્જશીટ કોર્ટ રજૂ કરાયા બાદ અત્યાર સુધી 9 મુદત પૂર્ણ થઇ ચૂકી છે અને 10મી મુદત 3-12-2024 આપવામાં આવી છે. જેમાં 15 પૈકી બાકી રહેલા 4 આરોપીઓ વકીલ નહિ રોકે તો સરકાર તરફે વકીલ ફાળવી કેસને આગળ ચલાવવામાં આવશે. જ્યારે સ્પેશિયલ પીપી દ્વારા પરિવારોને ઝડપથી ન્યાય મળે તે માટે આ કેસને ડે ટુ ડે ચલાવવામાં આવે તેવી અરજી પણ કરવામાં આવી છે. TRP અગ્નિકાંડ માનવ સર્જિત કઈ શકાયઃ સુરેશ ફળદુ
રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટના નાના મવા રોડ પર TRP ગેમ ઝોન ખાતે માનવ સર્જિત અગ્નિકાંડ 25-05-2024ના રોજ સર્જાયો હતો. માનવ સર્જિત એટલા માટે કે અહીંયા ઇનલિગલ સ્ટ્રક્ચર છે. ઇનલિગલ બાંધકામ છે. કોઈ ફાયર સેફટીના સાધનો નથી. એક વર્ષ પહેલા પણ વેલ્ડીંગનાં કારણે આગ લાગી હતી, આમ છતાં પણ તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી. ટીપી શાખાએ બાંધકામ ડિમોલિશન માટે 260(1), 260(2) નોટિસ પણ પાઠવી છે, છતાં કોઈ કાર્યવાહી ન થતા 25-05-2024ના રોજ દુર્ઘટના થઇ અને 27 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરી 15 આરોપીની ધરપકડ કરી છે. એક આરોપી પ્રકાશ હિરણનું અગ્નિકાંડમાં મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. કોર્ટમાં કેસ સબમિટ બાદ 9 મુદત પડી
આ કેસ કમિટ 23-07-2024ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. 365 કુલ સાક્ષીઓના નિવેદન સાથેનું ચાર્જશીટ 23-07-2024ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી દ્વારા 07-11-2024ના રોજ ડ્રાફ્ટ ચાર્જ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે. દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરેલ છે અને કેસ ઓપન મુકેલ છે. અત્યારસુધીમાં આ કેસ સબમિટ થતા કુલ 9 મુદત આપવામાં આવી છે અને હવે 10મી મુદત આગામી 3 ડિસેમ્બર 2024 આપવામાં આવી છે. કુલ 15 આરોપી પૈકી 11 આરોપીએ વકીલ રાખ્યા છે અને હજુ બાકીના 4 આરોપીએ વકીલ રાખવાના બાકી હોવાથી 03-12-2024 તારીખ આપવામાં આવી છે. જો આ સુધીમાં વકીલ નહીં રાખે તો સરકાર તરફે વકીલની ફાળવણી કરવામાં આવશે. ચાર આરોપીએ હજુ વકીલ નથી રોક્યાં
તેમને વધુમાં જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોન અગ્નિકાંડ થયા બાદ રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યોએ સ્વૈચ્છીક રીતે પોતાની ફરજ સમજી આ કેસમાં પીડિત પરિવારજનોને ન્યાય મળે એ માટે આરોપીઓ તરફે કેસ ન લડવા નિર્ણય કર્યો છે. 15 આરોપી પૈકી 11 આરોપીએ જે વકીલ રોક્યા છે, તેઓ રાજકોટ બહાર અન્ય શહેર જિલ્લાના વકીલ છે. 9 મુદત સુધી દરેક મુદતમાં આરોપીઓને વકીલ રોકવા કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવતી હતી. જો કે, આમ છતાં આરોપીઓ રાજકોટ બહાર અન્ય જગ્યાએથી વકીલ રાખવા અમને પરવડે તેમ નથી એવા બહાના બનાવી સમય માગી રહ્યા છે. કેસ ડે ટુ ડે ચલાવવા કોર્ટમાં રજૂઆત
આ અંગે સ્પેશિયલ પીપીએ 9મી મુદત દરમિયાન કોર્ટ સમક્ષ લેખિતમાં અરજી કરી છે કે, આ કેસમાં ડે ટુ ડે કેસ ચલાવી પીડિત પરિવારજનોને ઝડપથી ન્યાય આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ઝડપાયેલ તમામ 15 આરોપી હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ઘણા આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજી પણ કરી છે, પરંતુ તમામ અરજીઓને ફગાવી રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી રિજેક્ટ કરેલી છે. જે પૈકી કેટલાક આરોપીઓ હાઇકોર્ટ સુધી પણ જામીન મેળવવા પહોંચ્યા છે. સાતની રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 15 આરોપી પૈકી 7 આરોપીએ જેલમાંથી છૂટવા જામીન અરજી કરી હતી. જે તમામ 7 આરોપીની રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે અને તેમના જામીન નામંજૂર કર્યા છે. જેમાં આરોપી ઈલેશ ખેર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ગૌતમ જોષી, રાજેશ મકવાણા, મનસુખ સાગઠિયા અને જયદિપ ચૌધરીનો સમાવેશ થાય છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના 16 આરોપી
(1) ધવલ ભરત ઠક્કર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર)
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન (TRP ગેમ ઝોન મેનેજર)
(8) મનસુખ ધનજીભાઇ સાગઠિયા (ટાઉન પ્લાનિંગ ઓફિસર, RMC)
(9) ગૌતમ દેવશંકરભાઇ જોષી (આસિસ્ટન્ટ ટીપીઓ)
(10) મુકેશ રામજીભાઇ મકવાણા (આસિસ્ટન્ટ ટીપીઓ)
(11) રોહીત આસમલભાઇ વિગોરા (કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર)
(12) જયદીપ બાલુભાઈ ચૌધરી (ટીપી શાખાના એન્જિનીયર)
(13) રાજેશ નરશીભાઇ મકવાણા (એટીપીઓ)
(14) ઇલેશ વાલાભાઈ ખેર (ચીફ ફાયર ઓફિસર)
(15) ભીખા જીવાભાઈ ઠેબા (ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર)
(16) મહેશ અમૃત રાઠોડ (ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર)