ગઢડા તાલુકાના રોજમાળ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય છેલ્લાં 20 વર્ષથી ફરજ બજાવતાં હતા. જેઓની પોતાના વતન બદલી થતાં ગામલોકો અને વિદ્યાર્થીઓએ ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો. શિક્ષકની ઉમદા કામગીરીને કારણે તેમના વિદાય સમારંભમાં આખું ગામ હીબકે ચડ્યું હતું અને ભીની આંખોએ શિક્ષકને વિદાય આપી હતી. આમ રોજમાળ ગામે આજરોજ શિક્ષક વિદાય સમારંભ કાર્યક્રમમાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતા. ગામજનો દ્વારા આચાર્યની માનભેર વિદાય
વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાંય શિક્ષકની વિદાય વસમી લાગે છે. શિક્ષક શાળા સાથે, શિક્ષક મિત્રો સાથે બાળકો સાથે એટલી આત્મીયતાથી બંધાઈ જાય છે કે જેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રોજમાળ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકની તેમના વતન તરફ બદલી થઈ હતી. જેથી ગામલોકો અને વિદ્યાર્થીઓએ સ્વભાવે સરળ અને શાંત, કર્તવ્યનિષ્ઠ તેમજ દરેકને માન આપતાં આચાર્ય રમેશભાઈ ચૌધરીને માનભેર વિદાય આપી હતી. આચાર્યની વિદાયમાં ભાવુક દૃશ્યો સર્જાયાં
આચાર્ય રમેશભાઈ ચૌધરીના વિદાય સમારંભમાં રોજમાળ ગામના સરપંચ અરવિંદ શેખ તેમજ ગામના તમામ લોકો તેમજ તમામ સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ વિદાય સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો અને આચાર્ય રમેશ ચૌધરીને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. ત્યારે આચાર્યની વિદાય સમયે ભાવુક દૃશ્યો સર્જાયાં હતા. છેલ્લા 20 વર્ષથી ગામલોકો સાથે અતુટ નાતો
રોજમાળ ગામના સરપંચ અરવિંદભાઈ શેખે જણાવ્યું હતું કે, અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી સેવા આપતાં આચાર્ય રમેશભાઈ ચૌધરીનો આજે વિદાય સભારંભ યોજાયા હતો. તેમની કામગીરી બહુ જ સારી હતી. તેમના આ કાર્યક્રમમાં ગામલોકો તેમજ વિદ્યાર્થીઓ બધા ભાવુક થઈ ગયા હતા.