રીતેષ પટેલ
વર્ષ 2025માં 14 જાન્યુઆરથી ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભના પર્વમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી થાય તે માટે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિની ટીમે દેશભરમાં ઘરે-ઘરેથી એક સ્ટીલની થાળી અને કાપડની થેલી આપવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. જેની કાંઠા વિસ્તારના ભીમપોર, ડુમસ, ખજોદ, આભવા, વેસુ,મગદલ્લા સહિતના ગામડામાંથી શરૂઆત થઈ છે.
આમ તો મહાકુંભ 12 વર્ષે એક વાર આવે છે પરંતુ આ વખતે ગૃહનક્ષત્રમાં મહાકુંભ 144 વર્ષ પછી પહેલી વાર આવે છે એટલે તેનું અતિ વિશેષ મહત્ત્વ છે. આને પૂણકુંભ પણ કહેવાય છે. પ્રયાગરાજમાં 14 જાન્યુઆરીથી 26 ફેબુઆરી સુધીમાં મહાકુંભ પર્વ ઉજવાશે. તેમાં અંદાજે 40 કરોડ શ્રદ્ધાળુ આવે તેવી શક્યતા છે. તેમાં રોજનો 1 હજારથી 1200 ટનનો કચરો નીકળી શકે છે. આથી મહાકુંભમાં કચરો ન થાય અને પર્યાવરણની પણ જાળવણી થાય તેવા હેતુથી આરએસએસની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિની ટીમે એક થાળી અને એક કાપડની થેલી ઘરે ઘરેથી ઉધરાણી કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન આધારે આરએસએસના સ્વયંમસેવકો અત્યારે ઘરે-ઘરે જઈ સ્વેચ્છાએ જે લોકો થાળી અને કાપડની થેલી આપવા માંગતા હોય તેમની પાસેથી એકત્ર કરી રહ્યા છે. પછી તેઓ આ થેલી અને થાળી ભેગી કરી પ્રયાગરાજમાં મહાકુંભમાં અખાડામાં પહોચાડશે. એટલું જ નહિ જ્યા ભંડારો ચાલશે ત્યાં પણ થાળી અને કાપડની થેલી આપશે. શ્રદ્ધાળુ તે થાળીમાં મહાપ્રસાદી લઈ પાણીથી ધોઈ પાછી ત્યાં મૂકી દેશે. જેથી પ્લાસ્ટિક કે પેપર ડીશ કે બાજનો ઉપયોગ ન કરવામાં આવે તો કચરો પણ ઓછો નીકળશે.
ટૂંકમાં આ ધાર્મિક કાર્યથી શ્રદ્ધાળુઓમાં બે મેસેજ જશે. જે શ્રદ્ધાળુ કદાચ મહાકુંભમાં જઈ ન શકતા હોય તેવા ઘરેથી થાળી અને કાપડની થેલી આપી પોતાનો સહયોગ મહાકુંભમાં આપશે. બીજો મેસેજમાં જે લોકો મહાકુંભમાં જવાના છે તે ઘરેથી પોતાની થાળી અને કાપડની થેલી સાથે લઈને જશે. આપણા ધર્મમાં પર્યાવરણનું સ્થાન મહત્ત્વનું આપણા ધર્મમાં પર્યાવરણને અતિ મહત્ત્વનું સ્થાન અપાયું છે. એટલે મહાકુંભમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી સંઘની પર્યાવરણ સરક્ષણ ગતિવિધિની ટીમે એક થાળી અને એક કાપડની થેલી ઘરે ઘરેથી એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. મહાકુંભમાં રોજ એકથી દોઢ કરોડ શ્રદ્ધાળુ આવશે. શાહી સ્નાન વખતે સંખ્યા ડબલ થઈ જશે. ટૂંકમાં આ વખતે મહાકુંભમાં 40 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટી શકે છે. આટલી બધી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોય તો ઓછામાં ઓછો કચરો થાય એ આશયથી એક થાળી એક થેલા અભિયાન ચલાવવામાં આવ્યું છે. – વિરલ પ્રજાપતિ, અંબિકા ભાગ, પર્યાવરણ સંયોજક, સુરત