હવામાન વિભાગ દ્વારા બે દિવસ અગાઉ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે ધીમેધીમે રાજ્યભરના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ઠંડીનું જોર ઘટતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ તો ગુજરાતવાસીઓ ફૂલગુલાબી ઠંડીના મૂડમાં આવ્યા જ હતા, ત્યાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ફરીથી ઠંડીનું જોર ઘટ્યું છે. પવનોની દિશા બદલાતાં ઠંડી ઘટશે
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તે હિમાલયના ઠંડા પવનનોને ગુજરાત સુધી ખેંચી લાવે છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી ગુજરાત પર પવન આવવાના હોવાથી ઠંડીના ચમકારામાંથી રાહત મળવાની સંભાવના છે. જ્યારે વહેલી સવારે શહેરમાં ધુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં રાજ્યભરમાં દાહોદમાં સૌથી ઓછું 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. 26 નવેમ્બર,1968ની વડોદરાની ઠંડીનો રેકોર્ડ
નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે. તેવામાં વર્ષ 2020માં 23 નવેમ્બરના રોજ ઠંડીનો પારો 13.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે છેલ્લાં 4 વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો પારો 13થી 15 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. મહત્ત્વનું છે કે, 26 નવેમ્બર,1968ના રોજ વડોદરામાં 6 ડિગ્રી પારો નોંધાયો હતો, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ચાર મહાનગરોના તાપમાનમાં વધારો
ગત રાત્રે નલિયામાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.1 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું. આ ઉપરાંત દર્દીના ચાર મહાનગરમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી સેલ્સિયસ વધીને 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.8 ડિગ્રી અને સુરતમાં 21 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાવ્યું હતું.