અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. સાત આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાઈ હતી. પરંતુ, અન્ય છ આરોપીઓ ભૂગર્ભ હતા. જે પૈકીના ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. ચિરાગ રાજપૂતની ખેડાથી જ્યારે મિલિંદ અને રાહુલની ઉદયપુરથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ત્રણ આરોપીઓની સાથે રહેલા અન્ય બે શકમંદોની પણ અટાકયત કરી પૂછપરછ હાથ ધરી છે. ખ્યાતિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે. જ્યારે હજી પણ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર હોય તેઓની શોધખોળ ચાલી રહી છે. વી છે. ચિરાગ ખેડાથી જ્યારે અન્ય બે ઉદયપુરથી ઝડપાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્ત્વની માહિતી મળી હતી અને તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા તે સમયે ચિરાગની ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદની ધરપકડ ઉદયપુરથી કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે. ચિરાગ રાજપૂતનું લોકેશન રાજસ્થાનમાં, ઝડપાયો ખેડા પાસેથી
મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના મોબાઈલનું છેલ્લું લોકેશન પોલીસે મેળવતા તે રાજસ્થાનમાં બતાવતું હતું. પરંતુ, ચિરાગ રાજપૂત અમદાવાદથી 60 કિમીના અંતરે ખેડા પાસે આવેલા એક ફાર્મહાઉસમાંથી ઝડપાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગેરમાર્ગે દોરાય તે માટે આરોપીઓએ પ્રયાસો કર્યા હતા પરંતુ, તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણેયની પૂછપરછ હાથ ધરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. જૂના ફોન બંધ કરી નવા મોબાઈલથી એકબીજાના સંપર્કમાં હતા
મળતી માહિતી મુજબ ખ્યાતિકાંડના ફરાર આરોપીઓ સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે તેઓના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. ત્યારબાદ નવા મોબાઈલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હોવાનુ સામે આવ્યું છે. સાતમાંથી ચાર ઝડપાયા, ત્રણ હજી પણ ફરાર
ખ્યાતિકાંડ મામલે શરૂઆતમાં પાંચ અને ત્યારબાદ બે મળી કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. શરૂઆતમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય છ આરોપી ફરાર હોઇ તેઓની શોધખોળ ચાલી રહી હતી. તેમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે હજી પણ આ મામલામાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હજી પણ ફરાર હોઇ તેઓની શોધખોળ યથાવત્ રાખવામાં રાખવામાં આવી છે. ચિરાગ રાજપૂત: દવા વેચતાં વેચતાં હોસ્પિટલનો CEO બની ગયો
ચિરાગ રાજપૂતના રોલ અંગે વાત કરીએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે કે તે એક સમયે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો અને મેડિકલ મટીરિયલનાં સેમ્પલ લઈને અલગ અલગ જગ્યાએ ફરતો હતો. તેણે નાનાં નાનાં કામથી શરૂઆત કરીને CEO સુધીની સફરમાં અનેક લોકો સાથે સંબંધો બનાવ્યા હતા. આ દરમિયાન જ તેના સંબંધો કાર્તિક પટેલ સાથે થયા. કાર્તિક પટેલ જમીનનો ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર કરતો હતો અને એ સમયે ડોક્ટર સાથે સારા સંબંધો હોવાના કારણે ચિરાગ રાજપૂત પણ ધીમે ધીમે ખ્યાતિ હોસ્પિટલની પ્રપોઝલ સાથે કાર્તિક પટેલને મળ્યો હોવાની શક્યતા છે. હજી આ સમગ્ર કડીઓ જોડવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રયાસ કરી રહી છે. હાલ તે CEO તરીકે હોસ્પિટલ રન કરવાની તમામ ભૂમિકા માટે કાર્તિક પટેલ પછી સૌથી મોટી ભૂમિકા ચિરાગ રાજપૂતની સ્પષ્ટ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે મકરબા ખાતે રિવેરા બ્લૂમાં તપાસ કરવામાં આવી તો લાકડાંના એક કબાટમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. કબાટમાં જ્યારે તપાસ કરવામાં આવી તો અલગ અલગ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો હતી, જેમાં 3,000 થી લઈને 13000ની કિંમતની દારૂની બોટલો મળી હતી, ગણતરી કરતાં અલગ અલગ કુલ 54 જેટલી દારૂની બોટલોની કિંમત રૂપિયા 2.85 લાખ થતી હતી. મિલિંદ પટેલ: માર્કેટિંગ કરતો હતો ને ચિરાગના સંપર્કમાં આવ્યો
ચિરાગ રાજપૂત જ્યારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરતો હતો ત્યારે તે નાના નાના વિસ્તારોમાં ફરીને પોતે પોતાની પ્રોડક્ટ વેચવા માટે પ્રયાસ કરતો હતો. આ દરમિયાન તેનો સંપર્ક મિલિંદ પટેલ સાથે થયો હતો. મિલિંદ પટેલ સામાન્ય રીતે ફિલ્ડમાં ફરીને મેડિકલ પ્રોડક્ટ વેચવામાં અને લોકો સાથે સીધો સંપર્ક કરાવવા માટે માહેર હતો. તે ઘણી જગ્યાએ મેડિકલ માર્કેટિંગની સાથે અન્ય વસ્તુનું પણ માર્કેટિંગ કરતો હોવાની કડી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી છે. તે ગામડાંમાં નાનામાં નાના લોકો સુધી પોતાની પકડ બનાવવામાં માહેર હતો, જેથી ચિરાગ રાજપૂતે તેને ખ્યાતિ હોસ્પિટલમાં પેશન્ટ લાવવા માટેનો મહત્ત્વનો રોલ આપ્યો હતો. આમ, મિલિંદ એ પ્રમાણે કામગીરી કરતો હતો. હાલ મિલિંદ પણ વોન્ટેડ છે. રાહુલ જૈન: પાઈ પાઈની હેરફેર કરવામાં માહેર ખેલાડી
‘ઇસકી ટોપી ઉસકે સર’ તો તમે ઘણીવાર સાંભળ્યું જ હશે, એટલે કે અહીંનું ત્યાં અને ત્યાંનું બીજે ક્યાંક આવી વ્યવસ્થા કરવામાં રાહુલ જૈન અવ્વલ દરજ્જાનો ખેલાડી હતો, કારણ કે મિલિંદ જ્યારે કોઈ કસ્ટમર લાવે કે ગામડામાં કેમ્પ કરે ત્યારે તેનો ખર્ચ હોસ્પિટલમાંથી જ લાવવો કે બહારથી તે રાહુલ જૈન જ નક્કી કરતો હતો. ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાંથી લોકોને અમદાવાદ સુધી લાવી ઓપરેશન કરી PMJAYમાંથી પૈસા ખંખેરવાથી લઈ કયો ખર્ચ ક્યાં ઉધારવો અને ક્યાં આવક બતાવવી એ તમામ બાબત રાહુલ જ કરતો હતો. શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરુર ન હોવા છતા ખોટી રીતે કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે શરૂઆતમાં પાંચ લોકો અને બાદમાં બે લોકો મળી કુલ સાત સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાયા બાદ તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. ત્યારબાદ આજે વધુ ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે ત્રણ હજી પણ ફરાર છે.