પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. જે બાળકને આરોપી સુરેશ નિષ્કા હોસ્પિટલમાં લઇ આવ્યો હતો, એજ બાળકને એકાદ મહિના બાદ નીરવ મોદી લઇને આવ્યા હોવાનો નિષ્કા હોસ્પિટલના ડોક્ટરે ખુલાસો કર્યો છે. જેમાં તેમણે આરોપી સુરેશ સાથે કોઇ કનેક્શન ન હોવાની વાત કરી છે. તો બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અધ્ધ કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લા તલ્લા કર્યા છે. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે ઉજાગર થયો હતો. પરિવાર સાથે રૂ.51ના ટોકનથી ખેલ શરૂ થયો હતો. જોકે, થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતાં પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતાં બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બિમારી હોવાનું માલૂમ પડ્યું હતું. આ આખી ઘટનામાં બાળકને જે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું એ નિષ્કા હોસ્પિટલના ડોક્ટરે ખુલાસો કર્યો છે. પ્રથમ 25 દિવસ બાળકની સારવાર કરાઇ: ડો. દિવ્યેશ શાહ
નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહે જણાવ્યું હતું કે, આ બાળક 18 ફેબ્રુઆરી 2024ના રોજ નિષ્કા હોસ્પિટલમાં એડમિટ કર્યું હતું. બાળકનું વજન જન્મ વખતે 1 કિલોને 100 ગ્રામ, બાળકની મેચ્યોરીટી સાતા સાત મહિના હતી અને બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓેક્સિજનનું પ્રમાણ 65થી 70 હતું. એ દિવસે રાત્રે સુરેશ ઠાકોર બાળકને લઇને આવ્યો હતો અને કહ્યું હતું કે, ક્રિટીકલ હાલતના લીધે રાધનપુરમાં અને પાટણમાં આ બળકને કોઇ દાખલ રાખતું નથી. એટલે અહીં એડમિટ કરીને ફેફસા વિકસાવાનું ઇન્જેક્શન આપીને લગભગ 25 દિવસ સારવાર કરીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો અને બાદમાં બાળકને સુરેસને પરત આપવામાં આવ્યું હતું. ડિસ્ચાર્જના પાંચ દિવસ બાદ ફરીથી બાળકને લવાયું: ડો. દિવ્યેશ શાહ
દિવ્યેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખતે બાળકને સારવાર કરાવવા માટે લાવવામાં આવ્યું ત્યારે એની સાથે આવેલા સુરેશ ઠાકોર અને એક બહેન આવ્યા હતા. બાળકની અંદાજિત 25 દિવસ સારવાર કરીને ડિસ્ચાર્જ કર્યાના ચાર પાંચ દિવસ બાદ માર્ચમાં નિરવ મોદી અને એમની સાથે એક બહેન હતા એ લઇને આવ્યા હતા. ત્યારે ફરીથી આઇસીયુંમાં એડમિટ કરવામાં આવ્યું હતું. બાળકની કન્ડિશન જોઇને અમે એડમિટ કર્યું હતું અમને એવું જ કહેવામાં આવ્યું હતું કે આ બાળકના માતા-પિતા એ જ છે. બાદમાં મને શંકા ગઇ હતી. બાળકના ખર્ચ પેટે થયેલા નાણાના તમામ બીલ એસ.પી ઓફિસે જમા કરાવેલું છે. મેડિકલ લાઇનનો હોવાથી હું સુરેશને નામથી ઓળખું છું, બાકી મારે એની સાથે કોઇ કનેક્શન નથી. આ ઘટનામાં મારો કોઇ રોલ જ નથી: નરેન્દ્ર દરજી
બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અધ્ધ કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લા તલ્લા કરતાં જણાવ્યું હતું કે, હું આરોપી સુરેસ અને ફરિયાદી નીરવને ધંધાકીય ઓળખું છું, બાકી મારે એમની સાથે કોઇ લેવા દેવા નથી. આ ઘટનામાં મારો કોઇ રોલ જ નથી. મેં નીરવ મોદીને બાળક માટે ફોન જ નથી કર્યો. જ્યારે અમરતભાઇ મારા સાથી કર્મચારી છે. નીરવ મોદી અને સુરેશ ઠાકોર અહીંયા આવતાં હોવાથી અમે ધંધાકીય ઓળખતા હતા, બાકી અમારે કંઇ લેવા દેવા નથી, આ ફરિયાદ ખોટી છે. એક નહીં 10થી વધુ બાળકોની તસ્કરી થઇ: ધારાસભ્ય
આ ઘટના અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પાટણમાં બાળ તસ્કરીનો જે ગુનો બન્યો છે એ ગંભીર ગુનો છે. જે વ્યક્તિ ધોરણ 10 ફેલ છે, એ વ્યક્તિ મલ્ટી સ્પે લિસ્ટ હોસ્પિટલ ચલાવે જ કેવી રીતે? સરકાર એક તરફ આરોગ્યને લઇને મોટી મોટી વાતો કરે છે તો શું પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અગાઉ પણ આ નકલી ડોક્ટરના વિરોધમાં બેથી ત્રણ ફરિયાદો થઇ ચૂકી છે. સરકાર વિધાનસભામાં આવા દુષણો ડામવાની વાત કરે છે અને આવા ચમરબંધીને ન છોડવાની વાતો કરે છે. તો કયા ચમરબંધીને એમણે પકડ્યા? જે રીતે ખ્યાતિ હોંસ્પિટલમાં બનાવ બન્યો, અંધાપાકાંડ થયો અને અગ્નિકાંડ થયો..સરકારી હોસ્પિટલોમાં પણ આ રીતના બનાવો બને છે એ ગંભીર પ્રકારનું કૃત્ય છે. આ ઘટનામાં એક નહીં 10થી વધુ બાળકોની તસ્કરી થઇ હોવાની અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહીં છે? નીરવ મોદી કરીને જે ફરિયાદી છે એ ફરિયાદી હાલ ક્યાં છે? એની પણ તપાસ થવી જોઇએ. આ ઉપરાંત આ ઘટનામાં સરકારી અધિકારીએ ફરિયાદી બનીને આ બાબતની તપાસ થવી જોઇએ. શું છે સમગ્ર ઘટના
પાટણના સાંતલપુરના કોરડા ગામે બે દિવસ પૂર્વે ડીગ્રી વગર ઘરમાં હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતાં પકડાયેલા નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે સામે હવે વધુ એક આઠ માસ પહેલાં નિ:સંતાન દંપતીને રૂ.1.20 લાખમાં બાળક વેચાણ કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો હતો. નીરવ મોદીએ કરેલી ફરિયાદ મુજબ પાટણમાં રહેતા અને દવાની દુકાનમાં નોકરી કરતાં નીરવ મોદીને સંતાન ન હોવાથી પાટણની નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ કહ્યું કે તેમની હોસ્પિટલમાં ઘણી વખત અનાથ બાળકો આવતા હોય છે. અનાથ બાળક દત્તક લેવાનું કહેતાં નીરવ મોદીએ જાણ કરવા કહ્યું હતું. 1.20 લાખમાં સોદો નક્કી થયો ને રૂ.51 ટોકન અપાઇ
આ ઘટનાના થોડા દિવસ બાદ નિષ્કા હોસ્પિટલમાં નોકરી કરતા અમરત રાવળે નીરવ મોદીને ફોન કરી કહ્યું કે નરેન્દ્ર દરજીએ ફોન કરવાનું કહ્યું છે. અમારી હોસ્પિટલમાં એક અનાથ બાળક(બાબો) આવેલ છે. તેમ જણાવતાં ત્યાં જતાં તબિયત નાજુક હોઈ બાળકને આઇસીયુમાં રાખેલું હતું. નીરવ મોદીએ આ બાળક કોણ લઈને આવ્યું છે તેમ પૂછતાં અમરત રાવળે કહેલું કે કોરડાના સુરેશ ઠાકોર બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવી ઘરે ગયા છે. સુરેશ ઠાકોર બાળકની ખબર કાઢવા પાટણ આવતાં અમરતે વાત કરાવી હતી. બાળક અંગે નીરવ મોદીને સુરેશ ઠાકોરે કહ્યું હતું કે આ બાળક અનાથ છે કોઈ વાલી વારસ નથી. આ બાળક જોઈતું હોય તો બાળક સ્વસ્થ થાય તો તમે લઈ જજો અને રૂ.1.20 લાખ આપવાનું નક્કી કર્યું હતું અને રૂ.51 ટોકન પેટે આપવામાં આવ્યા હતા. બાળકના જન્મનું પ્રમાણપત્ર પણ આપ્યું
આ બાદ હોળીના 2-3 દિવસ પછી બાળકને સારું થઈ જતાં સુરેશ ઠાકોરને રૂ.50 હજાર આપી નિષ્કા હોસ્પિટલમાંથી બાળકને લઈ જવાનું નક્કી કરી ડોક્ટરને મળતાં બાળક હેલ્ધી હોવાનું કહીં તેમને રૂ.10 હજારનું બિલ આપતા તેમણે 5 હજાર આપી દવાખાનેથી બાળકને લઈ ગયા હતા. અઠવાડિયામાં બાળકનું નામ વંશ રાખી સુરેશ ઠાકોરને બાળકના જન્મ પ્રમાણપત્ર અંગે વાત કરતા તેમણે નીરવ મોદી અને તેમની પત્નીના આધારકાર્ડ વોટ્સએપથી મંગાવ્યા હતા. દસેક દિવસ બાદ સુરેશ ઠાકોર પાટણ આવી નીરવ મોદીને બાળકના જન્મનું પ્રમાણપત્ર આપ્યું હતું. જેથી બીજા સુરેશ ઠાકોરને રૂ.50 હજાર આપ્યા હતા. સુરેશ ઠાકોરને બાળક દત્તક લેવાના કાગળો કરી આપો તેમ કહેતાં સુરેશ ઠાકોરે કહેલું કે તમારે એની કંઈ જરૂર નથી દત્તકના કાગળો હવે ન થઈ શકે એટલા માટે મેં તમારા નામનું બાળકનું જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે. બાકી રુપિયા પરત ન આપતા મામલો સામે આવ્યો
આ ઘટનાના 10 દિવસ બાદ બાળકની તબિયત લથડતાં અને અચાનક બાળકનું માથું મોટું થઈ જતાં પરિવાર તેને હોસ્પિટલ લઈને જાય છે. ખાનગી હોસ્પિટલમાં બાળકનું સ્કેન થતાં તેના માથામાં પાણી ભરાય જવાનો પ્રોબ્લેમ છે એવું ડોક્ટરે નીરવ મોદીના પરિવારને જણાવ્યું હતું. આ વાત જાણી પરિવાર ગભરાઈ ગયો હતો અને સુરેશને ફોન કરીને હવે બાળકના દત્તકના કાગળ બનાવી આપતા નહીં અને બાળકને બિમારી છે જેથી તેને પરત લઈ જાઓ તેમ કહ્યું હતું. આ ઘટનાના થોડા દિવસ બાદ સુરેશ બાળકને આવી ને લઈ ગયો હતો. યુવક દ્વારા પૈસા પરત માંગતા સુરેશે કહ્યું હતું કે, હવે આ બાળકને કોઈ લેશે નહીં એટલે તેને આશ્રમમાં મુકવું પડશે. યુવક દ્વારા સતત પૈસાની માંગણી કરતા સુરેશ 30,000 રૂપિયા પરત આપી દીધા હતા, પરંતુ બાકીના રૂપિયા ન આપતા યુવક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ પણ વાંચો: ICUમાં એડમિટ માસૂમનો 1.20 લાખમાં સોદો