back to top
Homeગુજરાતવલસાડમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર કેસમાં ઘટસ્ફોટ:રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ...

વલસાડમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર કેસમાં ઘટસ્ફોટ:રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો, 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી, ખોફનાક કહાણી

વલસાડ જિલ્લાના પારડીનાના મોતીવાળા રેલવેફાટક પાસે 14 નવેમ્બરે બી.કોમ.ની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીની જ્યારે પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન આરોપીએ અનેક ખુલાસાઓ કર્યા હતા. જે જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી. રેપનો આ આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો છે. જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હતી. આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે. પારડીની ઘટનાના 11માં દિવસે આરોપી ઝડપાયો
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે 2 હજારથી વધુ CCTV ફુટેજ ચેક કરીને શકમંદનું પુછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈને ઘટનાના 11માં દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઘટના સમયે પહેરેલા કપડાંથી આરોપીની ઓળખ થઈ હતી. વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ ટેકનીકલ એનાલીસીસ આધારે યુકિત પ્રયુકિતથી તેમજ આરોપીના કબજામાંથી મળી આવેલ અલગ અલગ મોબાઈલ ફોન તેમજ ચાકુ અને અન્ય સરસામાન, રોકડા રૂપિયા બાબતે સઘન પુછપરછ કરતા આરોપીએ છેલ્લા 25 દિવસમાં પારડી સહિત અલગ અલગ રાજ્યોમાં દુષ્કર્મ અને 5 હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે આવો જાણીએ 25 દિવસમાં 5 હત્યા કરનાર સિરિયલ કિલરની ખોફનાક કહાણી… તારીખ-25-10-2024 કર્ણાટક રાજ્યમાં સામાન્ય બાબતે એકની હત્યા કરી
કર્ણાટક રાજ્યના મેંગ્લુર નોર્થ સબ ડીવિજનના મુલ્કી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 310(3) મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં જણાવાયા અનુસાર આ આરોપી બેંગ્લુરૂથી મુર્દેશ્વર જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેનમાં તેની સાથે મુસાફરી કરી રહેલા એક અજાણ્યા ઈસમ સાથે બીડી પીવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ આ અજાણ્યા ઇસમનું ટ્રેનમાં ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં આ અજાણ્યા ઈસમ પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય સર સામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. તારીખ-14-11-2024
પારડીમાં વિદ્યાર્થિનીનો રેપ કરી તેની હત્યા કરી નાખી
પારડી તાલુકામાં બનેલી ઘટના વિશે વાત કરીએ તો આરોપી રાહુલ જાટ દાદરની વાપીની ટ્રેનમાં તે દિવસે 2 વાગ્યાની આસપાસ ઉતર્યો હતો. વાપીથી ઉજ્વલા જતી ટ્રેન તેને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ જેથી તે પ્લેટફોર્ટ 2 પરથી તે પ્લેટફોર્મ 1 પર આવીને તે ટ્રેનના છેલ્લા દિવ્યાંગ ડબ્બામાં બેસી ગયો હતો. જે બાદ 2-30 ટ્રેન ઉજ્વલા પાસે આવી ત્યારે તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જઈ રહ્યો હતો. ત્યારે જ આ યુવતી કે જે ટ્યુશનમાં જઈ રહી હતી તે ફોન પર વાત કરતી કરતી ચાલીને જઈ રહી હતી. ત્યારે આ આરોપીની નજર તે યુવતી પર પડી હતી. જેથી યુવતીનો પીછો કર્યો હતો અને અવાવરૂ જગ્યા આવતા જ યુવતીનું મોઢુ દબાવી દીધુ હતું અને યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. જે બાદ યુવતીની હત્યા કરી નાખી હતી. તારીખ-19-11-2024
પ્રશ્રિમ બંગાળમાં લૂંટના ઈરાદે એકની હત્યા કરી
પશ્વિમ બંગાળના હાવરા જી.આર.પી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં આ આરોપી પશ્વિમ બંગાળના હાવરા ખાતે ગયો હતો. ત્યારે ટ્રેન નં-15712 કતીહાર એક્ષપ્રેસમાં તેની સાથે બેસેલા એક અજાણ્યો ઈસમ ઉપર હુમલો કર્યો હતો. લૂંટ કરવાના ઈરાદે શરીરના છાતી, પેટ તથા માથાના ભાગે પોતાની પાસે રહેલી ચાકુ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. જે બાદ રોકડા રૂપિયા તેમજ સર સામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. આરોપી પાસેથી આ ગુનામાં વપરાયેલી લોહીના ડાઘાવાળુ ચપ્પુ તેમજ લૂંટી લીધેલો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે. તારીખ-24-11-2024
તેલંગાણામાં ટ્રેનના ડબ્બામાં એક મહિલાની હત્યા કરી
તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ જી.આર.પી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 303(2) મુજબ ગુનો નોંધાયો હતો. આરોપી રાહુલ જાટ જ્યારે ઝડપાયો તે દિવસના આગલા દિવસે જ એટલે કે 24-11ના રોજ પણ એક હત્યા કરી હતી. સીકંદરાબાદ રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં-09 ટ્રેન નં-07335 મેનુગુરૂ સ્પેશ્યલ એક્સપ્રેસના ડબ્બામાં એક સ્ત્રીનું ગમછા વડે ગળુ દબાવી હત્યા કરી હતી. મહિલાનો મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા તેમજ અન્ય સામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. જે મરણ જનાર સ્ત્રીનો મોબાઈલ ફોન આરોપી પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે. પૂણેથી કન્યાકુમારી જતી ટ્રેનમાં મહિલા પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી
આ ઉપરાંત અન્ય એક હત્યા 17 થી 21 ઓક્ટોબર વચ્ચે કરી હતી. જેમાં પૂણેથી કન્યાકુમારી જતી ટ્રેનના વિકલાંગ ડબ્બામાં આરોપી બેઠો હતો. જેમાં એક મહિલા મુસાફરી કરી રહેલ હતી. તે એકલી પડતા સોલાપુર, મહારાષ્ટ્ર સ્ટેશન આસ-પાસ તેણીની સાથે દુષ્કર્મ કરી તેણીનું ગળુ દબાવી હત્યા કરી, લૂંટ કરી, ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. જે બાબતે ખાતરી તપાસ કરવાની હાલ ચાલુ છે. આરોપી આ પ્રકારના ગુના કરવાની ટેવ વાળો હોય અને આરોપીની સઘન પુછપરછ દરમિયાન તેના દ્વારા આ જ એમ.ઓ.થી બીજા ગુના આચરેલ હોવાની વિગતો જણાવતો હોય, જે અંગે સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ.ઓ. વાળા ગુનાની માહિતી મેળવી આરોપીની પુછપરછ કરવામાં આવનાર છે. હવે જોઈએ પારડી રેપ વિથ મર્ડરની ઘટનાને વિસ્તારથી…..
ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક મોતીવાળા ફાટક પાસે રહેતા એક શ્રમિક પરિવારની બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી 14 નવેમ્બરે ટ્યૂશન ગયા બાદ ઘરે પરત ફરી ન હતી, જેથી પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. મોતીવાળા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી યુવતીની લાશ મળી હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પરિવારના સભ્યો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી, ફરજ પર હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. કેવી રીતે પકડાયો આરોપી?
વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના મોતીવાળા રેલવેફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના 10 હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા. જોકે, આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઇ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે. જ્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. વાપી રેલવે સ્ટેશન ઉપરના CCTVમાં આરોપી જોવા મળ્યો
વલસાડ SP કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 3 DySPના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરી છે. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલી CCTV ફુટેજના આધારે શકમંદ ઈસમ પાસેથી ઘટના સ્થળેથી કપડાં મળી આવ્યા હતા. ટીશર્ટ, ટ્રેક, બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્વના સાબિત થઈ હતી. ઘટના સમયના 2 કલાક પહેલા વાપી રેલવે સ્ટેશન ઉપર યુવક હોવાના CCTV ફુટેજમાં દેખાઈ રહ્યો હતો. CCTV ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટીશર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની ટીમે અંદાજે 2000થી વધુ CCTV ફૂટેજ અને શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. વાપીમાં ઢાબામાં અગાવ નોકરી કરી ગયો હોવાથી રૂપિયા લેવા આવ્યો હતો
પોલીસની ટીમે અત્યાર સુધીના ગુનાઓમાં ઝાડપાયા આરોપીઓના વર્ણન ચેક કર્યા શકમંદ સાથે 80% લક્ષણ મળતા આરોપીઓની ડિટેલ ચેક કરતા આરોપીની ઓળખ થઈ હતી. આરોપી 18મી મે 2024ના રોજ સુરતની લાજપોર જેલમાંથી છૂટ્યો હતો. વાપી-પારડી વચ્ચે આવેલા ઢાબામાં અગાવ નોકરી કરી ગયો હોવાથી યુવક ઢાબા સંચાલક પાસે રૂપિયા લેવા આવ્યો હતો. જે દરમિયાન ઉદવાડા રેલવે સ્ટેશન ઉપર આરોપી યુવક વિદ્યાર્થિનીને ફોન ઉપર વાત કરતા એકલી ચાલતા જોઈ જતા આરોપીએ વિદ્યાર્થિનીને ટાર્ગેટ કરી હતી. અવાવરૂ જગ્યા આવતા વિદ્યાર્થીનીનું મોઢું દબાવી અપહરણ કરી ગયો હતો. વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઓળખ છુપાવવા વિદ્યાર્થિનીની હત્યા કરી હતી. જે આરોપીએ ઓળખ છુપાવવા કપડાં બદલી જતો રહ્યો હતો. આરોપી ઉતાવળમાં બેગ યુવતીની લાશ પાસે મૂકી જતો રહ્યો હતો. આરોપી ગાંજો અને બીડી પીવાનો આદિ હતો. સુરતની લાજપોર જેલમાં ઝડપાયેલા કેદીઓ સાથે આરોપીનું વર્ણન ચેક કરવામાં આવ્યું હતું. સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યકતિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટ રહે,ગામ-મોખરા ખાસ પાના શ્યામ, પો.સ્ટે માહમ, જી.રોહતક હરીયાણા વાળો હોવાની શંકા વ્યકત કરી હતી. જે આધારે શંકાસ્પદ વ્યકતિ અંગે હરીયાણા રાજ્યના રોહતક જિલ્લાનો રહેવાસી હોય જેથી પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા દ્વારા રોહતક જિલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરી આરોપીનું સંપુર્ણ વેરીફીકેશન કર્યું હતું. આ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ICJS પોર્ટલ ઉપર ચેક કરતા ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો હતો. આરોપી વિશે માહિતી મેળવતા આરોપી રખડતો-ભટકતો હોય અને સતત રેલવેમાં મુસાફરી કરતો હોય જેથી વલસાડ SPએ RPF તેમજ GRPના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી એક “જોઇન્ટ ઓપરેશન” શરુ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ વિગેરે રાજ્યના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા. જેનું એક વોટસએપ ગૃપ બનાવવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયાના ગ્રુપમાં ઝીણામાં ઝીણી વિગતો શેર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments