ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા નદીમાં પડેલા મોટા ઊંડા ખાડાઓના કારણે ચાર જેટલા લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ અંગે જિલ્લા સંકલન મિટિંગમાં મુદ્દો સંસાદ મનસુખ વસાવા ઉઠાવવામાં આવ્યો હતો કે નર્મદા જિલ્લા, વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠે ગેરકાયદેસર ચાલતા રેતી ખનનના કારણે પડેલા ઉંડા અને મોટા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ પામવાની ઘટના બની છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી આક્ષેપો કર્યા છે કે રેતી માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી નર્મદામાં મોટી મશીન બોટ (બાજ) દ્વારા ગેરકાયદેસર રેતી ખનન ત્રણેય જિલ્લામાં ચાલે છે. જે બંધ થવુ જોઈએ. સંકલનમાં આટલી ચર્ચા થવા છતા પણ હજુ પણ બેરોકટોક ગેરકાનુની આ રીતે રેતી કાઢવાનું કાર્ય ચાલુ છે. આ વિષે નર્મદા ખાણ ખનીજ ભૂમાફિયાને છાવરી રહ્યા હોઈ એમ જણાય છે. વધુમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે, ગત રોજ ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની ગેરકાયદેસર રેતી ખનન અંગેની રજૂઆત લઈ જિલ્લા કલેકટરનું ધ્યાન દોર્યું હતું. જે બાદ કલેક્ટરની સૂચના દ્વારા ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર જગડીયા અને સ્થાનિક પોલીસ વહેલી સવારે 6 વાગે ઘટના સ્થળે પહોંચી તો હતી, પરંતુ રેતી માફિયાઓને પકડવાને બદલે તે જગ્યાએથી ભગાવી મૂક્યા હતા. જ્યાં નાના વાસણામાં લીજ મંજૂર નથી થઈ તેવી જગ્યાઓ પર રેત માફિયાઓ મોટા પ્રમાણમાં રેતી ખનન કરી રહ્યા છે. ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે અધિકારીઓ ઘટના સ્થળે જઈ રેતી માફિયાઓને ભગાવી દેતા હોવાના ગંભીર આક્ષેપો ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. આ બાબતે ખાણખનીજનાં ઇન્ચાર્જ અધિકારી જે કે ગોરને પૂછતાં તેમને બચાવ પક્ષમાં લૂલો બચાવ કર્યો હતો. જણાવ્યું કે સાંસદ કહે છે એ પ્રમાણે અહિયાં કોઈ એવી લીઝ ચાલતી નથી અને એવા મસ મોટા મોટા મશીનો પણ ચાલતા નથી. અમે એ વાતની તપાસ ચાલુ કરી છે. જો ધ્યાનમાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ દંડનીય કાર્યવાહી અંગે પૂછતાં પણ એમને કોઈ જાણ નથી. લિઝ વિશે પૂછતાં પણ એ જોવું પડે તેમ જણાવ્યું હતું. એમ લુલા જવાબ આપી આ તંત્ર ભૂમાફિયાને છાવરતું હોઈ એમ જણાઈ આવે છે. નર્મદા, ભરુચ તથા વડોદરા જિલ્લાના કલેક્ટર જિલ્લા પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ અધિકારી તેમજ પોલીસ વિભાગના જવાબદાર અધિકારીઓ તથા તાલુકા અને જિલ્લા પંચાયતના કેટલાક રાજકીય નેતાઓની મીલીભગતથી રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે. આ રેતી ચોરીમાં સામેલ હોવાના ગંભીર આક્ષેપો સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પુલિયાઓ બનાવી દીધા છે જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે. આ બાબતની જાણ વારંવાર નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના વહીવટી અધિકારીઓને કરી છે. રાજ્ય સરકારના ખાણ ખનિજ અધિકારીઓને પણ જાણ છે. આ બધાને રેતમાફિયાઓ દર મહિને લાખો રૂપિયાના હપ્તા આપે છે. જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાંથી રેતી કાઢે છે. તેવા આક્ષેપો પણ સંસાદ મનસુખ વસાવાએ કર્યા છે. આવનાર ટૂંક સમયમાં મુખ્યમંત્રીને પણ આ બાબતે પત્ર લખી રાજ્ય લેવલે ટીમ બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. ગેરકાયદેસર ચાલતા રેતી ખનનમાં રેતમાફિયા, અધિકારીઓ અને નેતાઓની મિલીભગત હોવાની ખુલ્લેઆમ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખુદ ભાજપના સાંસદ લખતા હોય છે. નર્મદાનું ચિરહરણ કરનારા સામે પગલાં ભરો, તેવી માગ કરવામાં આવી છે.