રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતીભાઈ સરધારા પર જૂનાગઢ પી.આઇ. સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં પી.આઇ.પાદરીયાએ ખોડલધામ અને સરદારધામ વચ્ચેના વેર ઝેર છે અને નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ કહી હુમલો કર્યો હતો. હાલ જયંતિભાઈ સરધારા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, જયંતિભાઈ સરધારા સરદારધામના ઉપપ્રમુખ છે. નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ
જયંતીભાઈ સરધારાએ ઈજાગ્રસ્ત હાલતમાં જણાવ્યું હતું કે, કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમા પી.આઇ. સંજય પાદરીયાએ મને સાઈડમાં લઇ જઈ એવું કહ્યું કે, તું સમાજનો ગદાર છો તે સરદારધામમાં ઉપપ્રમુખ ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ. એટલે મેં કહ્યું હું તો સામે થયો જ છું. મેં કોઈ પાપ નથી કર્યું અને મેં કોઈ ખરાબ કામ નથી કર્યું. સરદારધામના કોઈ કાર્યક્રમમાં જાઈશ તો મારી નાખીશ એવી ધમકી આપી
તેમને વધુમાં જણાવ્યું હતું કે, હું મારા ભાણેજના પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન રસ્તામાં મને ગાડીમાંથી ઉતારી હથિયાર સાથે મારા માથા ઉપર હુમલો કર્યો હતો. જેથી, હું બેભાન થઇ પડી ગયો હતો. ઉભો થતા પાછો એ મને સરદારધામના કોઈ કાર્યક્રમમાં જાઈશ તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ પછી હું પાછો ગાડીમાં બેસી જવા જતો હતો ત્યારે ગાડીમાં પાછળ હથિયાર લઈને દોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ જયંતિ સરધારા રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરદારધામ માંથી રાજીનામું આપવા દબાણ કરે છે
જયંતીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે, તેઓ મને અવારનવાર ધમકી આપે છે. હું માત્ર મારી સેવાકીય પ્રવૃત્તિમાં જ ધ્યાન આપું છું. અને સેવકાર્યો માટે હું ખોડલધામમાં પણ જાવ છું. મને કહ્યું કે જાનથી મારી નાખીશ તું સરદારધામ માંથી રાજીનામું આપી દે. એવું પણ કહે છે કે તમે કડવા પટેલનાં ખોળે બેસી ગયા છો. અને તમને ભાજપની હવા છે. હું તો એવું ઇચ્છતો હતો કે, બંને સંપીને સેવાકીય કાર્યો કરે. મારા માથે રિવોલ્વરનો પાછળનો ભાગ માર્યો પછી રિવોલ્વર માથે મૂકીને કહ્યું કે મારી નાખીશ તો આટલી વાર લાગશે. ત્યાં બે લોકો આવી ગયા હતા. ખોડલધામને સરદારધામ ગમતું નથી તેવું સ્પષ્ટ લાગે છે. મને કહ્યું કે તું હમણાં બવ હાઇલાઇટ થઈ રહ્યો છે. અમે નક્કી કર્યું છે કે તને મારી જ નાખવો છે. તેણે મને કહ્યું હતું કે મેં અને નારેશભાઈએ નક્કી કર્યું છે કે તને મારી નાખવો છે. એટલે તેણે નરેશભાઈનાં ઈશારે જ હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. જયંતીભાઈના કઝીન મનસુખભાઈ સરધારાએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, બંને લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. જયંતીભાઈ ત્યાંથી બહાર જવા નીકળ્યા ત્યારે સંજયભાઈ પાદરિયા નામના પીઆઇ તેમની રાહ જોઈ ઉભા હશે. અને તેમણે હથિયાર વડે માથામાં ઓચિંતો હુમલો કર્યો હતો. જેને લઈને જયંતીભાઈને ચક્કર આવી જતા તેઓ બેભાન થઈને પડી ગયા હતા. બાદમાં તેમને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલો ક્યાં કારણે થયો તે તો જયંતીભાઈને જ સાચી ખબર હશે.