‘સત્ય’ અને ‘રંગીલા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા પર સંકટના વાદળ ઘેરાયા છે. આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમ હૈદરાબાદમાં રામ ગોપાલ વર્માના ઘરે પહોંચી હતી. કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ અપમાનજનક વાતો કહી હતી. રામ ગોપાલ વર્માને આ કેસમાં પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયા નહોતા. રામ ગોપાલ વર્મા શહેર છોડી ભાગી ગયા?
ઓંગોલ પોલીસ અધિકારીઓ રામ ગોપાલ વર્માના ઘરે પહોંચ્યા, ત્યારે તેમને ફિલ્મમેકર મળ્યા નહીં પરંતુ પોલીસે તેમના ઘરે દરોડા પાડ્યા. કારણ કે તે સતત બીજી વખત તપાસ માટે અધિકારી સમક્ષ હાજર થયા નહતા. અહેવાલ અનુસાર, આ કેસમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. જ્યારે પોલીસને ખબર પડી કે ફિલ્મમેકર ઘરે નથી, ત્યારે ભારે ડ્રામા થયો અને માનવામાં આવી રહ્યું છે કે તે ધરપકડથી બચવા માટે કોઈમ્બતુર રવાના થઈ ગયા છે. રામ ગોપાલ વર્માએ ફિલ્મ ‘વ્યોહમ’ દરમિયાન આંધ્રપ્રદેશના સીએમ, ડેપ્યુટી સીએમ અને મંત્રી લોકેશ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરી હતી, જેના કારણે આંધ્રપ્રદેશ પોલીસે તેમની અટકાયતની માગ કરી છે. આંધ્રપ્રદેશના સીએમની છબી ખરાબ કરવાનો આરોપ
ગયા અઠવાડિયે રામ ગોપાલ વર્માએ પોલીસ સમક્ષ હાજર થવા માટે ચાર દિવસનો સમય માંગ્યો હતો. આરોપ છે કે તેમણે સીએમ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, માહિતી અને ટેક્નોલોજી મંત્રી નારા લોકેશ અને અન્યની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. 11 નવેમ્બરના રોજ, પોલીસે તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા રામલિંગમની ફરિયાદ પર ફિલ્મમેકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ કલમો હેઠળ ગુનો દાખલ
રામ ગોપાલ વર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવાદાસ્પદ વાતો લખી હતી. રામ વિરુદ્ધ BNS એક્ટની કલમ 336 (4) અને 353 (2) અને IT એક્ટની કલમ 67 હેઠળ માડ્ડીપાડુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. 13 નવેમ્બરે પોલીસે રામ ગોપાલ વર્માને નોટિસ પાઠવી હતી અને તેમને માડ્ડીપાડુ પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી રામ ગોપાલ વર્માએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ કોર્ટે તેમને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો. રામ ગોપાલ વર્માએ તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો અને વચગાળાની જામીન અરજી કરી હતી. શું છે સમગ્ર મામલો?
રામ ગોપાલ વર્મા હંમેશા રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ નિવેદન આપતા રહ્યા છે. તેઓ YSR કોંગ્રેસ પાર્ટીના સમર્થક છે અને ચંદ્રબાબુ નાયડુ અને તેમની પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે. રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘વ્યુહમ’ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2009 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તત્કાલિન મુખ્યમંત્રી YSR રાજશેખર રેડ્ડીના મૃત્યુ અને તેમના પુત્ર જગન મોહન રેડ્ડીની રાજકીય સફરની આસપાસ ફરે છે. આ ફિલ્મ ગયા વર્ષે આંધ્ર પ્રદેશની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન રિલીઝ થવાની હતી, જો કે વિવાદને કારણે ફિલ્મને મોકૂફ રાખવી પડી હતી. તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે આ ફિલ્મ તેમના પરિવારની છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવી હતી. વિવાદો વચ્ચે, રામ ગોપાલ વર્માએ ફિલ્મના પ્રમોશન દરમિયાન ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેમાં તેમણે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, ડેપ્યુટી સીએમ અને મંત્રી લોકેશ વિરુદ્ધ વાંધાજનક વાતો લખી હતી. તેમણે પોતાનો એક મોર્ફ કરેલો ફોટો પણ પોસ્ટ કર્યો હતો, જેના આધારે હવે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિવાદો પછી, 13 ડિસેમ્બર 2023 ના રોજ, ફિલ્મ ‘વ્યુહમ’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ફિલ્મ 2 માર્ચ 2024 ના રોજ રિલીઝ થઈ હતી.