છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદીને લઈ વિવાદ થયો હતો અને ત્યારબાદ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજને લઈ કરોડો રૂપિયાનો વહીવટ મહંત બનવા માટે કરાયા હોવાના આક્ષેપો મહેશગિરિ દ્વારા કરવામાં આવ્યા હતા. તે લેટર સામે ગઈકાલે પંચ દશનામ જૂના અખાડાએ આ લેટરને તદ્દન ખોટો ગણાવી કોઈપણ રૂપિયાનો વહીવટ ન કરાયા હોવાનું જાહેર કર્યું હતું. ત્યારે હવે ગુરુના અપમાનને લઈ હરિગિરિ બાપુના શિષ્ય અને ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ મહેન્દ્રાનંદગિરિએ મહેશગિરિ પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, દત્તચોકને ચાંદનીચોક નથી બનાવવાનો અને તમે ભવનાથનો કબજો લેવાની વાત કરો છો તો જ્યારે ભવનાથનો કબ્જો લેવા જાઓ તો વચ્ચે મુચકુંદ આવે છે એ ન ભૂલતા.. ‘દત્તચોકને ચાંદનીચોક નથી બનાવવાનો’
ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ મહેન્દ્રાનંદગિરિએ જણાવ્યું છે કે, મહેશગિરિ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે સાધુ-સંતો અને ભવનાથને બદનામ કરવાનું કાવતરું છે. ભવનાથ જેવા હજારો મંદિરો અને અખાડાનું સંચાલન હરિગિરિ મહારાજ કરી રહ્યા છે. જે માણસના વ્યક્તિત્વ પર કાદળ ઉછાળવાનું અને કાવતરું મહેશગિરિ કરી રહ્યા છે તે સાધુને શોભતું નથી. ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું આ ખૂબ મોટું કાવતરું કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આગામી 1 ડિસેમ્બરના રોજ ભવનાથ પર કબજો કરવાની વાત મહેશગિરિ દ્વારા કરવામાં આવી હતી જેને લઇ જગતગુરુએ કહ્યું હતું કે. દત્ત ચોકને ચાંદની ચોક બનાવવો નથી, કાયદો કાયદાનું કામ કરશે. મહેશગિરિએ એ ન ભૂલવું જોઇએ કે ભવનાથ જતા સમયે વચ્ચે મુચકુંદદ આવે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભવનાથ મંદિરની દાનપેટીમાં જે દાન એકત્રિત થાય છે તેની પેટી મામલતદાર હસ્તક ખોલવામાં આવે છે અને ત્યારબાદ તમામ રૂપિયા બેંકમાં જમા કરાવવામાં આવે છે અને ભવનાથ મંદિરના વિકાસમાં વાપરવામાં આવે છે. તેમજ હાલમાં ચાલી રહેલા વિવાદ મામલે આગામી સમયમાં સાધુ-સંતોની બેઠક મળી આ બાબતે ચર્ચા વિચારણા કરશે. ‘મહેશગિરિ જે કાવતરૂ કરે છે એ સાધુને નથી શોભતું’
ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ મહેન્દ્રાનંદગિરિ મહારાજે વધુમાં જણાવ્યું કે, મહેશગિરિ દ્વારા જે અમારા ગુરુ હરિગિરિ મહારાજ પર આક્ષેપો કરાયા છે તે પાયા વિહોણા છે. હરીગિરિ મહારાજ એ સમર્થ અને સહજ સંત છે, જેને પોતાનું જીવન સનાતન ધર્મને અર્પણ કર્યું છે. ભવનાથ જેવા હજારો મંદિરો અને અખાડાનું સંચાલન હરીગિરિ મહારાજ કરી રહ્યા છે. જે માણસના વ્યક્તિત્વ પર કાદળ ઉછાળવાનું અને કાવતરું મહેશગિરિ કરી રહ્યા છે તે સાધુને શોભતું નથી. ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું આ ખૂબ મોટું કાવતરું કરવામાં આવી રહ્યું છે. ‘દાન પેટી પણ મામલતદાર દ્વારા ખોલાય છે’
મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી ભવનાથ, હરિગિરિ મહારાજ અને ભારતના પ્રતિષ્ઠિત લોકોને બદનામ કરવાનું અનૈતિક કામ મહેશગીરી કરી રહ્યા છે. આ કામ ધર્મ અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે. આ કામ તેણે બિલકુલ ન કરવું જોઈએ. થોડા સમય પહેલા મહેશગિરિ દ્વારા જે કરોડો રૂપિયાનો ઉલ્લેખ કરતો પત્ર સોશિયલ મીડિયામાં બતાવવામાં આવ્યો હતો તેની સામે પંચ દશનામ જુના અખાડા દ્વારા વાસ્તવિક અખાડાને કેટલી આવક છે તે પત્ર જાહેર કરવામાં આવ્યો છે. પંચ દશનામ જુના અખાડા દ્વારા કુંભમેળામાં જ્યારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારે સાધુ સંતો મળ્યા હતા અને તે સમયે અખાડાની આવકની રાશી કેટલી છે તે અને પંચ દશનામ જુના અખાડાના પદાધિકારીઓની યાદી સાથેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ ભવનાથ મંદિરમાં જે વહીવટ ચાલે છે અને જેની દાન પેટી પણ મામલતદાર દ્વારા ખોલવામાં આવે છે અને તંત્રની હાજરીમાં દાન પેટીમાં જમાલ થયેલ રૂપિયા ગણવામાં આવે છે અને બાદમાં બેંકમાં જમા કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથના કે અન્ય ધર્મના કાર્યો માટે આ રૂપિયા ખર્ચવામાં આવે છે. ભવનાથ પાછળ જે બિલ્ડીંગ બન્યું છે તેના કોન્ટ્રાક્ટર રાણપુરના છે. જ્યાંથી મહેશગિરિ વીડિયો બનાવીને મૂકે છે. ‘સનાતન ધર્મને બદનામ કરવાનું કામ’
મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, હરિગિરિ મહારાજ માત્ર મારા ગુરુ મહારાજ નથી, પરંતુ ભારત વર્ષના લાખો સાધુ સંતો, સન્યાસીઓના તે ગુરુ છે. ભારત વર્ષના કેટલાયે મહામંડલેશ્વર અને જગતગુરુના હરિગિરિ મહારાજ ગુરુ છે. 10-20 વર્ષથી હરિગિરિ મહારાજ માત્ર એક જ ગાડી ચલાવે છે, ત્રણ જોડી કપડા અને ઝોળી ખંભે નાખી આખા ભારત વર્ષની યાત્રા હરિગિરિ મહારાજ કરે છે. ક્યારે આવા મહાપુરુષ માટે આટલું બોલવું તે સાધુને શોભતી વાત નથી. જેનું સાધુ-સંતો ખંડન કરે છે અને ખૂબ જ આ બાબતે દુખી છે. આ બાબતે હરિગિરિજી મહારાજ દ્વારા ભવનાથ મંદિરને લઈ એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેને આ પત્રમાં તમામ બાબત રજૂ કરી છે. લોકો સમક્ષ ખોટી વાતો મૂકી સનાતન ધર્મને બદનામ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેશગિરિ મહારાજ આપ આ બધું સમજી આ બધું બંધ કરો. ‘અમને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે’
મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, આજે 26 તારીખ એટલે કે બંધારણીય દિવસ છે. ભારતમાં લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહ્યા છે. ખાસ કરી જૂનાગઢનો કાયદો એસ.પી. હર્ષદ મહેતા ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે અને અમને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે. જો કબજો કરવાની વાત હોય તો દત્તચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. આવી કાયદા બહારની વાત કોઈએ ન કરવી જોઈએ. છતાંય કબજો લેવા જતી વખતે વચમાં મુચકુંદદ આવે છે તે મગજમાં રાખજો. ‘કોઇ સાધુઓ જૂનાગઢમાં જન્મેલા નથી’
મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, છેલ્લા એક દોઢ વર્ષથી અલગ અલગ પ્રકારના માયા મંડળ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક સંતો ઘણું બોલે છે અને ઘણો વિરોધ કરે છે. જેમાં ક્યારેક તંત્રનો વિરોધ, પરિક્રમા કે શિવરાત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક સંત કોણ છે ? જ્યારે ગિરનાર મંડળ અસ્તત્વમાં છે જેના અધ્યક્ષ ઇન્દ્રભારતી છે અને અખાડાના થાનાપતિ બુદ્ધગીરી છે. ત્યારે બે-ચાર વ્યક્તિઓ સાથે મળી સ્થાનિક સંતોની વાત કરતા હોય તો તેવા તદ્દન ખોટી છે. આહવાહન અખાડો, અગ્નિ અખાડા અને જુના અખાડા થયા છે. ગુજરાત અને ભારતમાંથી જે તમામ અખાડાઓ સાથે જોડાયેલા હોય તે સાધુઓ સ્થાનિક સાધુ સંતો જ છે. કોઈ અહીં જન્મેલા નથી જે વાત કરી રહ્યા છે તેનો પણ જન્મ જૂનાગઢમાં નથી. ‘આ ધર્મનું શાસન છે રાજકારણ નથી’
મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, જાતિવાદની સ્થાનિકવાદની આવી વાતો ઉભી કરી રાજકારણ ન કરવું જોઈએ. જે લોકોએ પોતાનો પૂર્વાશ્રમ છોડી દીધો હોય તે સાધુને જાતિ સાથે કે પરિવાર સાથે કોઈ લેવાદેવા હોતા નથી તે માત્ર સાધુ હોય છે. વારંવાર આવા વિષયોને લઈ સાધુ-સંતોને ખૂબ કનડગત કરવામાં આવી રહી છે. અમે શબ્દોના માણસ નથી સેવાના માણસ છીએ અમે રામરોટી કરાવી સનાતન ધર્મનું કામ કરીએ છીએ. ત્યારે સાધુ-સંતો કે ભવનાથ ગિરનારના વિરોધીઓને આવી વાતો કરી બધાને બદનામ કરવા સિવાય કોઈ વાત નથી. આ ધર્મનું શાસન છે રાજકારણ નથી રાજકારણમાં પણ ખૂબ સારા નિયમો હોય છે. જ્યારે ગુજરાતની જનતાને ખાસ અપીલ કરવા માગું છું કે સાધુ સંતો ગિરનાર ક્ષેત્ર અને ભવનાથને બદનામ કરવાની છેલ્લા ઘણા સમયથી વાતો થઈ રહી છે તે તદ્દન ખોટી છે. ત્યારે આવી વાતો જે કોઈ સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યા છે તેના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શું છે સમગ્ર વિવાદ?
જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુ લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં 19 નવેમ્બર, 2024ના રોજ દેવલોક પામ્યા હતા. એ બાદ તનસુખગિરિ બાપુની તેમના નિવાસ ભીડભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી. જોકે સમાધિ યાત્રા દરમિયાન જ ગાદીને લઈ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં એક તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગિરિ સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઇ વગેરે છે. તો સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ છે. બન્ને પક્ષકારો વચ્ચે ગાદીને લઇને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. આ પણ વાંચો: મહેશગિરિએ તેની માનસિક સારવાર કરાવવી જોઈએ: હરિગિરિ આ પણ વાંચો: હરિગિરિને હટાવો નહીં તો 1 તારીખે ભવનાથ મંદિર પર કબજો કરીશ: મહેશગિરિ આ પણ વાંચો: હરિગિરિએ ભાજપને 5 કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને 50 લાખ દીધા: મહેશગિરિ